લંડનઃ પ્રિન્સ હેરી સાથેના લગ્ન પહેલા મેગન મર્કેલને કેન્ટરબરીના આર્ચબિશપે બેપ્ટાઈઝ્ડ કરી હતી. સેન્ટ જેમ્સ પેલેસના ચેપલ રોયલ ખાતે ગઈ ૬ માર્ચે સાંજે યોજાયેલી ૪૫ મિનિટની વિધિમાં જોર્ડન નદીના પાણીનો ઉપયોગ કરાયો હતો. ૩૬ વર્ષીય ડિવોર્સી અમેરિકન એક્ટ્રેસ મેગનનો એંગ્લિકન ધર્મમાં પ્રિન્સ હેરી, પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ તેમજ ૧૮ મહેમાનોની ઉપસ્થિતિમાં સમાવેશ કરાયો હતો. ડ્યૂક ઓફ કેમ્બ્રીજ અને ક્વીન આ પ્રસંગે હાજર રહ્યા ન હતા.
લગ્નમાં મેગન મર્કેલ £૪ લાખનો ગાઉન પહેરશે
બ્રિટિશ શાહી લગ્ન ફરી એક વાર ચર્ચાનો વિષય બનવા જઈ રહ્યું છે. પ્રિન્સ હેરી અને તેમની ફિયાન્સ મેગન મર્કેલના લગ્નનો ખર્ચ બમણો થઈ ગયો છે. મેગન લગ્નમાં અત્યંત મોંઘો અંદાજે ૪ લાખ પાઉન્ડની કિંમતનો ગાઉન પહેરશે. ઇઝરાયેલના ડિઝાઇનર ઇન્બાલ ડ્રોરે આ ગાઉનની ડિઝાઇન તૈયાર કરી છે. મેગનના લગ્નમાં સૌથી મોંઘી વસ્તુ તેનો આ ગાઉન હશે. એટલું જ નહીં, મેગન હનીમૂન માટે પ્રિન્સ હેરીને ગિફ્ટ પણ આપવાની છે અને તેની કિંમત અંદાજે ૧,૨૦,૦૦૦ પાઉન્ડ હોવાનું મનાય છે. કપલે વિન્ડસર કાસલમાં ૨,૬૪૦ મહેમાનોને આમંત્રણ આપ્યું છે. બ્રિટનની મોટાભાગની સેલિબ્રિટી આ લગ્નમાં હાજર રહેશે.
લગ્નની આગલી રાતે મર્કેલને ‘કરી’ ખાવાની મનાઈ
મેગન મર્કેલને તેના લગ્નના દિવસે ઝોકા ન આવે તે માટે તેને લગ્નની આગલી રાત્રે ‘કરી’ ખાવાની અથવા બીયર પીવાની મનાઈ ફરમાવાઈ હતી. જોકે, મર્કેલ સ્કીન સુધીંગ ફેસમાસ્કનો ઉપયોગ કરીને સારી ઉંઘ માણી શકશે. મર્કેલની બ્યુટી એડવાઈઝર સારા ચેપમેને તેની આ ખાસ ટીપ પાછળનું કારણ જાહેર કર્યું નથી. મર્કેલને લગ્ન વખતે શણગાર કોણ કરશે તે હજુ સુધી ગુપ્ત રખાયું છે. જોકે, લગ્નના દિવસે આ બધી પ્રવૃત્તિમાં સારા ચેપમેન સૌથી આગળ હશે તેમ મનાય છે. પ્રિન્સ સહિત શાહી પરિવારને અન્ય બ્રિટિશરોની માફક કરી ખૂબ જ પ્રિય છે.

