બોલિવૂડમાં ચર્ચા ચાલી રહી હતી કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજકાલ ખૂબ જ સાથે સમય વીતાવી રહ્યાં છે. એવી ચર્ચા પણ હતી કે આલિયાના કોઈ ફ્રેન્ડે તેને રણબીરથી દૂર રહેવાની પણ સલાહ આપી હતી કારણ કે રણબીર છોકરીઓનાં દિલ તોડવામાં પાવરધો છે. આ ચર્ચાઓ વચ્ચે નવી વાત એવી આવી છે કે, આલિયા તેના ડેબ્યુ ફિલ્મના સહકલાકાર સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરવાનું છોડીને નવા મિત્ર સાથે સમય વીતાવી રહી છે. વળી, તે રણબીર પણ નથી.
આલિયાના નજીકના મિત્રોના કહેવા પ્રમાણે હાલમાં આલિયાના જીવનમાં બિઝનેસમેન સુનીલ મિત્તલના પુત્ર કેવિનની એન્ટ્રી થઈ છે અને કેવિન – આલિયા એકબીજાને પસંદ પણ કરે છે. કેવિન એક લોકપ્રિય એપ્લિકેશનનો સર્જક પણ છે. જાણવા મળ્યા મુજબ આલિયા અને કેવિનની પહેલી મુલાકાત ૨૦૧૭ના ઓક્ટોબર મહિનામાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન થઈ હતી. ત્યાર બાદ બન્નેએ વાત- ચીતનો દોર આગળ વધાર્યો હતો. હાલ આલિયાનું નામ રણબીર કપૂર સાથે પણ જોડાયું હતું. જોકે, રણબીર આ બાબતને અફવા લેખાવી હતી. ઉલ્લેખનીય છે કે આલિયા હાલ ‘ગલીબોય’, ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મોમાં વ્યસ્ત છે.

