મસ્કતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાનની રાજધાની મસ્કતમાં ૧૨૫ વર્ષ જૂના શિવમંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ લીધા હતા. મોદી દુબઈથી રવિવારે મસ્કત પહોંચ્યા હતા અને ત્યાંના માત્રાહ વિસ્તારમાં આવેલા આ પૌરાણિક મંદિરે જઈને દર્શન કર્યા હતા. મોદીએ દર્શન બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘શિવમંદિરે દર્શન કરીને હું અત્યંત ધન્ય થઈ ગયો છું.’ મોદીએ ત્યાં અભિષેક પણ કર્યો હતો.
ગુજરાતના વેપારીઓ વર્ષો પહેલાં મસ્કત ગયા ત્યારે તેમણે આ મંદિરનું નિર્માણ કર્યું હતું. આ મંદિરનો ૧૯૯૯માં જિર્ણોદ્ધાર કરાયો હતો. મંદિરમાં શ્રી આદિ મોતીશ્વર મહાદેવ, શ્રી મોતીશ્વર મહાદેવ અને શ્રી હનુમાનજીની મૂર્તિ છે.
કહેવાય છે કે કચ્છી વેપારીઓએ મોતીશ્વર મંદિર બંધાવ્યું હતું. જેમાં શિવલિંગ ઉપરાંત હનુમાનજીની મૂર્તિ સ્થાપવામાં આવી છે. મંદિરમાં એક કૂવો છે તે સ્થાનિક લોકો માટે ય આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. રણની વચ્ચે આવેલા આ મંદિરમાં ગમે એટલો તાપ પડે તેમ છતાં આ કુવાનું પાણી ક્યારેય સુકાતું નથી.
સ્થાનિક ભારતીયોની આસ્થા દાયકાઓથી આ મંદિર સાથે જોડાયેલી રહી છે. ઓમાનમાં રહેતા ભારતીયો માટે આ મંદિર એકતાનું પ્રતીક છે. મંદિરના કાર્યક્રમો આખો ભારતીય સમુદાય એક થઈને ઉજવે છે. મહાશિવરાત્રી દરમિયાન લગભગ ૨૦-૩૦ હજાર શ્રદ્ધાળુઓ મંદિરમાં એકઠા થાય છે.
મોદી મસ્જિદની મુલાકાતે
ઓમાનની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી સૌથી મોટી મસ્જિદની મુલાકાતે પણ ગયા હતા. ઓમાનની યાત્રા દરમિયાન મોદીએ મસ્કતમાં આવેલી સુલતાન કબૂસ મસ્જિદની મુલાકાત કરી હતી. ઓમાનની આ સૌથી મોટી મસ્જિદમાં ભારતમાંથી મંગાવાયેલા ૩ લાખ ટન પથ્થરો વપરાયા છે. ભારતની મોકલાયેલા એ પથ્થરોનું ઘડતર પણ ભારતના જ ૨૦૦ કારીગરોએ કર્યું હતું.
વસ્તીમાં ૨૦ ટકા ભારતીયો
ઓમાનની કુલ વસતીમાં ૨૦ ટકા ભારતીય મૂળના લોકો છે. નરેન્દ્ર મોદી સોમવારે યુએઈ બાદ ઓમાન પહોંચ્યા હતા. આ તેમનો પ્રથમ પ્રવાસ હતો. અહીં તેમણે ટોચના નેતૃત્વ સાથે બેઠક યોજવા ઉપરાંત મસ્કતમાં કોમ્યુનિટી ઇવેન્ટને સંબોધશે. ઓમાનમાં ૨૩ લાખથી વધુ ભારતીય મૂળના લોકો રહે છે. આ ઓમાનની કુલ વસતીના ૨૦ ટકા છે. દેશમાં કુલ વર્કર્સમાં ૨૫ ટકા ભારતીય છે. તેમાં ૩૦ ટકા સેમી સ્કિલ્ડ અને ૩૫ ટકા સ્કિલ્ડ વર્કર છે.
ઓમાનમાં મોટા ભાગના દક્ષિણ ભારતીય છે. તે ત્યાં ૧૦થી વધારે ભારતીય મૂળના લોકો માટે સ્કૂલ પણ ચલાવે છે.

