કેલિફોર્નિયાની અદાલત કોફીને કેન્સરકારક પદાર્થ જાહેર કરશે?

Friday 16th February 2018 05:35 EST
 
 

સેક્રામેન્ટોઃ કેલિફોર્નિયામાં એક નાગરિક જૂથ ડઝનેક કોફી કંપનીઓ સામે દાવો કરવાની છે કે તેઓ તેમનાં ઉત્પાદનો તેમાં રહેલાં કાર્સિનોજેનિક પદાર્થો વિશે ચેતવણી આપ્યા વિના જ વેચી રહી છે. ૧૯૮૬માં જેન ફોન્ડા જેવી વિખ્યાત હીરોઈને જે નીતિને ઘડવા માટેની ઝુંબેશમાં ભાગ લીધો હતો તે સેફ ડ્રિન્કિંગ વોટર એન્ડ ટોક્સિક એન્ફોર્સમેન્ટ એક્ટ ૧૯૮૬ અનુસાર કેલિફોર્નિયામાં લોકોને બિઝનેસ, ઉત્પાદનો અને જાહેર વિસ્તારોમાં ૯૦૦ જેટલા કાર્સિનોજેનિક પદાર્થો સંદર્ભે ચેતવણી આપવી પડે છે.
કેટલાક અભ્યાસમાં કોફીને કાર્સિનોજેનિક જાહેર કરવામાં આવી છે તો અન્ય અભ્યાસમાં તે રક્ષણાત્મક અસર ધરાવતી હોવાનું જણાવાયું છે. ૨૫ વર્ષ અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ કોફીને કેન્સરકારક ગણાવી હતી પણ ત્યારબાદ તે ચેતવણી માત્ર ખૂબ ગરમ પીણાંને જ લાગુ પાડવામાં આવી હતી.
લોકો બે ભાગમાં વહેંચાયા
હવે કેલિફોર્નિયાના જજ આગામી મહિનામાં નક્કી કરશે કે કોફી કાર્સિનોજેનિક છે કે કેમ. આ મામલે સંશોધકો અને કેલિફોર્નિયાના નાગરિકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કોફી વિશેનાં સંશોધનો એક તરફ એમ કહે છે કે તે રક્ષણાત્મક અસરો ધરાવે છે, બીજી તરફ અમુક સંશોધનો તેનો વિરોધ કરે છે.
દાવાના મામલે પણ લોકો બે જૂથમાં વહેંચાઈ ગયાં છે. એક જૂથ એમ કહે છે કે કોફી વિશે ચેતવણી આપવી જરૂરી છે કેમ કે તે રાજ્યની આરોગ્ય વિષયક જાગૃતિનો હિસ્સો છે, તો બીજી તરફ લોકો એમ કહે છે કે ચેતવણીઓ એટલી બધી વધી ગઈ છે કે હવે તેને ગંભીરતાથી ધ્યાને લેવાનું પ્રમાણ ઘટી રહ્યું છે.


comments powered by Disqus