લંડનઃ પ્રિન્સ હેરી અને અમેરિકી અભિનેત્રી મેગન મર્કેલના લગ્ન ગત ૧૯ મેના રોજ સંપન્ન થયા. આ શાહી લગ્ન અગાઉ ગાઇડલાઇન જારી કરીને તમામ મહેમાનોને ગિફ્ટ ન લાવવા જણાવાયું હતું. તેમ છતાં લગ્નમાં અંદાજે ૭૦ લાખ પાઉન્ડ ઉપરાંતની ગિફ્ટ્સ આવી. ખાસ વાત તો એ છે કે તેમાંથી મોટા ભાગની ગિફ્ટ્સ બ્રાન્ડ પ્રમોશનના હેતુથી અપાઇ હતી. કોઇ શૂ કંપનીના માલિકે શૂઝની, રિસ્ટ વૉચ કંપનીના માલિકે રિસ્ટ વૉચ આપી હતી. જેથી હેરી અને મેગન તેમની બ્રાન્ડ પહેરે અને તેનું પ્રમોશન થાય. ઘણાં મહેમાનોએ તો મેગન માટે સ્વિમસૂટ પણ ગિફ્ટ આપ્યો છે. હવે આ બધી ગિફ્ટ્સ પાછી મોકલવામાં આવી રહી છે, જેની પાછળ અંદાજે ૩ લાખ ૩૪ હજાર પાઉન્ડનો ખર્ચ થશે.
બ્રિટિશ વેબસાઇટ 'એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ લગ્નમાં મેગને પહેરેલા વસ્ત્રોની કિંમત અંદાજે ૧ લાખ પાઉન્ડ હતી. આ જ રીતે લગ્ન માટે જે કેક આવી હતી તે ૫૦,૦૦૦ પાઉન્ડની હતી.
શાહી પરિવારમાં ગિફ્ટ સ્વીકારવા અંગે કડક પ્રોટોકોલ છે. શાહી લગ્નોમાં ગિફ્ટ લાવવા પર મનાઇ હોય છે. હેરીના પિતા પ્રિન્સ ચાર્લ્સ તો ત્યાં સુધી કહે છે કે 'શાહી પરિવારનો કોઇ સભ્ય જ્યારે કોઇ ગિફ્ટ સ્વીકારે ત્યારે ગિફ્ટ આપનાર તેનો કોઇ વ્યવસાયિક ઉપયોગ નહીં કરે તે વાતની સંમતિ આપવાની હોય છે.
શાહી પરિવારના સભ્યે બ્રિટનમાં રહેતી એવી કોઇ પણ વ્યક્તિ પાસેથી ગિફ્ટ ન લેવી જોઇએ કે જેને તેઓ અંગત રીતે ઓળખતા ન હોય. શાહી પરિવારના સભ્યોએ માત્ર ૧૫૦ પાઉન્ડ (અંદાજે ૧૩,૪૪૫ રૂ.)થી ઓછી કિંમતની ગિફ્ટ્સ જ સ્વીકારવી જોઇએ.'
કેન્સિંગ્ટન પેલેસે એક નિવેદનમાં જણાવ્યું હતું, ‘અમે લગ્નમાં ૨૦૦ ચેરિટી સંસ્થાઓને આમંત્રિત કરી હતી. વૅડિંગ કાર્ડમાં સ્પષ્ટ લખ્યું હતું કે જે લોકો ગિફ્ટ આપવા ઇચ્છતા હોય તેમણે તેટલી રકમ ચેરિટીમાં આપવી.’
