જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO) દ્વારા આગામી ૧૮ માર્ચને સોમવારે ‘બ્લોકચેઈન એન્ડ ક્રિપ્ટોકરન્સી - ધ નેક્સ્ટ ટેક્નોલોજીકલ રિવોલ્યુશન’ વિષય પર નેટવર્કિંગ ઈવેન્ટ અને આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું છે. ખાસ તો બિઝનેસ અને પ્રોફેશનલ્સને મદદરૂપ થાય તેવા ઉદ્દેશ સાથે યોજાનારા આ સંમેલનમાં વક્તાઓ બ્લોકચેઈન ટેક્નોલોજી, તેનું મહત્ત્વ, તેના હાલના અને ભવિષ્યના ઉપયોગને સાદી સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરશે.
વક્તાઓમાં બ્લોકપાસના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર ગે ડેવિસ, લંડન એન્ડ કેપીટલના ઈન્વેસ્ટમેન્ટ ડિરેક્ટર અશોક શાહ, કોફાઉન્ડ ઈટના ચેરમેન ડેવિડ પેરીસ અને ગ્લોબકેપના સ્થાપક અને સીઈઓ માઈલ્સ મિલ્સ્ટનનો સમાવેશ થાય છે.
૨૦૧૭માં જીટો દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભારત અને યુકેના બીઝનેસ માલિકો અને કોર્પોરેટ હેડ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંમેલનને સારી સફળતા સાંપડી હતી. તે પછી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
જીટો યુકેના ચેરમેન કિરણ મહેતાએ ગુજરાત સમાચાર/એશિયન વોઈસને એક સંદેશામાં જણાવ્યું હતું કે આ સંમેલનનો એક હેતુ ટેક્નોલોજીની અસર સાથે કદમ મિલાવવાનો પણ છે.
નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેસ મીડલસેક્સ, UB3 1AR ખાતે યોજાનારા આ સંમેલન માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જીટોના પેટ્રન્સ અને વાર્ષિક સભ્યો માટે પ્રવેશ મફત છે. રજિસ્ટ્રેશન માટે jitouk.org/events ની મુલાકાત લેવા વિનંતી.

