અમેરિકાના પ્રમુખ અખબાર ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’માં ઇન્ડિયન સિનેમાની સુંદર સ્વ. અભિનેત્રી મધુબાલાને વિશ્વની ૧૫ મહિલાઓની યાદીમાં સ્થાન અપાયું છે. અખબારમાં ૧૮૫૧થી પ્રકાશિત ‘જીવન પરિચય’ ખંડમાં આમ તો શ્વેત વ્યક્તિઓને જ પ્રાધાન્ય મળે છે, પરંતુ આ વખતે પંદર તેજસ્વી મહિલાઓની જીવનગાથામાં મધુબાલાની જીવનની સફરનો સમાવેશ પણ કરાયો છે. આયશા ખાને મધુબાલાના લેખમાં લખ્યું છે કે સ્વ. અભિનેત્રી મધુબાલાની તુલના મર્લિન મુનરો સાથે થાય છે. એણે ૧૬ વર્ષની કાચી વયે અશોકકુમાર સાથે ફિલ્મ ‘મહલ’થી સિનેમાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વીસ વર્ષ ફિલ્મોમાં શાનદાર અભિનય આપ્યા બાદ દુનિયાને અલવિદા કહ્યું. ખુબસૂરતીની માલકણ મધુબાલાનું અંગત જીવન જોકે ફિલ્મની વાર્તાથી ઓછું નહોતું. એણે ટૂંકી જિંદગીમાં ઝળહળતી કારકિર્દી જોઈ અને અંગત જીવનમાં અસફળ પ્રેમ અને ગંભીર બીમારી સહિતે તેને દુઃખી પણ કરી હતી.

