લંડનઃ BAPS સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ની મહિલા ફોરમે યુકેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને ‘સેલીબ્રેટિંગ વિમેનઃ સ્ટ્રેન્થ ઈન યુનિટી’ શીર્ષક હેઠળ પ્રેરણાદાયક સંમેલન સાથે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરી હતી. તા. ૧૦ માર્ચને શનિવારે યોજાયેલા સંમેલન માટે BAPS સ્વામીનારાયણ મંદિર લંડન (નીસડન મંદિર તરીકે જાણીતા) સહિત દેશભરના BAPS સેન્ટરો ખાતે તમામ વયની ૧,૮૦૦ કરતા વધુ મહિલા એકત્ર થઈ હતી.
સંમેલનમાં BAPSના વડા પૂ. મહંત સ્વામીએ એકતા વધારવા માટે જે ત્રણ મુખ્ય બાબત – માયાળુ, જાગૃત અને માહિતગાર બનો - જણાવી હતી તેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સ્કેચ, મલ્ટિમીડિયા પ્રેઝન્ટેશન, ડિસ્કશન પેનલ, ગેમ શો અને સમુદાયની પ્રતિષ્ઠિત મહિલાઓના વક્તવ્યના માધ્યમથી આ વિષયો રજૂ કરાયા હતા.
બ્રેન્ટ સેન્ટ્રલના ડોન બટલર MP એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહિલાઓએ આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું, ‘ આપ એક મહિલાને શિક્ષિત કરશો તો આપ આખા દેશને શિક્ષિત કરશો. આપ મહિલા સાથે સારો વ્યવહાર કરશો તો આપનો દેશ સારો બનશે.’
વોટફર્ડની સ્કૂલના પૂર્વ હેડટીચર શ્રીમતી મીનાબહેન OBE અને કંચનબહેન ભગતે સભાને સંબોધી હતી. સંમેલનમાં શીલાબહેન પટેલ સહિત ઘણાં મહિલા પ્રતિનિધિઓએ સંમેલન અંગે તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સંમેલન બાદ ડિનરનું આયોજન કરાયું હતું.

