બ્રેક્ઝિટ માટે થેરેસા મેના ‘પાંચ ટેસ્ટ’

Wednesday 14th March 2018 07:53 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ જણાવ્યું હતું કે વિશ્વમાં હાલ ક્યાંય પણ થતાં કોઈ પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરતાં બ્રેક્ઝિટ ડીલ વધુ ઉંડાણપૂર્વકનું અને વિસ્તૃત હોવું જોઈએ. થેરેસા મેના આ વક્તવ્યને બ્રેક્ઝિટ વાટાઘાટોની દિશામાં આગળ વધવામાં વધુ એક પગલું ગણાવાયું હતું.

લંડનમાં ૧૮મી સદીના મેન્શન હાઉસ ખાતે પ્રવચનમાં વડાપ્રધાન થેરેસા મેએ ડીલ માટે પાંચ ટેસ્ટની વાત કરી હતી. આ પાંચ પરીક્ષણોમાં જૂન ૨૦૧૬માં લેવાયેલા લોકમત યથાર્થ નીવડે, હંમેશ માટેનો ઉકેલ બની રહે, યુકે અને ઈયુમાં નોકરી અને સલામતી જળવાઈ રહે, યુકેની આધુનિક, સહિષ્ણુ, મુક્ત યુરોપિયન લોકશાહી તરીકેની માન્યતા જળવાઈ રહે અને યુકેના દેશો અને તેના વિભાજીત મતદારોનું સશક્તિકરણ થાય તે છે.

તેમણે ઉમેર્યું હતું કે આ માટે બન્ને પક્ષોએ કોઈ અન્ય વેપાર કરાર કરતાં વધુ ક્ષેત્રોને આવરી લઈને વધુ સહયોગ દ્વારા વિસ્તૃત અને ઉંડાણપૂર્વકના કરાર માટે સંમત થવું જોઈએ.

મેએ જણાવ્યું હતું કે તે માને છે કે આ બાબત શક્ય છે કારણ કે તે ઈયુ તેમજ આપણા હિતમાં છે અને વિશિષ્ટ સ્ટાર્ટીંગ પોઈન્ટને લીધે તે શક્ય છે. કારણ કે પહેલા દિવસથી જ આપણા બન્નેના કાયદા અને નિયમો સરખા છે તેના કારણે તેથી બે અલગ સિસ્ટમને એકબીજા સાથે લાવવા કરતા એક વખત બન્નેની કાનૂની સિસ્ટમ અલગ થઈ જાય તે પછી સંબંધની જાળવણી કરવાનું જ કામ બાકી રહેશે.

યુરોપિયન કમિશને જાહેર કરેલા કરારના મુસદ્દામાં નોર્ધર્ન આયર્લેન્ડ ઈયુની ‘કસ્ટમ ટેરીટરી’નો ભાગ રહેશે તેમ જણાવાયું હતું.


comments powered by Disqus