ઇન્ડિયન સિનેમાના પીઢ કલાકાર શમ્મી આન્ટીનું નિધન

Wednesday 14th March 2018 07:47 EDT
 
 

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘શમ્મી આન્ટી’ના હુલામણા નામે પ્રખ્યાત પીઢ અભિનેત્રી નરગિસ રાબદીનું છઠ્ઠી માર્ચે નિધન થયું છે. ૮૯ વર્ષનાં કલાકાર લાંબા સમયથી બીમાર હતાં. અમિતાભ બચ્ચન સહિતના બોલિવૂડના કલાકારોએ ટ્વિટર થકી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
શમ્મી આન્ટીનો જન્મ ૧૯૨૯ની ૨૪ એપ્રિલે મુંબઈના એક પારસી પરિવારમાં થયો હતો. નિર્માતા - દિગ્દર્શક સુલતાન અહમદ સાથે સાત વર્ષના ઘરસંસાર પછી તેમના છૂટાછેડા થયાં હતાં. ૧૮ વર્ષની ઉંમરે ઉસ્તાદ પેડ્રો (૧૯૪૯) ફિલ્મથી તેમણે ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. ગાયક મુકેશ નિર્મિત ‘મલ્હાર’ તેમની સોલો હિરોઇન તરીકે પ્રથમ ફિલ્મ હતી, પરંતુ તે ઝાઝી ચાલી નહોતી. જોકે દિલીપકુમાર મધુબાલા સાથેની ‘સંગદિલ’ (૧૯૫૨)માં ચમક્યા પછી તેમણે ક્યારેય પાછું વાળીને જોયું નહોતું.
૧૯૯૦ના દાયકામાં ગાજેલી ‘દેખ ભાઈ દેખ’, ‘જબાન સંભાલકે’, ‘કભી યે કભી વો’, ‘ફિલ્મી ચક્કર’ જેવી ટીવી સિરિયલોમાં પણ તેઓ જોવા મળ્યાં હતાં. ફરાહ ખાન અને બમન ઇરાની સ્ટાટર ‘શીરી ફરહાદ કી તો નીકલ પડી’ તેમની છેલ્લી ફિલ્મ હતી.
શમ્મી આન્ટી બોલિવૂડમાં ૬૪ વર્ષ સુધી સક્રિયા રહ્યાં. તેમણે અંદાજે ૨૦૦ ફિલ્મોમાં કામ કર્યું હતું.


comments powered by Disqus