લંડનઃ પેન્શન, ક્લેઈમ મેનેજમેન્ટ અને અન્ય ફાઈનાન્સિયલ સર્વિસમાં વધતા જતા બીનજરૂરી ફોનકોલનો અંત લાવવાની માગણી સાથે લોર્ડ શર્કીના નેતૃત્વ હેઠળ લીબરલ ડેમોક્રેટ્સના પીઅર્સે હાઉસ ઓફ લોર્ડ્સમાં ઝુંબેશ ચલાવી હતી. તેમણે રજૂ કરેલા મહત્ત્વના સુધારાઓ સરકારે સ્વીકારી લેતા લીબરલ ડેમોક્રેટ્સનો આ મુદ્દે ભવ્ય વિજય થયો હતો.
હવે સરકાર પેન્શન્સ કોલ્ડ કોલીંગ પર તેમજ નુક્સાન પહોંચાડે તેવા અન્ય પ્રકારે થતા કોલ્ડ કોલીંગ પર પ્રતિબંધ મૂકવા પ્રતિબદ્ધ છે. સરકારે ફાઈનાન્સિયલ ગાઈડન્સ એન્ડ ક્લેઈમ્સ બીલ હાઉસ ઓફ કોમન્સને મોકલી આપ્યું હતું.
લીબરલ ડેમોક્રેટ વર્ક એન્ડ પેન્શન્સના પ્રવક્તા સ્ટીફન લોઈડે જણાવ્યું હતું કે સરકારે કોલ્ડ કોલીંગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ધાર વ્યક્ત કર્યો તેનાથી મને આનંદ થયો છે. કોલ્ડ કોલર્સ દ્વારા દર વર્ષે લાખો લોકો હેરાનગતિ અને છેતરપિંડીનો ભોગ બને છે. કેટલાંક કિસ્સામાં ખૂબ ગંભીર આર્થિક પરિણામો આવી શકે તેમ હોય છે. આ પગલાંને લીધે પરિસ્થિતિમાં ઘણો સુધારો થશે અને સરકાર તેના નિર્ણયમાંથી પીછેહઠ ન કરે તેનું હું ધ્યાન રાખીશ.

