બાથંમબાથી કરવી કે બાથમાં લેવા?

સી. બી. પટેલ Wednesday 13th June 2018 06:29 EDT
 
 

વડીલો સહિત સૌ વાચક મિત્રો, વ્યક્તિગત, પારિવારિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સંબંધોના પાયામાં મૂળભૂત બે માનસ તરવરે છે જેને સાદી, ગામઠી ભાષામાં શીર્ષકમાં લેવા મેં પ્રયત્ન કર્યો છે. ઘરમાં કે બહાર બાથંમબાથી કરવી એ સહજ છે, કદાચ નાના બાળકો કરે એ પણ એ કુદરતી છે પરંતુ નેતા હોય તેમને પ્રયત્નપૂર્વક પણ ચોક્કસ રીતે બાથંમબાથીથી અળગા રહેવું એવું ઉપનિષદ વારંવાર જણાવે છે.
નાના બે-ત્રણ કે પાંચ વર્ષના બાળકો રમતા થોડી દૃષ્ટિખેંચ કરતાં આપણે અવશ્ય પ્રફુલ્લિત બની જઈએ છીએ કે એ બાળકો એકબીજાને બાથમાં લઈને કેટલો અહોભાવ કરતા હોય છે. નાનાઓ કરે તેમાંથી પણ મોટેરાંઓ શીખી શકતા નથી તે એમની કમનસીબી. એટલું જ નહીં પણ એમના પરિવારજનો, આડોશીપાડોશી, દેશબાંધવો કે આંતરરાષ્ટ્રીય સ્તરે આફતનું પડીકું સદા ખુલી જતું હોય છે. ખતરો શા માટે જાતે જ નોંતરવો?
આંતરિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોનો સમન્વય આધુનિક યુગની તાતી જરૂર જોઈ શકાય છે. એકબાજુ ગરીબ-તવંગર કે પછાત કે પ્રગતિશીલ રાષ્ટ્રોના પ્રશ્નો બીજી તરફ ભાન ભૂલેલા અને પોતીકા ધર્મનો ખોટો અર્થ કરી રક્તપાતમાં રાચતા આંતકવાદીઓ કે પારકું પચાવી લેવા સતત આર્થિક કૌભાંડમાં રાચતા વિજય માલ્યા, નિરવ મોદી જેવા ‘મહારથીઓ’ જેવા માનવતાહીન અને માનવભક્ષી પરીબળોને સકંજામાં લેવા આંતરીક અને આંતરરાષ્ટ્રીય સંબંધોનો સમન્વય આવશ્યક છે. દરેક દેશના વડાની (અને તે જ પ્રમાણે સરકારના વિરોધીઓની) ફરજ છે કે સાબદું અર્થતંત્ર, સરહદની સલામતી અને નાગરિકની સુવિધા અને સન્માન એ પાયાના ઉદ્દેશો સતત લક્ષમાં રાખવા જ રહ્યા. અને તેને અનુચિત વ્યવસ્થા સાબદી બનાવવી જ રહી. નેતાની નિયત અને નીતિ ઉપર આપણા સૌની આજ અને આવતીકાલ નિર્ભર છે.
મારા વાચકમિત્રો, ચાલો પ્રથમ ચિત્ર તરફ નજર નાંખીએ. કોઈ તોફાની છોકરો કે વંઠેલ, પરિવારને અનેકવિધ રીતે રંજાડતો હોય ત્યારે ઘરના મોભીઓ તેને છેવટે આરે આવીને બેસાડે અને શિખામણ આપે એવું કંઈક જોઈ શકાય છે ને? ખુરશીમાં અદબ વાળીને બેઠેલા અમેરિકન પ્રમુખ સુમસામ, બાહુક કે ગુમનામ નજરે સાંભળી રહ્યા છે, તેના મસ્તકમાં ઉતરે છે કે નહીં એ બીજી વાત છે.
જી ૭ના ૬ રાષ્ટ્રો એકસાથે થઈ ગયા અને જે પ્રકારે ઈરાન, રશિયા, ટેરીફ વોર વગેરે બાબતો અંગે ટ્રમ્પના વિચારોને રદિયો આપ્યો તેથી નાસીપાસ થયેલા અમેરિકી પ્રમુખે શિખર પરિષદમાંથી પરત થતાં જ ટ્વિટ કરીને સૌનો ઊધડો લીધો. છએ છ નેતાઓની આકરી અઘટિત અને મુત્સદ્દીગીરીને અશોભનીય ટીકા કરી. એમાંય વળી, અમેરિકન પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સમાં ‘કેનેડીયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો નરકમાં સડવા લાયક છે’ એમ કહેવાથી સર્વત્ર સન્નાટો છવાયો છે. એ રીતે જોઈએ તો આ આંતરરાષ્ટ્રીય મહારથીઓની પરિષદમાં ટ્રમ્પ એકલા અટૂલા પડી ગયા હતા. જી ૭ માંથી આ કારણે તેમણે વહેલી પલાયનગતિ કરી હતી.
જી-૭ના સાત રાષ્ટ્રો (જર્મની, જાપાન, બ્રિટન, ફ્રાન્સ, કેનેડા, દક્ષિણ કોરિયા, અમેરિકા)ના સાત દેશોમાંથી એકલું અમેરિકા ના હું તો ગાઈશ એ રીતે જાણે છેલ્લે પાટલે બેસી જતું લાગે છે. છેલ્લા ૭૦-૮૦ વર્ષમાં વૈશ્વિક સ્તરે અમેરિકાનો પ્રભાવ સૌ કોઈ સ્વીકારતા હતા અને એ એકમાત્ર સર્વસ્વીકૃત સુપર પાવર ગણાતું હતું. અમેરિકાનું મજબૂત અર્થતંત્ર, અનેકવિધ ક્ષેત્રે વિદ્વતા, આર્થિક તંદુરસ્તી, વિદેશી સહાય અને જરૂર પડ્યે ત્યારે આંતરરાષ્ટ્રીય પોલીસમેન તરીકેની જવાબદારી (મહદઅંશે સર્વમાન્ય, ક્યાંક અપવાદજનક-પાપડી ભેગી ઈયળ પણ બફાય એવું તો આપણે સાંભળ્યું જ હશે ને?) એ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ બાદ અમેરિકા, ૨૦ જાન્યુઆરી ૨૦૧૭થી જાણે અવળી દિશામાં ઘોરઅંધકાર તરફ જઈ રહ્યું હોય એમ જણાય છે.
અમેરિકાની ચિંતાજનક આંતરિક અને વિદેશી નીતિના મુખ્ય પીડાજનક, ભયજનક પરિબળોની યાદીમાં (૧) સંરક્ષણ બજેટમાં અધધ વધારો (૨) અન્ય દેશો સાથે વ્યાપારિક સંબંધોમાં આડેધડ અકડાઈ અને આયાત ઉપર ભારે કરવેરાની પેરવાઈ (૩) પ્રેસિડેન્ટ ટ્રમ્પને હોટેલો બનાવતાં કે તે દ્વારા કલદારના કિલ્લા કરતાં આવડ્યું હશે પરંતુ મુત્સદ્દીગીરીમાં તેમને ૧૦૦માંથી વધુમાં વધુ ૩૫ માર્ક્સ મળે. આપણે બધા સ્કૂલમાં હતા ત્યારે પાસ થવા ૩૫ માર્ક્સ જોઈએ. ૪૫ પછી સેકન્ડ ક્લાસ અને ૬૦ પછી ફર્સ્ટ ક્લાસ અને ૭૦થી વધુને ડિસ્ટ્રીક્શન કહેવાય. ડોનાલ્ડ ટ્રમ્પને આપણે પાસ ક્લાસમાં મૂકવા પડે કારણ કે એવા શક્તિસભર કે સામર્થ્યવાન રાષ્ટ્રના પ્રમુખ છે કે જે દેશ દુનિયાભરમાં લગભગ સર્વક્ષેત્રે પ્રાધાન્ય ભોગવી રહેલ છે. બાકી કોઈ ઉદાર શિક્ષક પણ ડોનાલ્ડ ટ્રમ્પને સેકન્ડ ક્લાસ તો ના જ આપે. કારણમાં તેમની માર બૂધું અને કર સીધું એવી નીતિ તાર્કિક કે વાસ્તવિક રીતે અસંભવ અને પ્રમુખપદ માટે અસંગત ગણી શકાય.
આ લખાઈ રહ્યું છે ત્યારે કાલે (મંગળવારે) સિંગાપોરમાં નોર્થ કોરિયા અને અમેરિકાના પ્રમુખોની શિખર પરિષદ યોજાઈ રહી છે. હજી ગઈકાલ સુધી ડોનાલ્ડ ટ્રમ્પ નોર્થ કોરિયાને ધાકધમકી અને અલ્ટીમેટમ આપતા રહ્યા છે. નોર્થ કોરિયાના નેતા પણ સાવ ભોટ નથી. તેણે પણ શાળા-કોલેજ જીવન પણ ઓસ્ટ્રિયામાં લીધું છે. ૧૨૫ વર્ષ પહેલાં યુરોપની તળભૂમિમાં (ઓસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યના ડંકા વાગતા હતા). પેલા હાથીના કાનમાં મચ્છરની હેરાનગતિ. છેલ્લા વર્ષોમાં નોર્થ કોરિયાના પ્રમુખે તેના બાપની જેમ અમેરિકા તથા અન્ય દેશોને ત્રાહિમામ પોકારાવ્યું હતું. અને તેમ થઈ રહ્યું છે.
શાંતિમય સહઅસ્તિત્વના માર્ગે ચીન સામ્યવાદી સરમુખત્યારી હોવા છતાં મબલખ સમૃદ્ધિ અને તેના પરિણામે આસપાસના કે દૂરના દેશોમાં વગ વધારી રહ્યું છે તે વિશે પણ (આ રોકેટમેન) સાવ અજાણ હોવાની જરૂર નથી. અમેરિકાને સોદાગીરીમાં પ્રેરવા માટે નોર્થ કોરીયાના પ્રમુખે અણુબોમ્બ, હાઈડ્રોજન બોમ્બ અને મિસાઈલ જેવા માર્ગનો ઉપયોગ કર્યો તેવું અગાઉ અન્ય દેશોએ પણ કરેલું છે. આ બંને બળીયા કે બુદ્ધિના બેલ સિંગાપોરમાં શું રાંધશે એ તો આગળ ઉપર જણાશે. વાત વણસી જાય એવી પણ સંભાવના સાવ નકારી ના શકાય. પરંતુ બંને ભેગા થઈ રહ્યા છે એટલે કંઈક સમાધાનપૂર્વક સમજૂતિની સંભાવના જોઈ શકાય છે. તેમાં તેમનું અને આપણા સૌનું સર્વોચ્ચ હિત સમાયેલું છે. એ જોતાં આપણે સૌ ઈચ્છીએ કે બાથંમબાથીને બદલે બાથમાં લેવાની વૃત્તિ પ્રબળ રહે.
સિંગાપોરમાં નોર્થ કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઊન સાથે જાણે શોર્ટ ટર્મ મેરેજ જેવી મંત્રણાઓમાં અમેરિકાએ ઉપરછલ્લું સમાધાન સાધ્યું છે એવો દાવો થઈ રહ્યો છે. રશિયાના પ્રવક્તાએ એ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે આ સમજૂતિની વિગતો બહાર આવી નથી અને આમેય આવા કુટપ્રશ્નો અંગે જે ઝીણવટભરી સંધિ સધાવી જોઈએ તેનો ટ્રમ્પ-કીમની આ મંત્રણામાં અભાવ જોઈ શકાય છે. રશિયાએ પરંપરાપૂર્વક નોર્થ કોરિયાનું સમર્થક હોવા છતાં વિધાન કર્યું છે કે, આ સમાધાન અધકચરું હોવાનું સૂચવે છે. શોર્ટ ટર્મ મેરેજ એ અલ્પજીવી અને છૂટાછેડા વખતે વધુ પીડાજનક નિવડે છે. ચાલો જોઈએ નિવડે વખાણ!
વાચકમિત્રો, ચાલો આપણે સિંગાપોરથી ઉપડી ચીન ઉપર ઉત્તરમાં ડોકીયું કરી આવીએ. (અલ્યા ભાઈ, આ તો મન મનાવવાની વાત છે. પણ પ્રવાસ ફળદાયી નિવડશે એનો મને વિશ્વાસ છે. ટીકિટ લેવાની કે પાસપોર્ટ પળોજણ નથી.) શાંગહાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની શિખર પરિષદ મળી જેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો એવું દેશ-વિદેશના સમાચાર માધ્યમો જણાવે છે.
આઠ દેશો SCOના સ્થાપક સભ્યો છે. જ્યારે ઈરાન, અફઘાનિસ્તાન, મોંગોલિયા અને બેલારૂસ ઓબ્ઝર્વર સ્ટેટસ ધરાવે છે. ભારતની જેમ રશીયાએ પણ એક જમાનામાં ચીન સાથે સરહદ પર તનાવ અને રક્તપાત અનુભવ્યો હતો. ઈરાન અને અફઘાનિસ્તાન ભારતની જેમ પાકિસ્તાન સાથે અમુકઅંશે નાજુક સંબંધો ધરાવે છે. દક્ષિણ પૂર્વના દેશોમાં પ્રભાવ માટે ભારત-ચીન વચ્ચે ખુલ્લેઆમ સ્પર્ધા છે, તો પેસિફિક મહાસાગર સુધીના વિશાળ ક્ષેત્રમાં ચીન અને અમેરિકી નૌકાદળ વધુમાં વધુ સાબદા અને જાગૃત બની રહ્યા છે. આમ ઓછાવત્તા અંશે કેટલીક બાબત અંગે સંબંધો શંકાસ્પદ કે નબળા હોવા છતાં આ રાષ્ટ્રોના મોવડીઓ નિયમિત રીતે અથવા વારંવાર એકબીજા સાથે વિચાર વિનિમય સાથે સુદ્રઢ સંબંધો સાધવા અને અને તેની સરવાણીમાં સમયના વહેણ સાથે પડેલી નાની-મોટી ગાંઠો ઊકેલવા પ્રયત્નશીલ બન્યા છે અને વધુમાં વધુ પ્રમાણમાં તે પ્રવૃત્તિમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
‘મોદી હટાવ’ મંત્રોચ્ચાર કરનાર મિત્રો જાણે વડા પ્રધાન મોદીના ૬૫ દેશોના પ્રવાસને માત્રને માત્ર ‘હોલીડે પર્યટન’ ગણતા જણાય છે. એવા બાળસહજ ઉચ્ચારો કે આક્ષેપો આપણે સાંભળીએ ત્યારે તેમની બાલિશતા કે અણસમજ માટે થોડી દયા આવે એ સહજ છે. મારા મતે હું વિશ્વાસાપ્ત્ર રીતે કહી શકું કે આડોશપડોશના અને દૂરના દેશો સાથેના સંબંધોમાં જે સંગીનતા અને ભાવિ સુફળની શક્યતા સ્પષ્ટપણે જોઈ શકાય છે ને આઝાદીના ૭૦ વર્ષમાં પહેલાં જોવાનું આપણું સદભાગ્ય ન હતું.
એક ત્રીજું ચિત્ર જોવા માટે વાચકમિત્રો તમને મારે આ સપ્તાહના Asian Voiceનો અંક જોવા આગ્રહ કરવો પડશે. Asian Voiceના પાન-૧૨ ઉપર Media Watch કોલમમાં Scrutators રજૂ થાય છે અને હજારો વાચકો તે માણે છે. તેમાં ભારતના વિકાસ બાબત, શેરબજારની તંદુરસ્તી વિશે, મબલખ વિદેશી મૂડીરોકાણ બાબત તેમજ અન્ય આધુનિક નોલેજ ઈન્ડસ્ટ્રી ક્ષેત્રે ખૂબ મનનીય સમાચારોનો સંચય કરવામાં આવ્યો છે. આપ સૌને આ બધા આંકડા અને માહિતી વાંચવાનું ગમશે. એમાંય ખાસ કરીને વિક્સિત રાષ્ટ્રોમાં શેરબજારના એક ટોચના ગુરુ ગણાતા Mark Mobiusના મતે ૨૦૧૮ના અંત સુધીમાં ભારતના શેર બજારમાં ૧૫ ટકા વધારો થવા સંભવ છે.
વાચક મિત્રો, એક બાબત મને જરા ડંખે છે. આપણામાંથી કેટલાય માત્રને માત્ર અજ્ઞાન અને અઘટિત માન્યતાના પરિણામે વિચારોમાં કે વક્તવ્યમાં દેશ હિતને જાણ કે અજાણમાં અન્યાય કરી રહ્યા છે. જો આપણે આપણા પૂર્વજોની ભૂમિ વિશે સાચી માહિતી ના જાણતા હોઈએ તો આપણા સંતાનો, યુવાપેઢી કે પરિવારજનો કે પાડોશીઓને શું જણાવી શકીએ? હું સભાનતાપૂર્વક રજૂ કરવાની ફરજ સમજું છું કે ભારત સાથે આપણો કે આપણા સંતાનોનો સંબંધ અવિભાજ્ય છે, રહેવાનો છે અને રાખવો એ ઊભયપક્ષના હિતમાં છે.
માત્ર ગુજરાત સમાચાર મંગાવતા હોવ તો વધારાના £૬ ભરી બંને મંગાવો. Asian Voice અને ગુજરાત સમાચાર આપણા અખબારો છે. વાંચો, માણો અને અનેકવિધ રીતે આપને ઉપયોગી અને ફાયદકારક સમાચાર, વિચારો રજૂ કરવા અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ અને રહીશું. આપને પણ આ બાબત અમને સલાહસૂચન મોકલવા મારી નમ્ર અરજ છે. (ક્રમશઃ)


    comments powered by Disqus