ઉદયપુર: રાજસ્થાનના બાંસવાડા અને ઉદયપુર શહેરી ધરતી નીચે સોનાનો ભંડાર ભર્યો છે. ભારતમાં ભૂગર્ભ ધાતુઓનું મોનિટરિંગ કરતી સરકારી સંસ્થા ‘જિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (જીએસઆઈ)’ના ડિરેક્ટર જનરલે આ માહિતી આપી હતી. આ ભંડાર અંદાજે ૧૧.૪૮ કરોડ ટન જેટલો હોવાની શક્યતા છે. સોનાનો આ જથ્થો વળી જમીન સપાટીથી ૩૦૦ ફીટની જ ઊંડાઈએ ધરબાયેલો છે.
રાજસ્થાન રણ માટે જાણીતું છે અને રેતીનો કલર પણ સોનેરી હોય છે. રાજસ્થાનના તો પેટાળમાંથી પણ સૂવર્ણરેત નીકળે એવી શક્યતા ઉભી થઈ છે. આ સોનાને કિલોગ્રામના હિસાબે ગણવામાં આવે તો ૧૧૪,૮૦,૦૦,૦૦,૦૦૦ (૧૧૪ અબજ, ૮૦ કરોડ) કિલોગ્રામ જેટલું થાય. અત્યારે સોનાનો ભાવ સરેરાશ કિલોગ્રામ દીઠ ૩૦ લાખ રૂપિયા જેવો બેસે છે. એ હિસાબે રાજસ્થાનની ધરતીમાં અબજો અબજો રૂપિયાનું સોનુ ધરબાયેલું છે.
જીએસઆઈના ડિરેક્ટર એન.કે.રાવે જણાવ્યુ કે આ સોનું બાંસવાડા-ઉદયપુરના પેટાળમાં છે, પરંતુ તેનું એક્ઝેટ લોકેશન જાણ્યા પછી જ ઉત્ખન્ન કાર્ય આરંભાશે. સોના ઉપરાંત તાંબાનો પણ મોટો જથ્થો અહીં જોવા મળ્યો છે. આ બે શહેર ઉપરાંત સિકર જિલ્લાના નીમ કા થાના વિસ્તારમાં પણ પેટાળની તપાસ ચાલી રહી છે.

