લેસ્ટરના લોર્ડ મેયર રશ્મિકાંત જોશીની ભ્રષ્ટાચારના આક્ષેપમાં પૂછપરછ

Tuesday 13th February 2018 15:28 EST
 

લેસ્ટરઃ પ્લાનિંગ અરજીઓના ઝડપી નિકાલ માટે લેસ્ટરના લોર્ડ મેયર રશ્મિકાંત જોશી દ્વારા સત્તાનો દુરુપયોગ તથા એક અધિકારી દ્વારા રોકડમાં લાંચ લેવાના મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. ધ ટાઈમ્સના અહેવાલ મુજબ લેસ્ટરશાયરના ફાઈનાન્સિયલ ક્રાઈમ યુનિટના ડિટેક્ટિવ્સે જણાવ્યું હતું કે એક નાગરિક દ્વારા સિટી મેયર સર પીટર સોલ્સબીને પાઠવવામાં આવેલા પત્રની તપાસ ચાલી રહી છે. જોકે, જોશીએ જણાવ્યું હતું કે ‘સંપૂર્ણપણે ખોટા’ આક્ષેપોથી તેઓ સ્તબ્ધ થઈ ગયા છે અને તપાસમાં પોલીસને સહકાર આપશે.

રાજકારણી તરીકે જોશી પહેલી વખત ૨૦૦૫માં બેલગ્રેવના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. પછી ૨૦૦૭ અને ૨૦૧૧માં ફરી ત્યાંથી જ ચૂંટાયા હતા. ૨૦૧૫થી તેઓ હમ્બરસ્ટોન અને હેમિલ્ટન વોર્ડનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમના પર પોતાના મિત્રોની અરજીઓના ઝડપી નિકાલ માટે દાદાગીરી કરવાનો આરોપ છે. અધિકારીઓ છેલ્લા બે અઠવાડિયાથી તપાસ કરી રહ્યા હોવા છતાં તેમણે તપાસની અથવા કાઉન્સિલમાં કોઈની મુલાકાત લીધી હોય તો તેના વિશે કોઈ વિગત જાહેર કરી નથી.

લેડી મેયરેસ તરીકે તેમના પત્ની મીતાબહેન તેમજ ડેપ્યુટી લોર્ડ મેયર, કાઉન્સિલર રોસ ગ્રાન્ટ અને હાઈ બેલિફ,કાઉન્સિલર મંજુલા સુદ તેમને સમર્થન આપશે.

પત્રમાં જણાવાયું હતું કે લોર્ડ મેયર સાથે સંકળાયેલા કાઉન્સિલના એક પ્રતિનિધિએ બિલ્ડીંગના રિનોવેશન માટે પ્લાનિંગ મંજૂરી મેળવવાનું કેટલું સરળ છે તેના વિશે બડાઈ હાંકી હતી. બિલ્ડીંગ બહારના રિપેરીંગ માટે મંજૂરી મેળવવાનું કેવી રીતે સરળ છે તેવું પૂછતા તેણે જણાવ્યું હતું કે તેમને તેની ચિંતા નથી કારણ કે બહારની બાજુએ કોઈ પણ બાંધકામ કર્યા પછી મંજૂરી માટે તેઓ કાઉન્સિલને અરજી કરે છે. લોર્ડ મેયર રશ્મિકાંત જોશી હાઉસિંગ ડિરેક્ટર અથવા પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને ચર્ચા માટે બોલાવે છે અને અરજી મંજૂર કરવા તેમને દબાણ કરે છે. તેની ઉપર એક પ્લાનિંગ ઓફિસર છે જે અમારો કેસ સંભાળે છે અને તે કાઉન્સિલની ઓફિસ બહાર અરજી દીઠ ૨૦ પાઉન્ડ માગે છે. આ બે બાબત અમને જે ફેરફાર માટે મંજૂરી જોઈતી હોય તે ૧૦૦ ટકા મળી જશે તે નિશ્ચિત થાય છે. તે નાગરિકે પત્રમાં જણાવ્યું હતું ,‘ મારા મતે આ ભ્રષ્ટાચાર છે અને તે ખોટી બાબત છે અને તેના વિશે હું ફરિયાદ કરું છું. આ ફરિયાદ કોને કરવી તેના માટે કાઉન્સિલની વેબસાઈટમાં કોઈ સ્પષ્ટતા નથી. તેથી મારી આ અરજી યોગ્ય વ્યક્તિને પહોંચાડશો.’


comments powered by Disqus