ફિલ્મમેકર આર બાલ્કીની ફિલ્મ ‘પેડમેન’ મનોરંજક હોવા સાથે તેમાં સ્ત્રીઓને માસિક દરમિયાનની સમસ્યાઓના મુદ્દાને ખૂબ જ સારી રીતે વણી લેવાયો છે. ફિલ્મમાં અક્ષય કુમાર, રાધિકા આપ્ટે અને સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.
વાર્તા રે વાર્તા
આ એક ડ્રામા, બાયોગ્રાફિકલ ફિલ્મ છે. ફિલ્મમાં અક્ષય કુમાર પોતાની પત્નીની 'સ્ત્રીઓ વાળી સમસ્યા' એટલે કે મેંસ્ટ્રુઅલ હાઈજીનની વાત પર એટલો ચિંતિત થઈ જાય છે કે તે આ સમસ્યાનો ઉપાય શોધવા માટે પોતે જાતે જ સસ્તા સેનેટરી પેડ બનવવાનું નક્કી કરી લે છે. લેટ નાઇન્ટિઝની આ ફિલ્મ રિઅલ વ્યક્તિ અને ઘટના પર આધારિત છે.
‘પેડમેન’ ફિલ્મની ચર્ચા સોશિયલ મીડિયા પર આજકાલ સૌથી વધારે છે. આ ફિલ્મની સ્ટોરી એક એવી વ્યક્તિની રિયલ સ્ટોરી છે, જેને પોતાની આસપાસ રહેતી મહિલાઓ માટે સસ્તા દરે સેનેટરી નેપકિન બનાવવા માટેનું મશીન બનાવ્યું હતું.
તામિલનાડુના કોઇમ્બતુરમાં રહેતા અરુણાચલમ મુર્ગનાથમનાં લગ્ન ૧૯૯૮માં થયાં હતાં. લગ્ન બાદ તેની પત્નીને પિરિયડમાં કાપડના કટકા અને ન્યૂઝપેપરના કાગળ વાપરતી જોઈને તેનું ધ્યાન મહિલાઓની સમસ્યા પ્રત્યે ખેંચાયું હતું. ગરીબ મધ્યમવર્ગની મહિલાઓને મલ્ટિનેશનલ કંપનીઓએ બનાવેલા મોંઘા ભાવનાં સેનિટરી નેપકિન પોસાય નહીં અને પરિણામે જે તકલીફોનો સામનો કરવો પડતો હોય તેનાથી પ્રેરાઈને અરુણાચલમે મહિલાઓ માટે સસ્તાં પેડ બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ આ કામ અરુણાચલમે જેટલુ ધાર્યું હતું તેટલું સહેલું ન હતું. અરુણાચલમે પેડ બનાવવા માટે જે જાણકારી જોઈએ તેના માટે તેની પત્ની અને બહેને પણ આપવા માટે શરૂઆતમાં ઇનકાર કરી દીધો હતો. ફિલ્મ આ વ્યક્તિ રિઅલ પેડમેન પરથી જ બની છે.
સ્વચ્છતાથી દર્શાવી અસ્વચ્છતા
આર બાલકીએ ફિલ્મનું નિર્દેશન એટલું સચોટ અને સરળતાથી કર્યું છે કે જેનાથી સ્ત્રીઓની સમસ્યા પણ સ્પષ્ટ દેખાઈ આવે છે અને તેનું નિરાકરણ પણ હાઈજેનિકલી કેવી રીતે લાવી શકાય એ પણ સચોટ રીતે ઉજાગર થાય છે. ફિલ્મમાં આ મુદ્દાને સરળ રીતે સમજાવાયો છે. વળી, આ મુદ્દે કોઈ ગેરસમજ ઊભી ન થાય તેનું પણ ફિલ્મમાં ખાસ ધ્યાન રખાયું છે.

