મારા માટે યુકે ઈન્ડિયા એટલે શું?

- અલ્પેશ પટેલ Wednesday 13th June 2018 07:44 EDT
 
 

તાજેતરમાં જ મને ઈન્ડિયા બિઝનેસ ગ્રૂપ તરફથી એવોર્ડ પ્રાપ્ત થયો છે. યુએસ કોંગ્રેસમાં કામગીરી બજાવતો હતો ત્યારથી જ યુકે ઈન્ડિયા સંબંધો મારા માટે વિશેષ સ્થાન ધરાવે છે. યુએઈના વર્તમાન ભારતીય એમ્બેસેડર નવદીપ સૂરી આને ચોક્કસ યાદ કરશે.

જે કોંગ્રેસમેન સાથે હું કામ કરતો હતો તેમણે ભારતના પડોશી દેશની આતંકવાદી પ્રવૃત્તિઓ અને અણુપ્રસારથી માંડી નોર્થ કોરિયા વિશે યુએસ પ્રમુખ અને વિદેશ મંત્રાલયને હિંમતપૂર્વક ચેતવણી આપવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ, ક્લિન્ટન વ્હાઈટ હાઉસ બધિર જ હતું. આ પછી, મેં વધુ મહત્ત્વના કાર્ય કર્યા નથી. તે વર્ષ ૧૯૯૪નું હતું. અમે ભારતને વધુ વિભાજિત કરવાની ઈચ્છા રાખનારાઓને પણ અટકાવ્યા હતા.

હું ૨૯ વર્ષનો હતો ત્યારે યુકેના ફોરેન સેક્રેટરીએ બંને દેશો વચ્ચે ગાઢ સંબંધોની નીતિઓ વિશે બંને દેશોના વડા પ્રધાનોને સલાહ આપવા યુકે ઈન્ડિયા રાઉન્ડટેબલ મંત્રણામાં સામેલ થવા જણાવ્યું હતું. હું હજુ પણ એમ માનું છું કે તેમણે મારી પસંદગી અકસ્માતે જ કરી હતી કારણકે સૌથી નાની વયના સભ્ય તરીકે હું બેન્કોનાં સીઈઓ અને પ્રોફેસર્સ અને ઉદ્યોગપતિઓની હરોળમાં બેઠો હતો. મેં યુકેમાં વધુ ભારતીય ઈમિગ્રેશનની તરફેણ કરી હતી અને આજે પણ કરું છું. વધુ વિચારશો નહિ. આખરે તો અન્ય લોકોને જે કરવામાં નાનમ આવતી હતી તેવું મહેનતનું કામ મારા માતાપિતાએ બ્રિટન માટે જરા પણ થાક્યા વિના કર્યું હતું.

લોર્ડ બિલિમોરિયાની ભલામણથી ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ દ્વારા મને ૨૦૦૫માં તેમના માટે બ્રિટિશ સરકારના ડીલમેકર બનવા જણાવાયું હતું. જેની કામગીરી ભારતમાંથી શ્રેષ્ઠ એન્ટ્રેપ્રીન્યોર્સ અને વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતી ટેકનોલોજીઓ યુકેમાં લાવવા તેમજ તેમની મુખ્ય કચેરીઓ સ્થાપવા તેમજ યુકેમાં નોકરીઓ અને ઈન્વેસ્ટમેન્ટ હાંસલ કરવાની હતી. મેં ઈનકાર કર્યો હતો. મેં તેમને કહ્યું કે મારા તાજા જ સ્થાપેલા હેજ ફંડ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની મારે ખાસ જરૂર હતી. હું માત્ર પબ્લિક સર્વિસ પર જ જીવી શકું નહિ. હું તેમને ના જ કહેતો રહ્યો.

બ્રિટિશ સરકાર જીદ છોડતી જ નથી. મને આનંદ છે કે તેઓ જીદમાં અટલ રહ્યા! મારી ભૂમિકા આજે વિસ્તૃત છે, જેમાં સમગ્ર એશિયા પાસિફિકને આવરી લેવાયું છે. નાણાકીય દૃષ્ટિએ તો હું ગરીબ જ છું કારણકે મારું ધ્યાન મારા બિઝનેસ પરથી હટીને મારા દેશ તરફ જ રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડના મારા સહયોગીઓ મને સતત યાદ અપાવતા રહે છે કે તમારા ખિસ્સામાં નાણા હોય તેના કરતાં પણ વધુ મહત્ત્વની બાબતો પણ હોય છે (અને આમ કહેતા તેઓ ખરેખર હસતા પણ હોય છે). મને ખાતરી છે કે મારી પત્ની અને પુત્ર માટે કશું તો કરીને જ રહીશ.

તો ૨૦ વર્ષ અગાઉ યુનિવર્સિટીથી વર્તમાન સમયગાળા સુધીમાં યુકે ઈન્ડિયા મારા માટે રાજકીય રીતે, કોમર્શિયલ દૃષ્ટિએ અને સર્વજનહિતાય વિશિષ્ઠ સંબંધ બની રહ્યો છે. હું નિરભિમાની બન્યો છું એમ નહિ કહું કારણકે આ બધું કરવું મારા કર્તવ્યમાં આવે છે, જેના પાઠ હું બાળક હતો ત્યારથી મારા પરિવારે હંમેશાં મને શીખવ્યા છે. વતનતરફી રહેવું એ લાક્ષણિકતા છે. મારી પત્ની જ્યારે મને પ્રશ્ન કરે કે તમે આ ફરજ માની કરો છો કે પ્રેમથી, તો હું જવાબ આપું છું ફરજ એ જ પ્રેમ છે. આ ઉપરાંત, તમે મૂળભૂત ત્રણ ટાઈમ ઝોનમાં એકસાથે સરકાર અને બિઝનેસની કામગીરી વચ્ચે સતત જાદુગરી કરતા રહો છો ત્યારે આ બધી વાતો પર તમે ધ્યાન આપતા જ નથી. જ્યારે તમને એવોર્ડ્સની નવાજેશ થાય છે ત્યારે તમારા માટે કોઈ આંસુ વહાવતું નથી. પરંતુ, તમારા આંસુ તો નિશ્ચિત વહે છે કારણકે દરેક એવોર્ડ પાછળ અદૃશ્ય આંસુ રહેલા છે. એકતાને હંમેશાં ચિંતા રહે છે કે તે જ્યારે યુકેમાં સૂવા જાય છે (કે મેથ્સ કરે છે) ત્યારે મારે ભારત અથવા સિંગાપુર કે હોંગકોંગમાં ડેસ્ક પર શા માટે વધુ એક કલાક કામ કરવાનું હોય છે. અને મને વિલ સ્મિથનું એ અવતરણ યાદ આવે છે... ‘હું અને બીજી વ્યક્તિ ટ્રેડમિલ પર ચડીએ છીએ અને બેમાંથી એક જ વસ્તુ થશે કે તેમાંથી એક પહેલો નીચે ઉતરશે અથવા મારું ત્યાં જ મૃત્યુ થશે (me and someone get on a treadmill and one of two things will happen, either they're getting off first, or I will die on there).’

મારા અંકલે ઘણા પ્રવાસોમાં મને સાથ આપ્યો છે અને તેઓ મને ‘મેન્ટલ’ જ માને છે... બોલો, જેમને હું સૌથી વધુ વર્કોહોલિક- હંમેશાં કામને વળગી રહેનારા- તરીકે જાણું છું તેઓ આમ માને છે. મારી પત્નીની ચિંતાનો પડઘો પાડતા તેઓ કહે છે, ‘તારી જાતને શા માટે ખતમ કરી નાખે છે?’ મારો ઉત્તર પણ એક જ હોય છે,‘આના સિવાય મને કશું ખબર નથી.’

કોઈ આપણી કદર કરે તે માટે આ બધું કરતા નથી. જો તેના માટે જ આ કરતા હોઈએ તો તેના વિના વર્ષો સુધી પરિશ્રમ કરી ન શકીએ. તમે આ કાર્યો કરો છો કારણકે તમે કરી શકો છો અને કશાકમાં, મૂલ્યોમાં, વિચારોમાં તમે માનો છે, જેના વિશે તમે બાળક હતા ત્યારે તમારા પરિવારે ઘણા વર્ષો અગાઉ લિવિંગ રુમમાં જણાવ્યું હતું.

પરંતુ, થોડી કદર થાય, સ્વીકૃતિ મળે તે ખરેખર સારું જ છે. આથી, શાંત ડિનરના વાતાવરણમાં તેની ઉજવણી કરીશું અને થોડો સમય ભૂતકાળને વાગોળીશું.... કારણકે સવારે તો ફરી કામે વળગી જવાનો સમય થશે. અને હા... કદી પણ તમારી પીઠને વધુ થાબડશો નહિ... તમારી પસંદગીઓ અને તકો અને સંજોગોએ તમને નસીબવંતા બનાવ્યા છે. આથી, તમે ઉપયોગી બની શક્યા છો તે માટે તો ઈશ્વરનો આભાર માનજો.

હોમ સેક્રેટરી સાથે અભૂતપૂર્વ કાર્યક્રમ માટે આયોજકોનો તેમજ સતત પીઠબળ માટે નયન પટેલનો આભાર. આપણી કદર થાય તે બાબત હંમેશાં ગમતી જ હોય છે અને હું મારી પત્નીને મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ઉમેદવારી કરવા દબાણ કરું છું ત્યારે તેને ‘હજુ મારું વજૂદ છે’ તેમ કહેવાનું પણ સારું જ લાગે છે. જોકે, આ અલગ જ વાત છે, જે ફરી ક્યારેક કહીશ.....


comments powered by Disqus