‘વિક્ટરી’થી ‘ફિફા’ઃ રોમાંચક ઈતિહાસ

Wednesday 13th June 2018 06:17 EDT
 
 

અમદાવાદઃ રશિયામાં ૧૪ જૂનથી ‘ફિફા’ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટનો પ્રારંભ થઇ રહ્યો છે અને તે સાથે જ સમગ્ર વિશ્વ એક મહિના સુધી ફૂટબોલમય બની જશે. ૧૫ જુલાઈએ ફૂટબોલના મહાકુંભનું સમાપન થશે. ફૂટબોલનો આ ૨૦મો વર્લ્ડ કપ છે. વર્લ્ડ કપમાં બ્રાઝિલનો દબદબો રહ્યો છે અને તેણે અત્યાર સુધીમાં સૌથી વધુ પાંચ વખત વર્લ્ડ કપ જીત્યો છે. જોકે, ફૂટબોલની ટ્રોફી ઊંચકવી પ્રત્યેક ફૂટબોલરનું સપનું હોય છે પરંતુ ફૂટબોલ ટ્રોફી પાછળનો ઈતિહાસ તેના જેટલો જ રોમાંચક રહ્યો છે.
‘ફિફા’ (ધ ફેડરેશન ઇન્ટરનેશનલ દ ફૂટબોલ એસોસિએશન) ફૂટબોલ વર્લ્ડ કપની પ્રથમ ટ્રોફીનું નામ ગોડેસ ઓફ વિક્ટરી રાખવામાં આવ્યું હતું જે વિક્ટરી ટ્રોફી તરીકે પણ ઓળખાય છે. બાદમાં આ જ ટ્રોફીનું નામ જૂલ્સ રિમેટ ટ્રોફી કરાયું હતું.
બ્રાઝિલ ત્રીજી વખત ચેમ્પિયન બન્યું ત્યારે તેને આ ટ્રોફી કાયમ માટે આપી દેવામાં આવી હતી. ૧૯૭૬થી ઉપયોગમાં લેવામાં આવતી વર્તમાન ટ્રોફી ‘ફિફા’ ટ્રોફીના નામથી ઓળખાય છે.
પહેલાં ‘ગોડેસ ઓફ વિક્ટરી’
ફૂટબોલનું સંચાલન કરતી વૈશ્વિક સંસ્થા ‘ફિફા’એ ૧૯૩૦માં ઉરુગ્વેમાં પ્રથમ વર્લ્ડ કપ રમાડવાનું આયોજન કર્યું હતું અને તે માટે વિજેતા ટીમને એક ટ્રોફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ‘ફિફા’એ ટ્રોફી બનાવવા માટેની જવાબદારી ફ્રેન્ચ મૂર્તિકાર અબેલ લાફ્લેઅરને સોંપી હતી. ‘ફિફા’ વર્લ્ડ કપની પ્રથમ ટ્રોફીને ગોડેસ ઓફ વિક્ટરી (વિજયની દેવી)નું નામ આપવામાં આવ્યું હતું. આ ટ્રોફીની ઊંચાઈ ૩૫ સેન્ટીમીટર હતી અને તેનું વજન ૩.૮ કિલો હતું. તે સોના અને ચાંદીમાંથી બનાવવામાં આવી હતી. ઉરુગ્વેએ પ્રથમ ટ્રોફી જીતી હતી ત્યાર બાદ ૧૯૩૪ અને ૧૯૩૮માં ઈટાલીએ આ ટ્રોફી પોતાના નામે કરી હતી.
પછી ‘જૂલ્સ રિમેટ કપ’
બીજા વિશ્વ યુદ્ધના કારણે ૧૯૪૨ અને ૧૯૪૬માં વર્લ્ડ કપ રમાયો ન હતો. જોકે યુદ્ધ પૂરૂ થયા બાદ ટ્રોફીને ૧૯૨૧થી ૧૯૫૪ દરમિયાન ‘ફિફા’નું પ્રમુખપદ સંભાળનાર જૂલ્સ રિમેટના સન્માનમાં નવું નામ ‘જૂલ્સ રિમેટ કપ' મળ્યું હતું. ૧૯૫૦થી ફરી વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી. ૧૯૬૬માં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું અને તેના ચાર વર્ષ બાદ ૧૯૭૦ના વર્લ્ડ કપમાં બ્રાઝિલ ત્રીજી વખત ચેમ્પિયન બન્યું હતું. આ સાથે જ સાઉથ અમેરિકન ટીમને જૂલ્સ રિમેટ કપ ટ્રોફી આપી દેવાઇ હતી. અગાઉ બ્રાઝિલ ૧૯૫૮ અને ૧૯૬૨માં ચેમ્પિયન બન્યું હતું. ત્રીજી વખત ચેમ્પિયન બનતા તેને ટ્રોફી આપી દેવામાં આવી હતી.
જોકે ૧૯ ડિસેમ્બર ૧૯૮૩ના રોજ રિયો ડી જાનેરોમાં આવેલી બ્રાઝિલિયન સોકર કન્ફડરેશનની ઓફિસેથી ટ્રોફી ચોરાઈ ગઈ હતી. બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેએ ટ્રોફી પરત કરવા માટે અપીલ પણ કરી હતી.
બાદમાં પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે ટ્રોફીમાંથી સોનુ મેળવવા માટે તેને રિયો ડી જાનેરોની એક ઝૂંપડપટ્ટીમાં ઓગાળી દેવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે પોલીસે ત્રણ બ્રાઝિલિયન અને આર્જેન્ટિનાના એક નાગરિકની ધરપકડ કરી હતી, જેમને બાદમાં મુક્ત કરી દેવાયા હતા. ૧૯૮૪માં ન્યૂ યોર્કની એક કંપનીએ ‘ફિફા’ના કહેવાથી ૧.૮ કિલો સોનામાંથી જૂલ્સ રિમેટ ટ્રોફીની રેપ્લિકા બનાવી હતી અને બ્રાઝિલના પ્રમુખ જોઆઓ બાપ્ટિસ્ટા ફિગુએઈરેડોને સુપરત કરી હતી.
અને આજની ૧૮ કેરેટ સોનાની ‘ફિફા’ ટ્રોફી
ત્રણ વખત ચેમ્પિયન બ્રાઝિલને ટ્રોફી આપી દેવાયા બાદ નવી ટ્રોફી તૈયાર કરાઇ તે આજની ‘ફિફા’ ટ્રોફી.
‘ફિફા’ ટ્રોફીની ડિઝાઈન નક્કી કરવા માટે સ્પર્ધા યોજાઇ હતી, જેમાં સાત દેશોના ૫૩ સ્પર્ધકોમાંથી ઈટલીના શીલ્પી સિલ્વિઓ ગાઝાનિગાની ડિઝાઇન પસંદ કરાઇ હતી.
૧૯૭૪થી આપવામાં આવતી આ ‘ફિફા’ ટ્રોફીની ઊંચાઇ ૩૬ સેન્ટિમીટર છે અને તેનું વજન ૪.૯૭ કિલો છે. ટ્રોફીની ડિઝાઈનમાં જોવા મળે છે કે બે એથ્લીટ્સે વિજયી મુદ્રામાં વિશ્વને ઊંચુ કર્યું છે. આ ટ્રોફી ૧૮ કેરેટ સોનામાંથી બનેલી છે. આ ટ્રોફીનો ૧.૬૫ લાખ ડોલરનો વીમો પણ છે. વિજેતા ટીમને આ ટ્રોફીની રેપ્લિકા અપાય છે. ટ્રોફીની માલિકી ‘ફિફા’ની છે.


comments powered by Disqus