યોગ્ય વિઝા નીતિની માગણી સાથે સ્કીલ્ડ માઈગ્રન્ટ્સ દ્વારા લંડનમાં૨૧મીએ દેખાવો

- રુપાંજના દત્તા Tuesday 13th February 2018 15:25 EST
 

લંડનઃ યુકે સરકારના ગેરવાજબી અને અમાનવીય ઈમિગ્રેશન નિયમોના વિરોધમાં ભારતીય પ્રોફેશનલ્સે હાઈલી સ્કીલ્ડ માઈગ્રન્ટ્સ સાથે મળીને બુધવારને ૨૧મી ફેબ્રુઆરીએ પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે શાંતિપૂર્ણ વિરોધ દેખાવો કરશે. ગઈ ૩૦ જાન્યુઆરીએ ડાઉનિંગ સ્ટ્રીટ બહાર યોજેલા દેથાવો સફળ અને શાંતિપૂર્ણ રહ્યા હતા. જેમાં સેંકડો લોકો જોડાયા હતા. હાઈલી સ્કીલ્ડ માઈગ્રન્ટ ગ્રૂપ દ્વારા કરાયેલી પિટિશન પર ૨૫,૦૦૦ લોકોએ સહી કરી છે. આ ગ્રૂપમાં ૬૦૦ જેટલા ડોક્ટર, એન્જિનિયર, આઈટી પ્રોફેશનલ, ટીચર અને લોયર્સ છે જેઓ હોમ ઓફિસને કોર્ટમાં પડકારવા માગે છે.

ટાયર-૧ (જનરલ) વિઝા જે અગાઉ હાઈલી સ્કીલ્ડ માઈગ્રન્ટ પ્રોગ્રામ તરીકે જાણીતો હતો અને તેમાં ક્વોલિફાય થવા સ્કીલ્ડ પ્રોફેશનલ્સને ઓછામાં ઓછા અમુક પોઈન્ટ મેળવવા પડતા હતા. જોકે, ૨૦૧૦માં થેરેસા મે હોમ સેક્રેટરી હતા ત્યારે તેમણે તે બંધ કરી દીધો હતો. ૩૦ જાન્યુઆરીએ યોજાયેલા દેખાવોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લા દેશ, શ્રીલંકા અને અન્ય દેશોના પ્રોફેશનલ્સ પણ જોડાયા હતા. ગ્રૂપે બ્રિટિશ અર્થતંત્રમાં ૨૫૦ બિલિયન પાઉન્ડનું યોગદાન આપ્યું છે અને એક દાયકા કરતા વધુ સમયથી તેઓ કાયદાનું પાલન કરીને રહે છે.

પિટિશનની ઝુંબેશ ચલાવનાર અદિતી ભારદ્વાજે જણાવ્યું હતું કે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ માટે પ્રતિકૂળ વાતાવરણ હોવાનું આપણે વાંચીએ છીએ પરંતુ, આ સરકારમાં કાયદેસર ઈમિગ્રન્ટ્સ માટે પણ પ્રતિકૂળ વાતાવરણ છે. સરકાર ઈમિગ્રેશન નીતિઓને વિધિસરની બનાવવાને બદલે લીગલ ઈમિગ્રન્ટ્સ પર એવી શરતો મૂકે છે કે જેનાથી તેમની સ્થિતિ ખૂબ ખરાબ થાય છે અને તેઓ યુકે છોડવા મજબૂર બને છે.

ગ્રૂપના દાવા મુજબ સૌથી વધુ નુક્સાન રાઈટ ટુ અપીલ રદ કરાઈ તેનાથી થયું છે.


comments powered by Disqus