લાગી લગન મને તારી... ... ...

સી. બી. પટેલ Tuesday 13th February 2018 14:23 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચાર સપ્તાહના વિયોગ બાદ આપણે ફરી મળી રહ્યા છીએ ત્યારે અત્યંત આનંદ થવો સહજ છે. આગળ વધતાં પૂર્વે જે ચાર શબ્દો ઉપર ટાંક્યા છે તેની વાત કરી લઉં... કર્મયોગ હાઉસના મારા સ્ટડી રૂમમાં જો મોટા અવાજે આ શબ્દો લલકારું તો આડોશીપાડોશી શું વિચારે? પ્રશ્ન તો વાજબી છેને? વેલેન્ટાઇન ડે માથે છે ત્યારે કોઇને આમાં પ્રેમલા-પ્રેમલીના લાગણીના ઉભરા સંભળાય તો પણ નવાઇ નહીં, પણ હું તો એટલું જાણું કે જો આ જ શબ્દો પ્રાગજીભાઇ લાડવા સાંભળે તો તરત જ આ ભક્તજન તેના બુલંદ અવાજે લલકારેઃ
લાગી લગન મને તારી,
ગોવર્ધન ગિરધારી...
તાજેતરમાં પ્રાગજીભાઇ મનુષ્ય દેહ છોડીને સ્વર્ગે સિધાવ્યા અને આ ધરતી પર જમાવેલી ભજનમંડળી છોડીને પરમ કૃપાળુ પરમાત્માની ભજનમંડળીમાં સામેલ થઇ ગયા. પ્રાગજીભાઇ સાથેનો મારો સંબંધ ચાર દસકા કરતાં પણ વધુ જૂનો. પ્રાગજીભાઇ લંડન અંડરગ્રાઉન્ડમાં કામ કરતા હતા - ગાર્ડ તરીકે કે ડ્રાઇવર તરીકે. ધર્મ-અધ્યાત્મ તરફ તેમને વિશેષ લગાવ. આથી જોબમાંથી સમય મેળવી, ઘરમાં બેસી રહેવાના બદલે ધર્મ-અધ્યાત્મમાં વધુ પ્રવૃત્ત થયા. નિવૃત્તિ બાદ કે પહેલાં દર સપ્તાહે અચૂકપણે મિત્રો સાથે લંડન, મિડલેન્ડ કે અન્યત્ર ભજનમંડળીની બેઠક જમાવે, અને ભક્તિગંગાની સૂરિલી સરવાણી વહાવે. ઝાંઝ-ઢોલક-મંજીરા સાથે રમઝટ જામે.
પ્રાગજીભાઇ અને અને તેમના ભજન-મિત્રોમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર - સવિશેષ પોરબંદર તેમજ સુરતના, બારડોલીના કે કચ્છના વતનીઓ વધારે હોવાનું હું જોતો રહ્યો છું. ચરોતર સહિતના મધ્ય કે ઉત્તર ગુજરાતના વતની હોય તેવા બ્રિટનનિવાસી ગુજરાતીઓ ભજનપ્રવૃત્તિમાં પ્રમાણમાં ઓછા જોવા મળતા હોવાનું મારું તારણ છે.
ભજનપ્રવૃત્તિમાં સક્રિય લોકોની યાદી તૈયાર થાય તો પ્રાગજીભાઇ લાડવા, પૂજ્ય રામબાપા, માધુભાઇ સોની, મસરીસાહેબ, વ્રજભાઇ પાણખાણિયા અને અમારા પત્રકાર ધીરેન કાટ્વા (જેના દાદા જાણીતા ભજનિક હતા.)ના નામ તેમાં અચૂક લખવા પડે.
આ બધાના ગોત્ર જોઇએ તો તેનો છેડો છેક કેન્યાના નકુરૂ નગરમાં પહોંચે છે. જ્યાં હીરજીબાપાએ ધૂણી ધખાવીને આપણા સનાતન હિન્દુ ધર્મ-અધ્યાત્મની ધજા ફરકાવી હતી. આ ભજનિકો દ્વારા ગુજરાતી ભાષાને પણ પોષણ મળતું રહે છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. બ્રિટનની ધરતી પર જન્મેલા-ઉછરેલા-ભણેલા સુશિક્ષિત જુવાનિયાઓને શ્રદ્ધામાં તરબોળ થઇને ભજનો ગાતાં મેં જોયા છે, અને આપનામાંથી પણ ઘણા લોકો આપણી યુવા પેઢીના ભક્તિભાવના સાક્ષી બન્યા હશે.
આવી ભજનમંડળીઓ માત્ર લંડન અને મિડલેન્ડ જ નહીં, પ્રેસ્ટન, લેસ્ટર, હેરો જેવા આપણા સમુદાયની બહોળી વસ્તી ધરાવતા બ્રિટનના વિવિધ ભાગોમાં જોવા મળે છે તે સમાજનું ઉજળું પાસું ગણી શકાય.
આ જ પ્રમાણે બોલ્ટન અને લેન્કેશાયરમાં વસતી મુસ્લિમ બિરાદરી ગુજરાતી ગીત-ગઝલ-શાયરીના લેખન અને મુશાયરાના માધ્યમથી માતૃભાષાનું જતન-સંવર્ધન કરી રહી છે. વાચક મિત્રો, આપણે સહુ અનુભવે એટલું તો સમજ્યા જ છીએ કે દરિયાપારના દેશોમાં વસવાટ વચ્ચેય આપણે ધાવણની ભાષાને ધબકતી રાખવી હશે તો તેની સાથે એક યા બીજા પ્રકારે અબાલવૃદ્ધ સહુકોઇને સાંકળવા જ પડશે. ભજનમંડળીઓ હોય કે ગઝલ-શાયરીના મુશાયરા, આ જ કામ કરી રહ્યા છે.
વાચક મિત્રો, આપને કદાચ મનમાં સવાલ ઉઠશે કે આ ગગો આપણને ક્યાંથી ક્યાં ચકરાવે ચઢાવી રહ્યો છે? ભજનથી શરૂ કરેલી વાત ક્યાં છેક પહોંચાડી છે? પણ ડોન્ટ વરી, કન્ફ્યુઝ્ડ થવાની લગારેય જરૂર નથી. મૂળ મુદ્દા પર જ આવું છું.
આપ સહુએ ‘ગુજરાત સમાચાર’ના ગત અંકમાં કરનાળીમાં યોજાયેલી શ્રીરામ પારાયણનો વિગતવાર અહેવાલ (પાન નંબર ૧૪) વાંચ્યો જ હશે. મારા મતે, અમારા બહોળા પરિવાર તેમજ કાર્યાલયના સાથીદારો સહિત સહુ કોઇ માટે આ એક અદભૂત આધ્યાત્મિક અનુભવ હતો. અમદાવાદ કાર્યાલયના સાથીદારો તો ત્રણ-ચાર વખત કરનાળી પધાર્યા હતા અને રામકથાનો લ્હાવો લીધો હતો. આ રામકથામાં જ મેં આ ભજન સાંભળ્યું, અને દિલમાં ઉતરી ગયું.
લાગી લગન મને તારી,
ઓ... ગોવર્ધન ગિરધારી...
હું આ કોલમમાં જે કંઇ ગીત-ગઝલ-ભજન-કવિતા રજૂ કરું છું તેનું મુખડું કે અંતરો મારા મનમાં એક વખત રમતાં થાય એટલે પહેલો ફોન કરું છું અમદાવાદ કાર્યાલયે. ત્યાં ફરજ બજાવતા સાથીદાર વિક્રમ નાયક તેના આધારે આખી રચના ગુગલ પરથી શોધી આપે. પરંતુ આ પૌરાણિક ભજન પૂર્ણ સ્વરૂપે ગુગલમાં પણ ક્યાંય દેખાતું નથી. જો આપનામાંથી કોઇ પાસે આખી રચના હોય તો મને મોકલવા કૃપા કરશોજી.
રામકથાના પૂરા નવે-નવ દિવસ આ બંદાનો મુકામ કરનાળીમાં જ રહ્યો. મારા અત્યાર સુધીના ભારત પ્રવાસમાં કદાચ પહેલી વખત એવું બન્યું હશે કે હું ગુજરાતમાં ભલે એકાદ પખવાડિયું રોકાયો હોઉં, પણ કુલ ગણીને અમદાવાદમાં બે દિવસ પણ રહ્યો ન હોઉં. આમાં પણ ઓફિસમાં તો થોડાક કલાકો જ રહ્યો છું. સ્વજન જેવા પરિવારોની મુલાકાતે ગયો, અંગત સ્વજન ગુમાવનાર બે પરિવારોને મળીને સાંત્વના આપી, આપણા મેનેજિંગ એડિટર કોકિલાબહેન પટેલના પુસ્તક ‘એક જ દે ચિનગારી’ના આણંદમાં યોજાયેલા લોકાર્પણ સમારોહમાં હાજરી આપી, અમેરિકાનિવાસી લેખિકા રેખા પટેલ ‘વિનોદિની’ના ત્રણ પુસ્તકોના લોકાર્પણ સમારોહ (આપ સહુએ ગયા સપ્તાહે આ અહેવાલ પણ ‘ગુજરાત સમાચાર’માં વાંચ્યો હશે)માં જોડાયો. ગાંધીનગરમાં માનનીય રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલી દ્વારા રિપબ્લિક ડે પ્રસંગે યોજાયેલા ‘એટ હોમ’ કાર્યક્રમમાં પણ મહાલ્યો. મુખ્ય પ્રધાનશ્રી વિજયભાઇ રૂપાણી સહિત તેમના પ્રધાનમંડળના સાથીદારોને મળ્યો તો ગુજરાત સરકારના ઉચ્ચ અમલદારો સાથે પણ ગોઠડી કરી. લ્યા... આ તો આપણે ગાંધીનગર પહોંચી ગયા... ચાલો, ચાલો, પાછા કરનાળી પહોંચીએ...
કરનાળીમાં નવે-નવ દિવસ દક્ષિણામૂર્તિ આશ્રમમાં રહ્યો. અહીં રહેવાથી આપણને સમજાય કે શુદ્ધ અને સાત્વિક જીવન કોને કહેવાય... શક્તિસાધકોમાં તપ-આરાધના માટે જાણીતા આ સ્થાનનો પ્રભાવ જ કંઇક એવો છે કે ગમેતેવો ‘અશાંત’ જીવ પણ અહીં આહલાદક શાંતિનો અનુભવ કરે. આવા સ્થળે ભાઇ જનાર્દન, તેમના પત્ની ઇન્દુબહેન, બહેન કલ્પના અને બનેવી સુભાષભાઇ, અમેરિકા વગેરેથી આવેલાં સગાંવ્હાલાં, અન્ય મિત્રો સહુ કોઇ શક્ય હોય તેટલું અહીં રોકાયા, આવતાં-જતાં રહ્યાં.
કથાના ચાર કલાક દરમિયાન રામનામના ઘૂંટડા પીધા અને બાકીના સમયમાં મેળ પડ્યે ‘મારા’ ગામમાં આટાં મારતો રહ્યો. ભાદરણ ભલે મારું માદરે-વતન રહ્યું, આ ગામ (કરનાળી)માં મેં મારી જિંદગીના મૂલ્યવાન કહી શકાય એવો સમય વીતાવ્યો છે એ તો કેમનું ભૂલાય?! ક્યારેક સ્વામીજીએ અક્ષરજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો તે ચોતરે જઇ બેઠો તો ક્યારેક જે લાઇબ્રેરીમાં બેસીને પુસ્તકો વાંચ્યા હતા ત્યાં લટાર મારતો રહ્યો. નર્મદા મૈયાના નીરમાં પગ પણ પખાળ્યા ને કુબેર ભંડારી મહાદેવ જેટલું જ અદકું સ્થાન ધરાવતા સોમનાથ મહાદેવના ચરણોમાં પણ જઇ બેઠો. સમયના વહેવા સાથે બધું બદલાઇ ગયું હતું. નર્મદા મૈયા તો એ જ હતા, પણ તેમાંની હોડીઓ બદલાઇ ગઇ હતી, બસ એમ જ... જૂની જગ્યાઓ તો હતી, પણ કલેવર નવા ધારણ કર્યા હતા.
જોકે મને ચિંતા નહોતી. મારે તે જૂની જગ્યા, સ્થળોને ઓળખવા માટે લગારેય દિમાગને કષ્ટ આપવું પડ્યું નહોતું. કારણ? મારા દિલમાં તો જૂની ‘ફિલ્મ’ સચવાઇ હતીને! સંતાન ભલેને ગમેતેટલું મોટું થઇ જાય પણ મા માટે તો તે ‘બાબલો’ કે ‘બકુડો’ કે ‘ચકુડો’ કે ‘મુન્નો’ જ રહે છે તેમ મારા મનમાં તમામ સ્થળો એ જ જૂના સ્વરૂપે સચવાઇ રહ્યા હતા. ગામમાં ફરતાં બધું નજર સામે આવતું ગયું, અને હું તે ચિત્રપટ ‘નિહાળતો’ ગયો. શરીર ગામમાં ફરતું હતું ને આ સી.બી. સ્મૃતિમાં ફરતો હતો. ખરેખર મારા માટે આ સમય, અનુભવ અવર્ણનીય બની રહ્યા. ગામમાં નવ દિવસ રહ્યો, હર્યો-ફર્યો તે બધું સાચું, પણ એકેય વખત ગામ બહાર પગ નહોતો મૂક્યો. હા, બહારની દુનિયા સાથે સંપર્ક જરૂર જાળવ્યો હતો.
બ્રિટનથી કેટલાય વાચકોએ મને ફોન કરીને શ્રીરામકથાના આમંત્રણ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને સાથોસાથ અફસોસ પણ વ્યક્ત કર્યો હતો કે ઘણી ઇચ્છા હોવા છતાં તેઓ કથામાં હાજર રહી શક્યા નથી. જે લોકો સાથે ફોન પર વાત થઇ હતી તેમનો તો વાતચીત દરમિયાન જ તેમની લાગણી માટે આભાર માની લીધો હતો, પરંતુ જે લોકોએ ફોન પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો અને વાતચીત નહોતી થઇ શકી તેમનો પણ જાહેર આભાર માનું છું, અને વાત ન થવા બદલ દિલગીરી પણ વ્યક્ત કરું છું. ફોન પર વાત ન થઇ શકવાના બે મુખ્ય કારણ હતાઃ એક તો મેં રામકથા દરમિયાન ફોન રિસિવ કરવાનું ટાળ્યું હતું, અને બીજું, કરનાળીનું લોકેશન. માંડ ૫૦૦-૭૦૦ની વસ્તી ધરાવતું આ ગામ થોડુંક અંતરિયાળ હોવાથી અહીં મોબાઇલ સિગ્નલ મેળવવામાં ઘણી વખત મુશ્કેલી સર્જાતી હતી.
વાતચીત દરમિયાન કેટલાક વાચકોએ મને પૂછ્યું પણ ખરું કે લંડન - અમદાવાદ કે ભાદરણ નહીં ને કરનાળીમાં જ રામકથા કેમ? આ જગ્યાનું એવું તે કેવું મહત્ત્વ કે તમે કરનાળીમાં રામકથા યોજી? આ પ્રશ્ન ઘણાના મનમાં રમે છે તે હું જાણું છું. ફરક બસ એટલો જ છે કે કેટલાકે સીધો પૂછ્યો ને કેટલાકે મનમાં રાખ્યો. આનું કારણ જાણવા તમારે મારી સાથ ડૂબકી મારવી પડશે - ના, બાપલ્યા... ના, નર્મદા કે થેમ્સમાં નહીં, ભૂતકાળમાં.
વાત એમ છે કે ૧૯૪૨માં અમારો પરિવાર ભાદરણમાં વસવાટ કરતો હતો. મારા પૂજ્ય માતુશ્રી કમળાબાને ટીબી રોગનું નિદાન થયું. ડોક્ટરે કહ્યું કે દવાની સાથે સાથે હવાફેર પણ જરૂરી છે. આમ થશે તો જ તબિયત ઝડપથી સુધરશે. પરિવાર આર્થિક સાધનસંપન્ન હતો. માતુશ્રીને હવાફેર માટે મારા પિતાશ્રી કરનાળી લઇ ગયા. સાથે અમે બધા અને નોકરચાકરનો રસાલો પણ ખરો. (બાય ધ વે, જે વાચકો ન જાણતા હોય તેમને જણાવવાની રજા લઉં કે તે સમયે કરનાળી શુદ્ધ આબોહવા માટે જાણીતું હતું. મુંબઇના શેઠિયાઓ પણ સપરિવાર અહીં રજા ગાળવા આવતા હતા.) પરમાત્માની કૃપાથી માતુશ્રીને હવાફેર ફળ્યો. તેમની તબિયત સારી થતાં ભાદરણ પરત ફર્યા.
સમય સર સર વહેતો હતો. ડિસેમ્બર ૧૯૪૫માં મારા પિતાશ્રીએ અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કર્યું. સાધનસમૃદ્ધ યજમાન હોવાના નાતે આયોજનથી માંડીને આર્થિક સગવડ સુધી બધી જવાબદારી તેમણે ઉઠાવી. તેઓ આ ભવ્ય આયોજનમાં કોઇ કસર છોડવા માગતા નહોતા. ઉદ્દેશ ભલે ઉમદા અને સંપૂર્ણપણે ધાર્મિક હતો, પરંતુ ભાવિના ગર્ભમાં શું છુપાયું છે એ તો કોણ જાણતું હતું? સમગ્ર આયોજનમાં પરિવારની ક્ષમતા કરતાં પણ ઘણા વધુ નાણાં ખર્ચાઇ ગયા. પરંતુ પિતાશ્રી પાટીદાર તો ખરાને! તેમણે બધી પારિવારિક મિલકતો વેચીસાટીને લેણદારોને નાણાં ચૂકવી દીધાં. નાણાં તો ચૂકવાઇ ગયા, પણ પરિવાર ખાલી હાથ થઇ ગયો.
ખેર, એ પછીના કેટલાક વર્ષ અમારા પરિવારજનો માટે અત્યંત કઠિન પસાર થયા. ૧૯૪૬માં મારા માતા-પિતા અમને - મને અને નાના ભાઇને - લઇને કરનાળી રહેવા ગયા. પણ આ વખતે સમયનું ચક્ર ફરી ગયું હતું. જાહોજલાલી સપનું બની ગઇ હતી. મેં કરનાળીની પ્રાથમિક શાળામાં બે વર્ષ અભ્યાસ કર્યો. બાદમાં એક વર્ષ ચાણોદ ખાતે મિડલ સ્કૂલમાં શિક્ષણ લીધું. દરરોજ કરનાળીથી ચાણોદ ઓરસંગ નદી પાર કરીને હું ચાલતો જતો - આવતો હતો. ભાઈ જનાર્દનનો જન્મ કરનાળીમાં થયો.
સમયાંતરે મારા પિતાશ્રીએ સાંસારિક જીવન ત્યાગીને સંન્યાસ ધારણ કર્યો. સંન્યસ્તજીવન દરમિયાન તેઓ સતત વિહાર કરતા રહેતા હતા. એક વખત તેઓ ચાતુર્માસ વેળા કરનાળીમાં હતા. સંયોગવશાત્ આ જ અરસામાં હું પણ પરિવારજનો સાથે લંડનથી વતનની મુલાકાતે પહોંચ્યો હતો. સ્વામીશ્રી કરનાળીમાં હોવાનું જાણતાં જ અમે બધા ત્યાં પહોંચ્યાં. કરનાળીમાં મારી તેમની સાથે સન્યાસીના ૧૯ વર્ષમાં પહેલી અને છેલ્લી વખત મુલાકાત થઇ. અને આ ગામના પાદરે, નર્મદાના કિનારે આવેલા સોમનાથના ઘાટ નજીક પીપળાના વૃક્ષ નીચેના ચોતરે બેસાડીને તેમણે મને અક્ષરજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો.
વાચક મિત્રો, આ મારું કરનાળી કનેક્શન. વળી, નર્મદા કાંઠે વસેલા કરનાળીનું પૌરાણિક મહત્ત્વ પણ ખરું. આથી જ રાજપીપળાના ભરતભાઇ વ્યાસે પત્ર પાઠવીને મને પૂછાવ્યું કે કરનાળીમાં શ્રીરામકથાનું આયોજન કર્યું છે, યજમાન બનશો? અને મેં તરત જ આમંત્રણ સ્વીકારી લીધું. કુબેર ભંડારી ખુદ આપણા લલાટે તિલક કરવા આવતા હોય ત્યારે મોં ધોવા થોડું જવાય?!
આપણી અમદાવાદ ઓફિસના મુખ્ય કારભારી ભાઇશ્રી શ્રીજીત રાજને બધાને કરનાળીની શ્રીરામકથાની કંકોતરી (લ્યા ભઇ, કંકોતરી નહીં તો બીજું કહેવાય? રામકથામાં રામ-સીતાના લગ્ન પણ આવે છે ને શિવ-પાર્વતી પણ રંગેચંગે પરણે છે એ તો ખબર છેને?!) મોકલી. ‘ગુજરાત સમાચાર’માં જાહેરાત દ્વારા જાહેર નોતરું પણ મોકલ્યું. જે મહાનુભાવોને વ્યકિતગત આમંત્રણ મોકલ્યા હતા તેમાં ગુજરાતના માનનીય મુખ્ય પ્રધાનશ્રી વિજયભાઇ રૂપાણી અને આપણા સહુના લોકલાડીલા વડા પ્રધાન માનનીયશ્રી નરેન્દ્રભાઇ મોદી પણ ખરા. આ બન્ને મહાનુભાવોએ રામકથા પ્રસંગે પાઠવેલા શુભેચ્છા સંદેશ આપ સહુએ ગયા સપ્તાહે શ્રી ભરતભાઇ વ્યાસના અહેવાલ સાથે વાંચ્યા હશે. પરંતુ આપ સહુએ એક વાતની નોંધ લીધી? માનનીયશ્રી નરેન્દ્રભાઇએ તેમના પત્રમાં લખ્યું છેઃ ‘કરનાળી, કુબેર ભંડારી, કથા અને કટોકટી - તમારા પત્રથી ઓરસંગ કાંઠેની ઘણી બધી યાદો તાજી થઇ આવી.’
કરનાળી અને કટોકટી કઇ રીતે જોડાયેલા છે? મિત્રો, આપને જાણીને નવાઇ લાગશે કે માનનીયશ્રી નરેન્દ્રભાઇ કરનાળી સાથે અતૂટ નાતો ધરાવે છે. ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં કાળાધબ્બાં સમાન ૧૯૭૫ના કટોકટીના દિવસોની આ વાત છે. ઇંદિરા સરકાર વિરોધ પક્ષના ટોચના નેતાઓથી માંડીને સામાન્ય કાર્યકરો પર તૂટી પડી હતી. તણખલા જેવું કારણ મળ્યું નથી કે વિરોધીને પકડીને જેલભેગા કર્યા નથી. સરકારની નીતિરીતિનો વિરોધ કરનારાઓને સરકારે વીણી વીણીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ સમયે નરેન્દ્રભાઇ સરકારની મેલી નજરથી બચવામાં સફળ રહ્યા હતા. તેમણે ગુપ્તવાસમાં રહીને દેશમાં લોકતંત્રના પુનઃસ્થાપન માટે ચળવળ ચલાવી હતી. આ ગુપ્તવાસ દરમિયાન તેઓ ઠીક ઠીક સમય કરનાળીમાં પણ રહ્યા હતા. માનનીયશ્રી નરેન્દ્રભાઇએ ખુદ એક વખત મને આ પ્રસંગ જણાવ્યો હતો, અને આથી જ મેં રામકથાની કંકોતરી સાથે એક વ્યક્તિગત પત્ર પણ પાઠવીને તેમને આ ઘટનાની યાદ અપાવી હતી.
મિત્રો, જૂઓ... દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા પછી પણ નરેન્દ્રભાઇ સંઘર્ષના એ દિવસોને ભૂલ્યા નથી. તેમના લાગણી નીતરતા પત્રમાં આ જ વાતનું પ્રતિબિંબ પડે છે. તેમણે લખ્યું છેઃ ધાર્મિક મહાત્મ્ય તો ખરું જ, કટોકટીના વિતાવેલ સમયને કારણે પણ સ્મરણયાત્રામાં આ સ્થાનકનું ખાસ સ્થાન રહ્યું છે.
નદીકિનારાના વિસ્તારોમાં, મંદિરો તેમજ અન્ય સ્થળોએ છુપા વેશે વસવાટ દરમિયાન યુવાન નરેન્દ્ર મોદીએ નિહાળેલું સમૃદ્ધ ભારતનું સ્વપ્ન આજે તેમના જ નેતૃત્વમાં ઝડપભેર સાકાર થઇ રહ્યું હોવાનું હું તો જોઇ રહ્યો છું... આપ શું માનો છો? (ક્રમશઃ)


comments powered by Disqus