લંડનઃ બાળકોના શોષણનો કિસ્સો પહેલી વખત પ્રકાશમાં આવ્યા પછી પોલીસે હાથ ધરેલી તપાસના ચાર કરતા વધુ વર્ષ પછી ટેલ્ફર્ડમાં બાળ યૌન શોષણના કિસ્સાના પ્રમાણના નવા દાવા પ્રકાશમાં આવ્યા હતા. અખબારોએ યુકેના સૌથી ખરાબ જાતીય શોષણ કૌભાંડો પૈકી એક માટે ટેલ્ફર્ડને ઉદભવસ્થાન તરીકે વર્ણવ્યું હતું.
બરોના કાઉન્સિલરો અને લ્યૂસી એલન MP એ ૨૦૧૬માં તટસ્થ જાહેર તપાસની માગણી કરી હતી. ટેલ્ફર્ડમાં બાળકોના જાતીય શોષણના બે દાયકા દરમિયાન શું થયું તેનો પીડિતો અને પ્રજા જવાબ માગવા હકદાર છે.
શોષણકારોમાં વેલિંગ્ટનની રીજન્ટ સ્ટ્રીટના બે ભાઈ એહદીલ અને મુબારક અલી મુખ્ય હતા. આઠ અઠવાડિયાની ટ્રાયલ પછી એહદીલને ૨૬ વર્ષની અને મુબારક અલીને ૨૨ વર્ષની કેદ થઈ હતી.
નવા પુરાવાનું વિશ્લેષણ સૂચવે છે કે ૪૦ વર્ષના ગાળામાં સેક્સ ગેંગ દ્વારા લગભગ ૧,૦૦૦ બાળકોનું જાતીય શોષણ કરાયું હતું.
ઓપરેશન ચેલીસના પરિણામે ૨૦૧૩માં ટેલ્ફર્ડના સાત લોકોને જેલની સજા થઈ હતી. આ ઓપરેશન દરમિયાન બાળ યૌન શોષણ ગેંગનો ભોગ બનેલી ૧૦૦થી વધુ છોકરીઓની ઓળખ મેળવી હોવાનું પોલીસે જાહેર કર્યું હતું.
ટેલ્ફર્ડના લ્યૂસી એલન MP એ વારંવાર રોધરહામની માફક આ મામલે તપાસ માટે અનુરોધ કર્યો હતો. ૨૦૧૬માં તેમણે કહ્યું હતું કે ટેલ્ફર્ડ અને રેકીન કાઉન્સિલે બાથ ધરેલી તપાસ બાદ તટસ્થ તપાસ કરવાની જરૂર હતી.

