રમણિકલાલ જોગિયા હત્યા કેસમાં દસમી વ્યક્તિની ધરપકડ

Tuesday 13th February 2018 15:03 EST
 

લેસ્ટરઃ બેલગ્રેવ રોડ પરની જ્વેલર્સ શોપના ગુજરાતી મૂળના ૭૪ વર્ષીય રમણિકલાલ જોગિયાની હત્યાના કેસમાં ડિટેક્ટિવોએ મંગળવારે સવારે ૪૧ વર્ષીય વ્યક્તિની લેસ્ટરમાં તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. આ સાથે આ કેસમાં કુલ દસ લોકોની ધરપકડ થઈ છે. તેના પર જોગિયાનું અપહરણ અને લૂંટ કરવાનું ષડયંત્ર ઘડ્યું હોવાની શંકા છે. જોગીયાની હત્યાની ઘટના વિશે તેની પૂછપરછ હાથ ધરાઈ હતી.

જોગીયાની લૂંટ અને હત્યા માટે જવાબદાર વ્યક્તિની ઓળખમાં પોલીસને મદદરૂપ થાય તેવી માહિતી આપનારને ૧૦,૦૦૦ પાઉન્ડના વળતરની જાહેરાત કરાઈ છે. લેસ્ટરશાયર પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે અગાઉ જે નવ લોકોની ધરપકડ કરાઈ હતી તેમાંથી ચાર પર અપહરણ અને લૂંટનો આરોપ મૂકાયો છે, ત્રણને કસ્ટડીમાંથી છોડી દેવાયા છે પરંતુ તેમને તપાસ હેઠળ રખાયા છે. અન્ય બે લોકોને આગળની કોઈપણ કાર્યવાહી વિના છોડી દેવાયા છે.

લેસ્ટરના વામા કલેક્શન્સ જ્વેલર્સમાં કામ કરતા રમણિકલાલ જોગિયા બુધવારને ૨૪ જાન્યુઆરીએ સાંજે પોણા આઠે છેલ્લી વખત જોવામાં આવ્યા હતા. બીજા દિવસે સવારે ૧૦ વાગ્યાની આસપાસ તેમનો મૃતદેહ સ્ટ્રાઉટનમાં ગોલ્બી લેનમાંથી મળી આવ્યો હતો.


comments powered by Disqus