અત્યારની દોડધામભરી જિંદગીમાં આપણે જે લાઇફસ્ટાઇલ અપનાવી છે તેના કારણે એસિડિટીના પ્રોબ્લેમ વધી જાય છે. ઘણાને તો મોડી રાત્રે જમવાનું હોય, તેના કારણે ઊંઘનો પણ પ્રોબ્લેમ થતો હોય છે.
એસિડીટી કન્ટ્રોલમાં રાખવા આટલું કરોઃ
• બની શકે તેટલું પાણી વધુ પીઓ. સવારની શરૂઆત ઓછામાં ઓછા ૨ ગ્લાસ પાણી પીને કરો. એસિડિટીના પેશન્ટે બહુ ગરમ પાણીનો ઉપયોગ ન કરવો. માટલાનું પાણી પીવું.
• રાત્રે ૧ ચમચી વરિયાળી, ૫-૬ કિશમિશ પલાળી રાખો. સવારે નયણા કોઠે આ પાણી પી જાવ. વરિયાળી, કિશમિશ ચોળીને ખાઈ જાવ. પછી સાદું પાણી પી લો.
• બને ત્યાં સુધી કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખો. કબજિયાત કરતો ખોરાક જેમ કે, મેંદાની વાનગીઓ અને તીખા-તળેલા નાસ્તાથી દૂર રહો.
• ભોજનમાં દાળ, કઠોળને બાફતા પહેલાં ૩-૪ કલાક પલાળી રાખો. પછી તેનું પાણી કાઢી નાખો. ત્યાર બાદ બીજું પાણી ઉમેરીને બાફો અને ઉપયોગમાં લો.
• વધુ પડતા કાચા ખોરાકને બદલે બાફેલો ખોરાક ખાઓ. કાચાં શાકભાજી ખાસ કરીને કાકડી, કાંચા કાંદા વગેરે ખાવાનું ટાળો.
• સાંજના ભોજનમાં વધુ પડતા મસાલેદાર ખોરાકથી દૂર રહો. ભજિયાં, ભાજીપાઉં, પિઝા વગેરે રાત્રે મોડેથી ખાવાથી એસિડીટી થશે.
• બને ત્યાં સુધી વહેલું જમવાનું રાખો. તે ઉપરાંત ખોરાક હળવો લો. જેમ કે, રોટલી, દૂધીનું શાક, ભાખરી, દૂધપૌંઆ વગેરે લેવાથી પેટ હળવું રહેશે. એસિડીટી થશે નહીં.
• જમ્યા પછી ૩થી ૪ કલાક સુધી ઊંઘવાનું ટાળો. જમીને તરત જ આડા પડવાથી કે સૂવાથી ખોરાકનું પાચન બરાબર થતું નથી અને એસિડીટી થાય છે.
• વધુ પડતા કેફીનવાળા પદાર્થોથી દૂર રહો. જેમ કે ચા-કોફી વગેરે વધુ પડતાં પીવાથી એસિડીટી થાય છે.
• એસિડીટી માટે એપલ સિડર વિનેગરને આજકાલ ઘણું મહત્ત્વ અપાય છે. એપલ સિડર વિનેગર એ એપલમાંથી બનાવાતો વિનેગર છે. જે સવારે નયણા કોઠે ૧ કપ પાણીમાં ૧ ચમચી વિનેગર નાખીને પીવાય છે. આ વિનેગરને પાણીમાં ભેળવ્યા પછી જ પીવો હિતાવહ છે. તેને સીધો પીવાથી દાંતના ઇનેમલને નુકસાન થઈ શકે છે.

