૧૪ જૂનથી ૨૧મો ‘ફિફા’ વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યાાે છે. ૮ ગ્રૂપોમાં કુલ ૩૨ ટીમ ટકરાશે. ૩૨ દિવસ સુધી ચાલનારા આ મેગા ઈવેન્ટ પર આખી દુનિયાની નજર હશે કેમ કે ૨૧૧ દેશમાં કુલ ૨૭ કરોડ લોકો એક્ટિવ ફૂટબોલર છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશ્વની ચાર ટકા વસતી ફૂટબોલ રમે છે. મતલબ કે આ ધરતી પર રહેતી દરેક ૨૫ વ્યક્તિમાંથી એક ફૂટબોલર છે. યુરોપ અને લેટિન અમેરિકામાં તો દર છમાંથી એક વ્યક્તિ ફૂટબોલર છે. પ્રચંડ લોકપ્રિયતા ધરાવતી રમત સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ બાબતો પર એક નજર...
ફૂટબોલનું આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલિત કરતી સંસ્થા ‘ફિફા’ દુનિયાનું સૌથી મોટું અને શક્તિશાળી ઓર્ગેનાઈઝેશન છે. ૨૧૧ દેશ તેનાં સભ્ય છે. ‘ફિફા’નાં સભ્યોની સંખ્યા યુનાઇટેડ નેશન્સ (યુએન)નાં સભ્ય દેશ (૧૯૩) કરતાં ૧૮ વધુ છે. ‘ફિફા’ના જણાવ્યા અનુસાર, સંગઠન સાથે અંદાજે ૫૦ કરોડ લોકો જોડાયેલા છે, જેમાં ખેલાડીઓ, અધિકારીઓ, ક્લબ માલિકો, ક્લબ મેમ્બર્સ, ટેક્નિકલ સ્ટાફ વગેરેનો સમાવેશ થાય છે. વિશ્વનું કોઈ પણ રમતગમત સંગઠન આટલી વિશાળ માનવશક્તિ ધરાવતું નથી.
• સૌથી વધુ કમાણીઃ ‘ફિફા’ની ૨૦૧૭માં રેવન્યૂ ૭૩૪ મિલિયન ડોલર હતી, જે આ વર્ષે ૨૦૧૮માં ૨૦૦૦ મિલિયન ડોલર થવાની આશા છે. વર્લ્ડ કપના વર્ષમાં કમાણી બે-ત્રણ ગણી વધી જાય છે.
• ૫૦૦થી વધુ લીગ: દુનિયાભરમાં ૫૦૦થી વધુ ક્લબ લેવલની લીગ ‘ફિફા’માં રજિસ્ટર છે. અન્ય સ્પોર્ટ્સ સંસ્થા તેની નજીક પણ નથી.
• ઓલિમ્પિક સાથે ટક્કર: ટોકિયોમાં યોજાનારી ૨૦૨૦ ઓલિમ્પિકમાં ૩૩ રમતોનો સમાવેશ કરાયો છે. જેને અંદાજે ૩.૮ બિલિયન લોકો જોશે. જ્યારે ૨૦૧૮ ‘ફિફા’ વર્લ્ડ કપને અંદાજે ૩.૫ બિલિયન લોકો જોશે.
ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ ટીમો જ જાય છે, પરંતુ ફૂટબોલ સાથે એવું નથી. વર્લ્ડ કપની લોકપ્રિયતાને ટક્કર ન મળે એટલા માટે ‘ફિફા’ ઓલિમ્પિકમાં અંડર-૨૩ ટૂર્નામેન્ટ કરાવે છે. એક ટીમમાં માત્ર ૪ ખેલાડી જ તેનાથી મોટી ઉંમરના હોય છે.
દુનિયાની સૌથી લોકપ્રિય રમત કેમ કે...
‘ફિફા’ વર્લ્ડ કપ સૌથી લોકપ્રિય સિંગલ સ્પોર્ટ્ ઈવેન્ટ હોવાનું કારણ એ છે કે, ફૂટબોલ દુનિયાની સૌથી લોકપ્રિય રમત છે. ૨૧મા વર્લ્ડ કપને અંદાજે ૩૫૦ કરોડ લોકો જોવાના છે...
૧) સૌથી સરળ નિયમઃ બોલને હાથ લગાવ્યા વગર હરીફ ગોલ પોસ્ટમાં પહોંચાડવાનો ફૂટબોલનો સૌથી મોટો નિયમ છે. આ સરળતાને કારણે જ રમત સૌને આકર્ષે છે.
૨) નિયમોમાં ફેરફાર નહીંઃ ૧૮૬૩માં મોડર્ન ફૂટબોલનાં નિયમ બન્યા હતા. ત્યારથી આજે ૧૪૫ વર્ષ સુધી તેના નિયમોમાં કોઈ મોટો ફેરફાર કરાયો નથી.
૩) સસ્તું અને સરળઃ તેને રમવા માટે માત્ર એક બોલની જરૂર છે. વધુ સાધનની જરૂર નથી. ભારતીય ટીમ બૂટ વગર ઓલિમ્પિકના સેમિ-ફાઈનલમાં પહોંચી હતી.
૪) કોઈ ઓફ સિઝન નહીંઃ મોટા ભાગની રમતોમાં ઓફ સિઝન હોય છે, પણ ફૂટબોલમાં આવું નથી. આ રમત જાન્યુઆરીથી માંડીને ડિસેમ્બર સુધી દરેક મહિનામાં રમાય છે.
૫) બોડી સાઈઝથી ફરક નહીંઃ ફૂટબોલમાં શારીરિક આકાર મહત્ત્વ ધરાવતો નથી. તેમાં દરેક જાતિના લોકો માટે તેમાં એક સરખી તક હોય છે.
૬) માત્ર ૯૦ મિનિટની ગેમઃ મગજને ૯૦થી ૧૨૦ મિનિટ બાદ બ્રેકની જરૂર હોય છે. જેને અલ્ટ્રોડિયન રિધમ કહે છે. ફૂટબોલ આ ટાઈમ ફ્રેમની જ ગેમ છે.
૭) સૌથી વધુ ફેન: સમગ્ર વિશ્વમાં ફૂટબોલના પ્રશંસકોની સંખ્યા ૩ બિલિયન છે. કોઈ પણ અન્ય રમતના પ્રશંસકો કરતાં વધુ.
૩૨માંથી ૨૦ ટીમના કોચ દેશી કેમ કે...
ફૂટબોલ ચાહકો વર્લ્ડ કપમાં પોતાના ફેવરિટ ખેલાડીઓનું પ્રદર્શન જોવા માટે તૈયાર છે. જોકે, આ ખેલાડીઓ અને આ ખેલાડીઓથી બનતી ટીમના દેખાવમાં એક વ્યક્તિનું મહત્તમ પ્રદાન હોય છે. આ વ્યક્તિ એટલે કોચ એટલે કે મેનેજર. તે ડગઆઉટમાં બેસીને પ્લાનિંગ-સ્ટ્રેટેજી બનાવે છે, જેને ખેલાડી મેદાન પર અમલમાં મૂકીને ટીમને ચેમ્પિયન બનાવે છે. ટીમમાં ગમે તેટલા ટેલેન્ટેડ ખેલાડી હોય, પરંતુ દરેક સફળ ટીમને એક સારા મેનેજરની જરૂર હોય છે. અત્યાર સુધી એક પણ વિદેશી મેનેજરવાળી ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની નથી. એક રિપોર્ટ અનુસાર આની પાછળનું મુખ્ય કારણ એ છે કે વિદેશી કોચ ટીમ સાથે સાંમજસ્ય સ્થાપી શકતો નથી. તે ખેલાડીની મૂળ સંસ્કૃતિને નજરઅંદાજ કરે છે, પરિણામે ટીમની સફળતાની, વિજેતા બનવાની શક્યતા ઘટી જાય છે. આમ ‘ફિફા’ વર્લ્ડ કપમાં ભાગ લેનારી મોટા ભાગની ટીમના કોચ દેશી હોય છે. આ વખતે પણ ૩૨માંથી ૨૦ ટીમના કોચ દેશી છે. જ્યારે માત્ર ૧૨ના વિદેશી છે. તેમાં પણ ૪ ટીમના કોચ તો આર્જેન્ટિનાના છે.
આ પાંચ કોચ પર રહેશે નજર...
• જોઆકિમિ લોવ (જર્મની)ઃ છેલ્લા ૧૨ વર્ષથી જર્મનીના કોચ ૫૮ વર્ષના કોચ લોવ પર સૌની નજર છે. લોવ ટીમને મેદાન પર ડિફેન્સિવ અને ઓફેન્સિવ સ્ટ્રેટજી જણાવે છે. જર્મની સિવાય કોઈ ટીમ આ સ્ટ્રેટજી સાથે રમતી નથી. ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન જર્મનીના કોચ લોવ રૂ. ૩૦ કરોડના વેતન સાથે આ વખતે સૌથી મોંઘા કોચ છે. ગત વર્લ્ડ કપમાં ઇટાલીના કોચે ફાબિયો કાપેલો સૌથી મોંઘા કોચ હતા. તેનું વાર્ષિક વેતન રૂ. ૭૫ કરોડ હતું.
• જુલેન લોપેતેગુઈ (સ્પેન)ઃ ૫૧ વર્ષના જૂલેન ૨૦૧૬માં સ્પેનના કોચ બન્યા હતા. તેમણે છેલ્લા ૨૪ મહિનામાં ટીમને વર્લ્ડ કપ માટે તૈયાર કરી છે. સ્પેન ૨૦૧૦ની ચેમ્પિયન છે. જૂલેન રિયલ મેડ્રિડ અને બાર્સેલોના કલબ તરફથી રમ્યા છે.
• ડિડિયર ડેસચેમ્પ્સ (ફ્રાન્સ)ઃ ૨૦૧૨માં ફ્રાન્સની ટીમના કોચ બનેલા ડિડિયર ડેસચેમ્પ્સ ૧૯૯૮માં વર્લ્ડ ચેમ્પિયન બનનારી ફ્રાન્સની ટીમના પણ સભ્ય હતા. તેમના કોચિંગમાં ટીમ ગયા વર્લ્ડ કપમાં ક્વાર્ટર ફાઈનલ અને ૨૦૧૬ના યુરો કપમાં ફાઈનલ સુધી પહોંચી હતી.
• ટીટે (બ્રાઝિલ)ઃ એનેનોર લિયોનાર્ડો બાચ્ચી એટલે કે ટીટે ૨૦૧૬થી બ્રાઝિલના કોચ છે. તેના કોચ બન્યા બાદ બ્રાઝિલ ૨૦ મેચમાંથી માત્ર એક મેચ હાર્યું છે. ટીમે ૧૬ મેચ જીતી છે અને એક ડ્રો કરી છે. વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરનારી તે પ્રથમ ટીમ હતી.
• જ્યોર્જ સમ્પાઓલી (આર્જેન્ટિના)ઃ ૫૮ વર્ષના સમ્પાઓલીને ગયા વર્ષે જ આર્જેન્ટિનાના કોચ બનાવાયા છે. તેમના કોચ બન્યા બાદ આર્જેન્ટિનાએ ૧૧માંથી ૬ મેચ જીતી છે, ૨ હારી છે, ૩ ડ્રો કરી છે. તે એટેકિંગ રણનીતિ માટે પ્રખ્યાત છે.
ટીમ મેનેજર વિશે થોડુંક વધુ
• ૨૯ વર્ષનું અંતર છે સૌથી વયોવૃદ્ધ અને સૌથી યુવાન મેનેજર વચ્ચે. ઉરુગ્વેના ઓસ્કર તબરેઝ ૭૧ વર્ષના છે તો સેનેગલના એલિયુ માત્ર ૪૨ વર્ષના છે. • માત્ર એક જ મેનેજર જે અત્યાર સુધીમાં બે વખત ટીમને ફુટબોલ વર્લ્ડ કપ જીતાડી શક્યા છે. તેમનું નામ છે વિટોરિયો પોજ્જો. ઇટલીના આ કોચે ટીમને ૧૯૩૪ અને ૧૯૩૮માં ચેમ્પિયન બનાવી હતી.
લંડનમાંથી ટ્રોફી ચોરાઈ અને પરત મળી
‘ફિફા’ ટ્રોફીનો ઈતિહાસ ટૂર્નામેન્ટ જેવો જ રોમાંચક છે. ટ્રોફી બે વખત ચોરાઈ પણ ગઈ છે. બ્રાઝિલમાંથી ચોરાયેલી ટ્રોફી તેનું સોનું મેળવવા માટે ઓગાળી દેવાઇ હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. ટ્રોફીની સૌથી સનસનાટીભરી ચોરી ઈંગ્લેન્ડમાં થઈ હતી. ૧૯૬૬માં ઈંગ્લેન્ડના આંગણે ફૂટબોલ વર્લ્ડ કપ યોજાયો હતો. તે સમયે લંડનમાં એક ડિસ્પ્લેમાંથી ટ્રોફી ચોરાઈ ગઈ હતી. વર્લ્ડ કપ શરૂ થવાના થોડા દિવસ પહેલા જ ટ્રોફી ચોરાઈ જતાં સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો હતો. જોકે, એક સપ્તાહ બાદ થેમ્સ નદીના બેરેજમાં કામ કરતા ડેવિડ કોરબેટ નામના કર્મચારીના સાઉથ લંડન એપાર્ટમેન્ટ આગળથી આ ટ્રોફી મળી હતી. કોરબેટના કહેવા પ્રમાણે મારા કૂતરા પિકલ્સે આ અંગે મારું ધ્યાન દોર્યું હતું. ટ્રોફી એક ન્યૂઝપેપરમાં લપેટીને મૂકાઇ હતી. બાદમાં મેં પોલીસને જાણ કરી હતી. કોરબેટને ૩૦૦૦ પાઉન્ડનું ઈનામ અપાયું હતું અને કૂતરો પિકલ્સ નેશનલ સેલિબ્રિટી બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ આ ટૂર્નામેન્ટમાં વિશ્વવિજેતા બન્યું હતું.

