લંડનઃ બ્રિટન દુનિયાનો પહેલો એવો દેશ બનશે જે લોકોના ભોજનમાં કેલરી ઓછી કરવા માટે રાષ્ટ્રીય સ્તરે અભિયાન હાથ ધરશે. હેલ્થ એન્ડ સોશિયલ કેર ડિપાર્ટમેન્ટ લોકોમાં વધતી સ્થૂળતાથી ખૂબ ચિંતિત છે. તેથી ડિપાર્ટમેન્ટે ૨૦૨૪ સુધીમાં દરેક ફૂડ પ્રોડક્ટમાં કેલરીનું પ્રમાણ ૨૦ ટકા ઓછું કરવા ફૂડ સેક્ટરને અનુરોધ કર્યો હતો. જે લોકો સ્થૂળતાનો શિકાર છે તેમને પણ દૈનિક કેલરીના પ્રમાણમાં ૫ ગણા સુધીનો ઘટાડો કરવાની સલાહ અપાઇ છે.
ફૂડ કંપનીઓએ તે માટે આ વર્ષથી જ પ્રક્રિયા શરૂ કરવી પડશે અને ધીમે-ધીમે કરીને ૨૦ ટકા ઓછી કેલરીનું લક્ષ્ય પ્રાપ્ત કરવું પડશે. દેશના લોકોને પણ ભોજનમાં કેલેરીના પ્રમાણ પર ચાંપતી નજર રાખવા અપીલ કરાઇ હતી. જેમનો બૉડી માસ ઇન્ડેક્સ (લંબાઇ અને વજનનો ગુણોત્તર) વધુ છે તેમને કેલેરીનું પ્રમાણ પાંચ ગણું ઓછું કરવાની સલાહ અપાઈ છે.
બ્રિટનના હેલ્થ ડિપાર્ટમેન્ટે લોકોમાં વધતી સ્થૂળતાનો અભ્યાસ કરીને 'કેલેરી રિડક્શન' રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેના તારણોના પગલે વધુ રાષ્ટ્રીય સ્તરે કેલેરી વિરુદ્ધ અભિયાનનો નિર્ણય લેવાયો હતો.
આ રિપોર્ટ મુજબ બ્રિટનમાં દરેક મહિલા સરેરાશ ૨૯૦ અને દરેક પુરુષ સરેરાશ ૫૦૦ કેલેરી વધુ લે છે, જે સ્થૂળતા વધવા પાછળનું મોટું કારણ છે. બાળકો પણ સ્થૂળતાનો ભોગ બન્યા છે. પહેલા ધોરણમાં ભણતું દર પાંચમાંથી એક બ્રિટિશ બાળક સ્થૂળતાનો શિકાર છે. બ્રિટનમાં ૪૦ ટકાથી વધુ લોકો સ્થૂળતાનો શિકાર છે. સ્થૂળતાને લીધે દેશમાં દર વર્ષે ૩૫ હજારથી વધુ લોકો અકાળે મોતને ભેટે છે. સ્થૂળતા અને તેના કારણે થતી ડાયાબિટીસ જેવી બીમારી પાછળ બ્રિટનનું હેલ્થ સેક્ટર દર વર્ષે ૮૨ હજાર કરોડ રૂપિયા ખર્ચે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ ૪૦ વર્ષમાં દુનિયામાં સ્થૂળતાનો ભોગ બનેલા લોકોની સંખ્યામાં ત્રણ ગણાથી વધુનો વધારો નોંધાયો હતો.
હેલ્થ એન્ડ સોશિયલ કેર ડિપાર્ટમેન્ટે લોકોના ભોજનમાંથી વધારાની કેલેરી ઓછી કરવા માટે ૬૦૦-૪૦૦-૪૦૦ નો નવો નિયમ પણ બનાવ્યો છે. તેનો અર્થ છે કે ૧૮ વર્ષથી વધુની દરેક વ્યક્તિએ નાસ્તામાં મહત્તમ ૬૦૦ કેલરી, લંચમાં મહત્તમ ૪૦૦ કેલરી અને ડિનરમાં પણ ૪૦૦ કેલરી લેવી જોઈએ. ડિપાર્ટમેન્ટનું માનવું છે કે આ નિયમનું પાલન કરવાથી સ્થૂળતાની સમસ્યા ઘટશે.

