અખાડા અને આઝાદીના ચાહકઃ છોટુભાઈ પુરાણી

પ્રા. ચંદ્રકાંત પટેલ Thursday 15th February 2018 01:59 EST
 
 

૧૯૪૨માં ‘હિંદ છોડો’ના નારા ગુંજ્યા. અંગ્રેજ સરકારે લડત દબાવવા ધરપકડો કરી. કોંગ્રેસને ગેરકાયદે જાહેર કરી. છોટુભાઈ એમાંથી છટક્યા. ગાંધીજીના રેંટિયાને, દેશપ્રેમને છોટુભાઈ માને. ગાંધીજીની સ્વરાજની વાત એમને ગમે પણ અહિંસાના વિરોધી. એમણે સરકારને હંફાવવા રમત આદરી. તેઓ નીડર અને મરણિયા. આઝાદીનાં અરમાનનાં એમનાં સપનાં અતૂટ. આ માટે હિંસાનો આશરો લીધો.
વેડછામાં પોલીસ થાણું લૂંટ્યું. એમાંની રાઈફલો અને બંદૂકો લઈને ભાગ્યા. પોલીસ હેબતાઈ ગઈ. સરકારે છોટુભાઈની ટોળકીના સભ્યને જીવતો કે મરેલો પકડનાર માટે દશ હજાર રૂપિયાની જાહેરાત કરી. સરભાણનાં પોલીસ થાણામાં વળી થોડા દિવસ પછી ધાડ પાડી. પોલીસો જોતા રહ્યા, બૂમો પાડતા રહ્યા અને છોટુભાઈની ટોળકીના સભ્યો બંદૂકો અને દારૂગોળો લઈને ભાગી ગયા. સાપ દરમાં પેસી ગયા પછી દર પર લાકડીઓ ટીપવાથી સાપ કંઈ મરે? છોટુભાઈની સાવચેતી, વેશપલટાની કળા અને આવડતે સરકાર હાથ ઘસતી રહી ગઈ. થોડા દિવસ વીત્યા અને સૌરાષ્ટ્ર મેલમાં ટપાલનો ડબ્બો લૂંટ્યો. ૭૦ હજાર રૂપિયા લૂંટ્યા!
છોટુભાઈએ બોંબ બનાવવા માંડ્યા. કોલકાતા, દિલ્હી, મુંબઈ, વડોદરા વગેરે સ્થળે બોંબ પહોંચાડવામાં છોટુભાઈ સફળ રહ્યા. છોટુભાઈ પોલીસથી છટકવા ભાતભાતના વેશ લે. ક્યારેક મદારી બને તો ક્યારેક ભિખારી. સિંધી વેપારી બને, પઠાણ બને, જોશી બને, બહુરૂપી બને તો બંગડીવાળો ફેરિયો ય બને. સરકાર અને પોલીસ થાક્યાં. છોટુભાઈની ટોળકીના સભ્યો ક્યારેક રેલવેનાં પાટાં ઉખાડે. તારના દોરડાં કાપી નાંખે. વળી આવાં પરાક્રમ પ્રજા સુધી પહોંચાડવા ‘રાજદ્રોહ’ પત્રિકામાં ઢંઢેરો પીટે. પત્રિકા પણ ખાનગી રીતે બહાર પડે અને હાથોહાથ લોકો સુધી પહોંચે. પોલીસ કોઈને પકડી ના શકી! છોટુભાઈ ન જ પકડાયા. અંતે દેશ આઝાદ થયો. દેશના ભાગલા પડ્યા. છોટુભાઈ ભરૂચમાં જાહેર થયા. લોકોએ સમારંભ ગોઠવી સન્માન કર્યું એમાં હજારો માણસો ભેગા થયા. દેશના ભાગલા કોંગ્રેસે સ્વીકાર્યા તેથી તેમની કોંગ્રેસમાં શ્રદ્ધા ડગી. કોંગ્રેસ છોડીને એ સમાજવાદી પક્ષમાં જોડાયા. કોંગ્રેસ છોડી છતાં ગાંધીરાહ ન છોડ્યો.
છોટુભાઈને સરદાર પટેલ ખૂબ ગમતા. સરદાર પટેલ પછી દશ વર્ષે એમનો જન્મ મોસાળ ડાકોરમાં થયો હતો. છોટુભાઈ અને કોંગ્રેસનો જન્મ એક જ વર્ષે. એમના પિતા બાલકૃષ્ણ અને મા પ્રસન્નલક્ષ્મી. પિતા જામનગરમાં શિક્ષક. બાલકૃષ્ણનું મૂળ વતન ભરૂચ. બે વર્ષની વયે માનું મરણ થતાં દાદીમાએ ઉછેરેલા.
છોટુભાઈ જામનગરમાં હાઈસ્કૂલમાં ભણીને મેટ્રિક થયા. આ પછી અમદાવાદ ગુજરાત કોલેજમાં દાખલ થયા. અહીં એમને અંગ કસરતની ધૂન લાગી. વ્યાયામમાં રસ પડ્યો. એવામાં પિતાનું મરણ થતાં જામનગર રાજ્યે ભણવા માટે વીસ રૂપિયાની માસિક મદદ આપવાની શરૂઆત કરી. તે જમાનામાં પ્રાથમિક શાળાના શિક્ષકને મહિને પંદર રૂપિયા મળતા. અમદાવાદ છોડીને પછીથી વડોદરા કોલેજમાં દાખલ થયા. અહીં ત્યારે પ્રોફેસર અરવિંદ ઘોષનો પરિચય થયો. તેમની પાસે બંગાળની અખાડા પ્રવૃત્તિની વાત જાણી અને સમજ્યા કે શરીરની તાકાત એ આઝાદ રહેવા તરફ દોરે છે. આથી અંગકસરતમાં એટલે સુધી આગળ વધ્યા કે ૨૫૦ જેટલા દંડ એકીસાથે કરતા થયા. આથી શરીર ઘડાયું અને દેશી રમતોમાં શ્રદ્ધા વધી.
બંગભંગની લડત થતાં શ્રી અરવિંદ વડોદરા છોડીને કોલકાતા ગયા. તેમણે ‘વંદે માતરમ્’ શરૂ કર્યું. આમાં દેશદાઝ, બલિદાન વગેરેની વાતો આવતી તે જુવાનોને ગમતી. છોટુભાઈને ‘વંદે માતરમ્’ અને શ્રી અરવિંદ ગમ્યા અને તેમણે શ્રી અરવિંદને ગુરુ માન્યા.
થોડા વખત પછી અરવિંદ વડોદરા પાછા આવ્યા. તેમણે છોટુભાઈને કહ્યું, ‘શરીર એ ફરજ બજાવવાનું સાધન છે. સાધન સારું હોય તો કામ સારું થાય. બંગાળમાં અખાડા પ્રવૃત્તિને કારણે આઝાદીની લડત પ્રાણવાન બની છે.’
છોટુભાઈએ ગુજરાતમાં આઝાદીની લડત ચલાવવા માટે શરીરને લડતનો પ્રથમ ભાગ ગણીને આઝાદીને લડત માટે અખાડા પ્રવૃત્તિનો આરંભ કર્યો. આનો આરંભ વડોદરામાં કર્યો. યુવાનો ભેગાં કરીને બાજવાડામાં ઝાડી-ઝાખરાં સાફ કરીને, ખાડા-ટેકરા સરખા કરીને ૧૯૦૯માં લક્ષ્મીનાથ વ્યાયામશાળા શરૂ કરી.
ખુલ્લી જગ્યામાં અખાડો ચાલે. યુવાનો ભેગા થાય. કસરત કરે. લંગોટભેર રમતો અને અંગકસરત ચાલે. આસપાસ રહેતાં કુટુંબોની મહિલાઓને આ આછકલાઈ લાગે. તેઓ યુવાનોને નાગા કહે, ગાળો ભાંડે. અખાડા પર રોષ ઠાલવે. અખાડામાં એંઠવાડ ફેંકે. છોટુભાઈ ધીરજભેર યુવાનોને શાંત રાખે. અંતે મહિલાઓ સમજીને શાંત થઈ.
છોટુભાઈની જબરી સૂઝ. ટેકરી યુદ્ધ શીખવે. રમતોની હરીફાઈ યોજે. પાવાગઢનો પ્રવાસ ગોઠવે. જુદી જુદી રમતો રમાડે. યુવાનોને રસ પડે. છોટુભાઈને યુવાનો નેતા માનતા થયા. ગાંધીજી હજી આફ્રિકા હતા. વલ્લભભાઈ વકીલાત કરતા હતા ત્યારે છોટુભાઈએ યુવા ઘડતરની પ્રવૃત્તિ આરંભી. આણંદ, નડિયાદ, વસો, ભાદરણ, પેટલાદ, બોરસદ, હાંસોટ, જંબુસર, અમદાવાદ બધે આગેવાની લઈને અખાડા શરૂ કરાવ્યા. અંગકસરતની પ્રવૃત્તિ ગૂંજતી થઈ. આમ છોટુભાઈએ અખાડાની અહાલેક જગાવી. એક જ ભાવના અને વિચારથી ભરેલા યુવાનોનો એક મોટો વર્ગ છોટુભાઈનો ચાહક બન્યો.
૧૯૨૦માં ગાંધીજીએ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ સ્થાપી તે જ વર્ષે છોટુભાઈએ ‘ભરૂચ કેળવણી મંડળ’ની સ્થાપના કરી. બંને રાષ્ટ્રીય શિક્ષણમાં માને. ૧૯૨૨માં તેમણે ભરૂચમાં રાષ્ટ્રીય શાળા સ્થાપી.
૧૯૦૬માં મુંબઈ યુનિવર્સિટીમાં બાયોલોજી સાથે છોટુભાઈ બી.એ. થયા પછી છોટુભાઈએ વડોદરા કલાભુવનમાં અને ત્યાર પછી ૧૯૧૦થી ૧૬ સુધી લાહોરની ધર્માનંદ કોલેજમાં લેક્ચરર તરીકે કામ કર્યું હતું.
૧૯૩૦, ૧૯૩૨, ૧૯૪૦માં ગાંધીપ્રેરિત લડતોમાં ભાગ લઈને જેલમાં ગયા હતા. ૧૯૪૨માં ‘હિંદ છોડો’ની લડત વખતે જેલમાં જવાને બદલે ગુજરાતમાં અંગ્રેજોવિરોધી ભૂગર્ભ ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવીને અંગ્રેજોને હંફાવ્યા હતા.
છોટુભાઈ શિક્ષણમાં માતૃભાષાના હિમાયતી હતા. તેમણે ઉષ્મા, મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ, પ્રાકૃતિક ભૂગોળનાં પુસ્તકો લખ્યાં હતાં.
૧૯૪૬ પછી છોટુભાઈ ભરૂચમાં સ્થાયી રહીને શિક્ષણ અને વ્યાયામની પ્રવૃત્તિ કરતા રહ્યા. ૧૯૫૦માં તેમનું અવસાન થયું. અખાડા પ્રવૃત્તિના ગુજરાતમાં આરંભક એવા છોટુભાઈ પુરાણીની યાદમાં ભરૂચમાં વ્યાયામ મહાવિદ્યાલય ચાલે છે.


comments powered by Disqus