લંડનઃ પ્રિન્સ ચાર્લ્સે ભારતીય મૂળના ઉદ્યોગપતિ સંજીવ ગુપ્તાને બ્રિટનમાં વિદ્યાર્થીઓને સ્ટીલ ઉદ્યોગની તાલિમ આપતી સરકારી સંસ્થામાં સ્કીલ એમ્બેસેડર તરીકે નિમણુંક કરી હતી. આ સંસ્થા વિદ્યાર્થીઓમાં ઉત્પાદકતાના કૌશલ્યનો વિકાસ કરે છે અને સ્ટીલ ઉદ્યોગમાં કયા પ્રકારે સ્થાન જમાવી શકાય તેની આવડત કેળવવામાં મદદરૂપ થાય છે.
સંજીવ ગુપ્તા પણ બ્રિટનમાં સ્ટીલ સેક્ટરના અગ્રણી ઉદ્યોગપતિ ગણાય છે. તાજેતરમાં યોજાયેલા ઔદ્યોગિક તાલિમાર્થીઓને એવોર્ડ વિતરણના કાર્યક્રમમાં પ્રિન્સ ચાર્લ્સે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંજીવ ગુપ્તા હકીકતમાં તેમની કલ્પના અને વિચારોને મૂર્તિમંત કરવામાં ખૂબ સફળ રહ્યા છે અને આપણા દેશના ભારે ઉદ્યોગોને ટકાઉ આધુનિકરણ અને ઉત્પાદકતામાં ઉપયોગી બની રહયા છે. તેઓ તેમના જી.એફ.જી. એલાયન્સ મારફતે સંપૂર્ણ સહૃદયતાથી આ ઔદ્યોગિક ક્ષેત્રે અભ્યાસ કરતા યુવાનો સાથે પણ જોડાયેલા રહે છે.
બ્રિટન સ્થિત જી.એફ.જી એલાયન્સના વડા તરીકે ગુપ્તાએ ગત કેટલાક મહિનામાં સેંકડો વ્યવસાયોનું સર્જન અને અનેક લોકોને રોજગારી મળે તેવી કાર્યવાહી કરી હતી. યુ.કે.માં હાલ ૧૫૦૦૦ વિદ્યાર્થીઓ ઔદ્યોગિક તાલીમ લઈ રહ્યા છે તે સંસ્થાના એમ્બેસેડર પદે ગુપ્તાને નીમવામાં આવ્યા છે. તેમની સંસ્થા જી.એફ.જીના પ્રતિનિધિઓ બ્રિટનની ૨૬ ટ્રેનિંગસ્કૂલ મારફત એન્જિનિયરિંગ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સાથે રહીને આ વિદ્યાર્થીઓને તાલીમ આપે છે.

