લેસ્ટરમાં ઓવરસ્ટેયર્સ માટે CIO (UK) દ્વારા ‘વોલન્ટરી ડિપાર્ચર’ પ્રોજેક્ટનો પ્રારંભ

Wednesday 14th February 2018 05:17 EST
 
 

લેસ્ટરઃ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન્સ (યુકે) (CIO) દ્વારા યુકેમાં ઓવરસ્ટેયર્સ અથવા માન્ય વિઝા વિના રહેતા લોકો માટે લેસ્ટરના બેલગ્રેવ નેબરહુડ સેન્ટર ખાતે મંગળવારે ૧૩મી ફેબ્રુઆરીએ વોલન્ટીયરી ડિપાર્ચર પ્રોજેક્ટનો પ્રારંભ થયો હતો.  યુકેમાં વિઝાની મુદત કરતા વધુ રોકાણ કરનારા અથવા માન્ય ડોક્યુમેન્ટ્સ વિના રહેતા લોકો માટે જીવન ખૂબ મુશ્કેલ બની ગયું છે. તેમને ગુલામોની માફક કામ કરવું પડે છે અને ઘણા લોકોને તો મીનીમમ વેજના માત્ર ૨૦ ટકા રકમ મળે છે અને કેટલાક કિસ્સામાં તો કલાક દીઠ માત્ર એક કે બે પાઉન્ડ જ મળે છે.
ઈમિગ્રેશનના નિયમો ખૂબ કડક બની ગયા છે અને આવા લોકોના બેંક ખાતા સ્થગિત કરી દેવાશે અને તેઅો નવું ખાતુ ખોલાવી શકશે નહીં. તેમને ડ્રાઈવિંગ લાયસન્સ નહિ મળે અનેલાયસન્સ હશે તો પણ DVLA તેને રદ કરી દેશે. તેમને નોકરી રાખનારને કર્મચારી દીઠ ૧૦,૦૦૦ પાઉન્ડનો દંડ થશે. તેઓ રેન્ટ બુક અથવા કાયદેસરના દસ્તાવેજો સાથે ફ્લેટ કે હાઉસ ભાડે રાખી શકશે નહીં અને તેમને મકાન ભાડે આપનાર પ્રોપર્ટી માલિક સામે કાર્યવાહી થશે અને તેને ૨૦,૦૦૦ પાઉન્ડ સુધીનો દંડ થશે.
આવા લોકોને NHSની સારવાર મળી શકશે નહીં અને તેમણે કોઈ ગંભીર બીમારી માટે હજારો પાઉન્ડ ચૂકવવા પડશે. વળી જો તેમની ધરપકડ થશે તો કેટલાક અઠવાડિયા અને મહિના ડીટેન્શન સેન્ટરમાં ગાળવા પડશે અને યુકેમાં ૧૦ વર્ષ સુધી તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાશે.   
આવી પરિસ્થિતિમાં સપડાયેલા લોકોને સહાનુભૂતિ, માર્ગદર્શન અને તેમના માટે દરેક માર્ગ બંધ કેમ છે તેની સમજણ આપવાની જરૂર છે.
તેમને મદદરૂપ થવાના હેતુથી ૪૨ વર્ષ અગાઉ સ્થપાયેલી કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન્સ (યુકે) દ્વારા ‘વોલન્ટરી ડિપાર્ચર’ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેનાથી દસ્તાવેજો વગર રહેતા લોકોને તેમના જીવન વિશે યોગ્ય નિર્ણય લેવાની શક્તિ મળશે. CIOના પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘અમે હોમ ઓફિસ માટે કામ કરતા નથી પરંતુ ઓવરસ્ટેયર્સ સ્વૈચ્છિક રીતે અથવા મદદ લઈને તેમના દેશ પરત ફરી શકે તે માટે તેમની અને ભારતીય સંસ્થાની સાથે મળીને કામ કરીએ છીએ. તેઓ યુકેમાં દુઃખદ અને ભયપૂર્વક જીવન જીવી રહ્યા છે તેમની તકલીફ વિના વિદાય થાય અને પોતાના મૂળ દેશમાં પહોંચીને તેઓ પૂરી જીંદગી સ્વમાનભેર જીવી શકે તેવો CIOનો હેતુ છે.’
વધુ માહિતી માટે સંપર્ક: 01162 668 068 અથવા કાંતિભાઈ નાગડા 07956 918 774.


comments powered by Disqus