લંડનઃ માન્ચેસ્ટર એરેનાના બોમ્બર સલમાન આબેદીએ ઉપયોગમાં લીધેલી સુટકેસની તપાસ ફરી શરૂ કરવામાં આવી હોવાનું ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે જણાવ્યું હતું. પોલીસ બરીમાં વિરીડોર વેસ્ટ મેનેજમેન્ટ સાઈટ પર તપાસ કરી રહી છે.
ગઈ ૨૨ મે ૨૦૧૭ના રોજ હુમલો થયો તે પહેલા આત્મગાતી બોમ્બર આબેદી સિટી સેન્ટરમાંથી તે બેગ લઈને જતો સીસીટીવીમાં દેખાયો હતો. ગયા મહિને પોલીસે જણાવ્યું હતું કે લેન્ડફિલ સાઈટ ખાતેની નિરર્થક તપાસ સમેટી લેવામાં આવી છે. આ બેગનો હુમલામાં ઉપયોગ થયો ન હતો. પરંતુ, તે બેગને ક્યારેય શોધી શકાઈ ન હતી.
એક નિવેદનમાં પોલીસે જણાવ્યું હતું કે એરેના હુમલાની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં પોલીસે બરીમાં સાઈટ ખાતે તપાસ હાથ ધરી છે. આ હુમલામાં ૨૨ લોકો માર્યા ગયા હતા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. તે હુમલા પહેલા બોમ્બ લઈને સિટી સેન્ટરની સ્ટ્રીટ્સમાં થોડા કલાક ફર્યો હશે તેમ પોલીસ માને છે.
ગયા મહિને હુમલાની પહેલી વરસીએ યોજાયેલી મેમોરિયલ સર્વિસમાં પ્રિન્સ વિલિયમ અને વડા પ્રધાન થેરેસા મેએ હાજરી આપી હતી.
