ભારતમાં નોકરી માટે બ્રિટનમાં ‘હિંગ્લિશ’

Tuesday 13th March 2018 16:10 EDT
 
 

લંડનઃ ભારતમાં અંગ્રેજી પ્રત્યે લોકોનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે હિંદી ભાષાને પ્રોત્સાહન આપવા માટે સરકારી સ્તર સુધી પ્રયાસ કરવા પડે છે. તેનાથી ઉલટું બ્રિટનમાં તો હવે હિંદી ભાષામાં લોકોનો રસ વધી રહ્યો છે. બ્રિટનની કોલેજો તેના વિદ્યાર્થીઓને હિંદી શીખવાડે છે. જાણીતી પોર્ટ્સમથ કોલેજે વિદ્યાર્થીઓ માટે હિંગ્લિશનો કોર્સ શરૂ કર્યો છે. હિંદી અને અંગ્રેજી ભાષાનામિશ્ર ઉપયોગથી તે શીખવાય છે. ખાસ તો ભારતમાં નોકરી મેળવવા માટે આવું કરવામાં આવે છે.

કોલેજમાં હિંગ્લિશ શીખવતા ભારતીય મૂળના પ્રોફેસર વિરાજ શાહે જણાવ્યું હતું કે હિંગ્લિશ શીખવાડવા માટે તે ભારતીય ફિલ્મોનો આધાર લે છે. ‘એક થા ટાઈગર’, ‘લવ આજકલ’, ‘શાદી કે સાઈડ ઈફેક્ટ્સ’ જેવી ફિલ્મોની તે મદદ લે છે. આ કોર્સ વિશે વિદ્યાર્થીઓનો સારો પ્રતિભાવ સાંપડતા સપ્ટેમ્બરમાં આગામી સત્રથી કોર્સની સમયમર્યાદા વધારાય તેવું બની શકે.

છ વર્ષ અગાઉથી તૈયારી

બ્રિટિશ રાજકારણીઓ ૨૦૧૨માં જ હિંદીના વધતા મહત્ત્વ વિશે સમજી ગયા હતા. ત્યારથી જ તેમણે પ્રયાસો શરૂ કરી દીધા હતા. કોલેજના એ - લેવલમાં હિંગ્લિશ ભણાવવાનું શરૂ કરી દેવાયું છે. ભાષા વિજ્ઞાની ડેવિડ ક્રિસ્ટલે જણાવ્યું હતું કે દુનિયામાં ભારતનું મહત્ત્વ વધી રહ્યું છે. તે જોતા હિંદી ભાષાનું મહત્ત્વ પણ ખૂબ ઝડપથી વધી ગયું છે.

હિંગ્લિશ શું છે ?

હિંગ્લિશની શરૂઆત આમ તો ૧૭મી સદીમાં ઉપનિવેશવાદ દરમિયાન જ થઈ ગઈ હતી. પરંતુ, તેનું વિસ્તૃત સ્વરૂપ હવે સામે આવી રહ્યું છે. ઘણી ટીવી ચેનલો અને ફિલ્મોમાં તેનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. હકીકતે અંગ્રેજી બોલતા ઘણાં દેશોમાં ઘણાં હિંદી શબ્દો પ્રચલિત છે. દુનિયામાં જાણીતી પાયજામો અને શેમ્પૂ જેવા શબ્દોની શરૂઆત ભારતમાં જ થઈ હોવાનું મનાય છે.


comments powered by Disqus