નવી દિલ્હીઃ સુરતની સરિતા ગાયકવાડની ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સ માટેની ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. આવતા મહિને યોજાનારી આ સ્પર્ધામાં ૪૦૦ મીટરની દોડમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવનારી સુરતના ડાંગમાં આવેલા કરાડીઆંબા ગામની સરિતાની પસંદગી થઈ છે. તે ૪ બાય ૪૦૦ મીટરની રિલે ઈવેન્ટ માટે આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લેવા જશે.
કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮માં ભારત ૩૧ એથલેટ્સ ટ્રેક એન્ડ ફિલ્ડની સ્પર્ધામાં ઉતરશે. ભારતીય એથલેટિક્સ ફેડરેશને ૧૮ પુરુષ અને ૧૩ મહિલા ખેલાડીઓના નામ ભારતીય કોમનવેલ્થ ગેમ્સ ટીમમાં સામેલ કર્યાં છે. ભારતને એથલેટિક્સમાં ખાસ કરીને જેવલીન થ્રોઅર નીરજ ચોપરા અને ડિક્સર થ્રોઅર સીમા પુનિયા તેમજ નવજીત કૌર પાસેથી મેડલ જીતવાની આશા છે. સરિતાએ ફેબ્રુઆરીમાં જ ઈન્ડોનેશિયાના જાકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટ સ્પર્ધામાં ભારતને બે ગોલ્ડ મેડલ અપાવ્યા હતા.

