લંડનઃ ફિન્સબરી પાર્ક મસ્જિદ નજીક ૧૯ જૂન ૨૦૧૭ના રોજ ભાડૂતી વાન લોકોના ટોળા પર ચઢાવી હુમલો કરીને ૫૧ વર્ષીય મક્રમ અલીનું મોત નીપજાવવાની ઘટનામાં વુલીચ ક્રાઉન કોર્ટમાં નવ દિવસની ટ્રાયલ બાદ દોષિત ઠરેલા કાર્ડિફના ૪૮ વર્ષીય ડેરેન ઓસ્બોર્નને ઓછામાં ઓછી ૪૩ વર્ષની જેલ સાથે આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી.
જજ ચીમા ગ્રબે સજા સંભળાવતા જણાવ્યું હતું કે ઓસ્બોર્ને સુસાઈડ મિશનની યોજના ઘડી હતી અને ગોળીથી ઠાર મારવામાં આવશે તેવી તેને અપેક્ષા હતી. જજ ગ્રબે, ઓસ્બોર્નને કહ્યું હતું, ‘આ આતંકી હુમલો હતો. તમારો ઈરાદો હત્યા કરવાનો હતો. મુસ્લિમો પ્રત્યે તિરસ્કાર ફેલાવવા કૃતનિશ્ચયી લોકોના સંદેશાથી તે ખૂબ ઝડપથી ઉદ્દામવાદી બની ગયો હતો. ટ્વીટરના તમે કરેલા ઉપયોગથી તમારી મુસ્લિમ વિરોધી વિચારધારા છતી થઈ ગઈ હતી.’ ઓસ્બોર્ને ઓન લાઈન કરેલી સર્ચના પોલીસે કરેલા વિશ્લેષણમાં જમણેરી ઈંગ્લિશ ડિફેન્સ લીગ (EDL)ના સ્થાપક ટોમી રોબિન્સનના ૩૦ રેફરન્સ હતા. રોબિન્સન પેગીડા, યુકેમાં ઈસ્લામ વિરોધી ચળવળ ઉભી કરવામાં મદદ કરે છે.
હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં દોષિત ઠરેલા ઓસ્બોર્નને કોર્ટ બહાર લઈ જવાતો હતો ત્યારે તેણે કહ્યું હતું, ‘ગોડ બ્લેસ યુ ઓલ, થેન્ક યુ.’
અગાઉ મક્રમ અલીની પુત્રી રઝીના અલીએ કોર્ટમાં નિવેદનમાં જણાવ્યું હતું કે પિતાના મૃત્યુ પછી તેને વારંવાર દુઃસ્વપ્ન આવે છે. આ ઘટના તેના ઘર નજીક જ બની હતી. હુમલા વિશે તેને આખી રાત વિચારો આવે છે.

