લંડનઃ ૩૮ વર્ષીય સર્વેનાઝ ફૌલાદીએ તેમના ઉપરના માળે આવેલા ફ્લેટમાં રહેતા પરિવારના બાળકો દ્વારા કરાતા અસહ્ય શોરબકોરથી ત્રાસીને ડેમેજીસ માટે કેસ કર્યો હતો. આ કેસમાં તે જીતી ગઈ હતી અને કોર્ટે સામાપક્ષને ૧૦૦,૦૦૦ પાઉન્ડ ડેમેજીસ તરીકે ચૂકવી આપવા આદેશ કર્યો હતો.
વેસ્ટ લંડનના કેન્સિંગ્ટનમાં ૨.૬ મિલિયન પાઉન્ડના ફ્લેટમાં રહેતા પાંચ વ્યક્તિના પરિવાર દ્વારા રોજ અસહ્ય ઘોંઘાટ કરવામાં આવતો હતો. બાળકો મેદાનમાં ડીશ રમતા હોય તેવી રીતે ખૂબ અવાજ કરતા રમતા હતા. તેથી ફૌલાદીની શાંતિમાં દિવસે અને રાત્રે ખલેલ પડતો હતો. તેથી તેણે ઉપરના માળે રહેતા સારા અને એહમદ અલ કેરામી વિરુદ્ધ સેન્ટ્રલ લંડન કાઉન્ટી કોર્ટમાં ઘોંઘાટ કરીને ત્રાસ પહોંચાડવા માટે કેસ કર્યો હતો. ૧૯૨૦ મેન્શન બ્લોકમાં માતા સાથે રહેતા ફૌલાદીએ જજને જણાવ્યું હતું કે તેમના પડોશીના બાળકો ઘરને રમતગમતના મેદાન જેવું ગણતા હતા અને આખો સમય વસ્તુઓ ફ્લોર પર નાખતા જ રહેતા હતા, જેના અવાજથી તેમની શાંતિમાં ભંગ પડતો હતો.
કોર્ટના જજ નિકોલસ પારફિટ એ વાત સાથે સંમત થયા હતા કે રોજિંદી જીવનશૈલીને લીધે થતા અવાજથી સમસ્યા સર્જાઈ હતી. જજે તેની તરફેણમાં ૧૦૭,૩૯૭ પાઉન્ડનો એવોર્ડ આપ્યો હતો અને જણાવ્યું હતું કે ઉપરના ફ્લેટના માલિક અલ કેરામીસે વુડન ફ્લોર પર કારપેટ નખાવવી જોઈતી હતી. તેઓ ફ્લેટમાં રહેવા ગયા તે પહેલા તેમણે અવાજને અટકાવવા કોઈ કામગીરી કરાવી ન હતી.

