બર્લિનમાં એમ્બેસી ઓફ ઈન્ડિયા ખાતે રવિવાર તા.૧૦ જૂને બીજા ઈન્ડિયન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બર્લિનમાં વસતા ભારતીયો તેમજ બર્લિનવાસીઓએ ભારતના વિવિધ રાજ્યો અને પ્રદેશોની વૈવિધ્યપૂર્ણ સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ માણ્યો હતો. તેટલું જ નહીં પરંતુ, ભારતીય કળાની સાંસ્કૃતિક સમૃદ્ધિનો અનુભવ પણ કર્યો હતો.
ફેસ્ટિવલમાં ઉભા કરાયલેા ૧૨ સ્ટોલ પર ગુજરાત, તમિળનાડુ, કેરળ, નાગાલેન્ડ, મણિપુર, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત ભારતના અન્ય રાજ્યોની વિવિધ વાનગીઓ રજૂ કરાઈ હતી. ફૂડ ફેસ્ટિવલની ૩,૦૦૦ લોકોએ મુલાકાત લીધી હતી અને લિજ્જતદાર વાનગીઓની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો.
ફૂડ ફેસ્ટિવલની પહેલ ભારતની વાનગીઓ અને સાંસ્કૃતિક વીરાસતના માધ્યમ દ્વારા માત્ર જર્મન લોકોને જ નહીં પરંતુ, સ્થાનિક ભારતીય સમાજના સભ્યો અને ભારતના મિત્રોને એકબીજા સાથે જોડવાના હેતુથી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભારતના વિવિધ પ્રાદેશિક પોષાકોમાં સજ્જ બાળકો અને જર્મની ખાતેના ભારતના રાજદૂત શ્રીમતી મુક્તા દત્તા તોમરના હસ્તે ‘ઈન્ડિયા એટ ૭૦- મોન્યુમેન્ટ્સ, નેચર એન્ડ વાઈલ્ડલાઈફ ઓફ ઈન્ડિયા’ પ્રદર્શનને ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું.
ફોટોગ્રાફી સ્પર્ધા અને ઓનલાઈન ક્વીઝ સ્પર્ધાના વિજેતાઓનું શ્રીમતી દત્તાના હસ્તે સન્માન કરાયું હતું.

