કોવેન્ટ્રીના જાણીતા ફોટોગ્રાફર ‘માસ્ટરજી’નું નિધન

Thursday 15th February 2018 01:47 EST
 
 

લંડનઃ માસ્ટરજીના હુલામણા નામે જાણીતા અને કોવેન્ટ્રીના અગ્રણી ફોટોગ્રાફર્સમાં સ્થાન ધરાવતા મગનભાઈ પટેલનું તાજેતરમાં નિધન થયું હતું. કોવેન્ટ્રી સિટી ઓફ કલ્ચર ટ્રસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. ૧૯૫૦ના દાયકાથી તેઓ કોવેન્ટ્રીમાં સાઉથ એશિયન ઈમિગ્રન્ટ્સની ફોટોગ્રાફી કરતા હતા તેથી તે વિસ્તારમાં તેઓ ખૂબ જાણીતા હતા.

૨૦૧૬ના અંતમાં ૯૪ વર્ષની વયે કોવેન્ટ્રીને યુકે સિટી ઓફ કલ્ચર બનાવવાના ઉદ્દેશથી ફારગો વિલેજમાં તેમના ફોટોગ્રાફ્સના પ્રથમ પ્રદર્શનના આયોજન પછી દેશભરમાં તેમને ખ્યાતિ મળી હતી. આ પ્રદર્શનનું ક્યુરેશન ફોટો આર્કાઈવ માઈનર્સ દ્વારા કરાયું હતું. તેના એક વર્ષ પછી સેન્ટ મેરીઝ ગિલ્ડહોલ ખાતે એક કાર્યક્રમમાં તેમના ૧૨૮ પાનાના કોફી ટેબલ તસવીરસંગ્રહ પુસ્તકનું વિમોચન કરાયું હતું. તે પછી મુંબઈ અને ન્યૂ યોર્કમાં પણ તેમની તસવીરોનું પ્રદર્શન યોજાયું હતું. તેમના પુસ્તકથી બીબીસી નેશનલ ન્યૂઝ સહિત વિશ્વભરના મીડિયાનું તેમની તરફ ધ્યાન ખેંચાયું હતું અને તેમને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય અખબારોમાં પણ પ્રસિદ્ધિ મળી હતી.

માસ્ટરજીના પુત્રી તરલા પટેલે જણાવ્યું હતું, ‘જીવનના પાછળના વર્ષોમાં તેમને મળેલી ખ્યાતિથી પરિવારના એક સભ્ય તરીકે મને ખૂબ સારું લાગ્યું હતું. મારા પિતાજીની પ્રતિભા અને હૂંફ ખૂબ અલગ પ્રકારની હતી જે તેમની ફોટોગ્રાફીમાં હંમેશા સચવાયેલી રહેશે.'

કોવેન્ટ્રી સિટી ઓફ કલ્ચર ટ્રસ્ટના ડિરેક્ટર ઓફ ઓપરેશન્સ એન્ડ લેગસી લૌરા મેકમિલને જણાવ્યું હતું, ‘માસ્ટરજીના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે. તેમની સાથે કામ કરવામાં અમને ગૌરવની લાગણી થતી હતી. તેમનું જીવન પ્રેરણાદાયક હતું. ૯૪ વર્ષની વયે તેમનું પ્રથમ પ્રદર્શન અને ૯૫ની વયે પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું અને તેમને તથા તેમના પરિવારને ખૂબ સન્માન મળ્યું.'


comments powered by Disqus