ભારતમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) માં NRIનું ખાતું હોય તો તેમણે તેના વિશે હવે ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકારના અગાઉના પરિપત્ર મુજબ રેસીડેન્ટ વ્યક્તિ પીપીએફ ખાતું ધરાવતો હોય અને તે જે દિવસથી NRI બને તે દિવસથી જ તેનું ખાતુ બંધ થઈ ગયેલું ગણાતું હતું. જોકે, ભારત સરકારના નાણાં મંત્રાલયે ગત ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ એક પરિપત્ર બહાર પાડીને બીજો આદેશ ન થાય ત્યાં સુધી અગાઉના આદેશનો અમલ ન કરવા જણાવ્યું હતું. તે મુજબ હવે NRIનું પીપીએફ ખાતુ ચાલુ ગણાશે.
પીપીએફના નિયમ મુજબ NRI પીપીએફ ખાતુ ખોલાવી શકે જ નહીં. માત્ર રેસિડેન્ટ લોકો જ આ ખાતુ ખોલાવી શકે તેમ હોય છે. રેસિડેન્ટ લોકોને જે સમયે NRIનો દરજ્જો મળે ત્યારથી જ તેમનું પીપીએફ ખાતુ બંધ થયેલું ગણાતું. તેમના માટે સાદો રસ્તો તે ખાતુ બંધ કરાવીને તેમાં રહેલા નાણાં NRO ખાતામાં અને તે પછી NRE ખાતામાં અથવા ડેટ ફંડ્સ બેમાંથી જેમાં વધુ વ્યાજ મળે તેમાં ટ્રાન્સફર કરવાનો જ હતો.
રેસિડેન્ટ ૧૫ વર્ષની મુદત માટે ખાતુ ખોલાવી શકે છે અને તે પછી પણ તેની મુદત પાંચ વર્ષ માટે લંબાવી શકે છે. હાલમાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ ખાતામાં વાર્ષિક ૪ ટકાના દરે વ્યાજ મળે છે.

