NHSની ટીકા બદલ ટ્રમ્પ પર એશિયન સાંસદોનો વળતો પ્રહાર

રુપાંજના દત્તા Tuesday 13th February 2018 15:19 EST
 

લંડનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં NHSની ટીકા કરતા યુકેના સાંસદોમાં રોષની લાગણી પ્રવર્તી હતી. ટ્રમ્પે યુનિવર્સલ હેલ્થ સિસ્ટમની માગ કરતા ડેમોક્રેટ્સની ટીકા કરીને જણાવ્યું હતું કે NHS પડી ભાંગી છે અને કાર્યરત નથી તેથી યુકેમાં હજારો લોકો રેલી યોજી રહ્યા છે. ટ્રમ્પનો ઉલ્લેખ વધુ ભંડોળની માગણી સાથે તાજેતરમાં ડાઉનિંગ સ્ટ્રીટ પર યોજાયેલી NHS બચાવો રેલી વિશે હતો.

જોકે, ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા જણાવાયું હતું કે થેરેસા મે યુકેની સિસ્ટમ માટે ગૌરવ અનુભવે છે. રેલીના આયોજકોએ પણ જણાવ્યું હતું કે રેલીનો હેતુ NHS પ્રત્યે લોકોનો પ્રેમ દર્શાવવાનો હતો. NHS ઈંગ્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે અમેરિકી પ્રમુખને ગેરસમજ થઈ છે.

લેબર પાર્ટીના વડા જેરેમી કોર્બીને જણાવ્યું હતું કે અમને અમારી NHS માટે પ્રેમ છે અને ટોરીઝ તેની સાથે જે વર્તણુંક કરી રહ્યા છે તેના પ્રત્યે ધીક્કારને દર્શાવવા આ રેલી યોજાઈ હતી.

એશિયન સાંસદોએ પણ ટ્રમ્પનો વિરોધ કર્યો હતો. સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ટ્રમ્પ વ્યક્તિની પલ્સ કરતા પહેલા તેનું વોલેટ ચેક કરે તેવી સિસ્ટમ ઈચ્છે છે. અમે એવા સમાજમાં જીવવા માગતા નથી. વીરેન્દ્ર શર્મા MP એ જણાવ્યું હતું કે રેલીમાં જે લોકોએ ભાગ લીધો હતો તેમાંથી એક પણ વ્યક્તિ અમેરિકા જેવી સિસ્ટમ અપનાવવા માગતી નથી. ટ્રમ્પે કરેલી ટીકા તેઓ હજુ પ્રમુખપદ માટે યોગ્ય ન હોવાનું દર્શાવે છે. લોર્ડ પોપટે જણાવ્યું હતું કે ગંભીર પરિસ્થિતિમાં જેણે પણ NHS માં સારવાર લીધી હશે તેને ખબર હશે કે આપણે સૌ કેટલા નસીબદાર છીએ. સરકાર વધતી વસતિની માગણીને પૂરી કરવા તેમાં જંગી રોકાણ કરી રહી છે તે યોગ્ય છે. લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખે જેની યોગ્ય માહિતી ન હોય તેના વિશે ટ્વીટ ન કરવું જોઈએ.


comments powered by Disqus