દુબઈઃ વડા પ્રધાન મોદીએ ૨૦૧૫ પછી યુએઇની ફરી એકવાર મુલાકાત લીધી હતી. આ વખતના યુએઇ પ્રવાસની ખાસ વાત એ રહી કે, યુએઇના અબુ ધાબી શહેરની ધરતી પર પહેલી વાર હિંદુ મંદિરના નિર્માણનું કામ શરૂ થયું છે. આશરે ૫૫ હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આ મંદિરની વિશેષતા એ હશે કે, પત્થરમાંથી નિર્માણ પામનારા આ મંદિરના મુખ્ય ભાગોમાં ભારતીય કારીગરોએ હાથથી કોતરણી કરી છે. ઉલ્લેખનીય છે કે આ મંદિર માટે મુસ્લિમ બિઝનેસમેને પાંચ એકર જમીન દાન કરી છે. આ મંદિરનું બાંધકામ ૨૦૨૦ સુધીમાં પૂર્ણ થઈ જવાની આશા છે. મધ્ય પૂર્વીય દેશોની ધરતી પર નિર્માણ પામનારું આ સૌથી પહેલું મંદિર છે. અબુ ધાબીમાં આકાર પામનારું મંદિર નવી દિલ્હીના બીએપીએસ મંદિરની પ્રતિકૃતિ હશે. અમેરિકાના ન્યૂ જર્સીમાં પણ આવું એક મંદિર આકાર લઇ રહ્યું છે. ૧૯૦૭માં સ્થપાયેલા બીએપીએસના વિશ્વભરમાં કુલ ૧,૧૦૦ મંદિર છે, જે વિવિધ દેશોમાં સાંસ્કૃતિક ઐક્ય સ્થાપવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. બીએપીએસ મંદિરોએ દરેક સ્થળે સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતાનો ત્રિવેણીસંગમ રચ્યો છે.

