વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા રવિવારે બ્રિટનમાં માતૃદિનનો પાવક અવસર ઉજવાયો. આગામી મહિનાઓમાં પિતૃદિનની પણ ઉજવણી થશે. આવા દિવસોએ માતા-પિતાનું સ્મરણ કરવું. શક્ય હોય ત્યાં તેમને રૂબરૂ મળવું કે અન્ય રીતે સંપર્ક સાધવો તેમાં સંબંધ છે. સન્માનભાવ છે. પ્રેમ અને સમર્પણ પણ છે. માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ સૂત્ર આપણા સંસ્કારનો અમર વારસો છે. સમય-સંજોગ અનુસાર જો તેમને રૂબરૂ ન મળી શકાય તો ફોન કે - આજના જમાનાના અનિવાર્ય એવા - આઇપેડ કે કમ્પ્યુટર જેવા આધુનિક ઉપકરણો થકી વાત થઇ શકે કે પછી પુષ્પગુચ્છ મોકલીને હૃદયના ભાવ પ્રકટ કરી શકાય તો પણ એમાં કંઇ અજૂગતું નથી. આમાં તો સમજણનો સવાલ છે. જૂઓને આપ સહુને મારી જ વિગતે વાત કરું...
સર્વશ્રી વિનુભાઇ, પંકજભાઇ, રમણભાઇ, સુશીલામાસી, વિમળાબહેન, બકુબહેન મારા આત્મીયજનો છે. આ અને એવા સ્વજનોને મળવા જવાનું મને મન તો બહુ થાય છે પણ મેળ જ નથી પડતો, તેથી ફોન પર વાત કરીને સંતોષ માની લઉં છું. સામાન્ય સંજોગોમાં કોઇ સ્વજનને વળી માઠું પણ લાગી જાય કે તમે એવા તે કેવા બિઝી કે અમને મળવા થોડોક સમય પણ ફાળવી શકતા નથી? પરંતુ આ લોકોની વાત અલગ છે. આ સ્વજનો એવા દિલદાર કહો તો દિલદાર અને ઉદારમના કહો તો ઉદારમના છે કે સામેથી મને કહે છે કે સી.બી., તમે ભાગંભાગી ન કરતા... હવે તમારી પણ ઉંમર પણ થઇ છે (લ્યો બોલો... બીજા કોઇ મને ઉંમર યાદ કરાવે કે નહીં, પણ આ લોકો કરાવી દે છે!)... બસ, તમે અમારા માટે પ્રાર્થના કરતા રહેજો, તમારી પ્રાર્થના અમને બહુ ફળતી હોય તેવું લાગે છે.
ખેર, ઇશ્વરેચ્છા બલિયસી... બીજું તો આપણે શું કહી શકીએ? આપણા સમાજમાં ઘણા લોકો એવા હશે કે જેઓ કોઇને કોઇ કારણસર નાનીમોટી આધિવ્યાધિ ભોગવતા હોય છે. આપણે તેમને મળવા જવાની અંતઃકરણપૂર્વક ઇચ્છા પણ ધરાવતા હોઇએ છીએ, પરંતુ કોઇને કોઇ કારણસર આવું શક્ય બનતું નથી ત્યારે મન ગુનાહિતપણાની લાગણી અનુભવે છે. જોકે સ્વજનોને ભલે રૂબરૂ ન મળી શકાય, પણ હું તો માનું છું કે એક ફોન કરીને, પુષ્પગુચ્છ પાઠવીને કે તેમના માટે પ્રાર્થના કરીને પણ પ્રેમ પ્રકટ કરી જ શકાય છે.
દાસત્વ એ મહાગુણ
આ જ કોલમમાં રજૂ થયેલો ખ્રિસ્તી ધર્મગુરુ પોપનો ફોટોગ્રાફ જોયો? કેથોલિક સંપ્રદાયના સર્વોચ્ચ વડા એક અદના આદમીના પગ ધોઇ રહ્યા છે. ફોટોગ્રાફ ભલે જૂનો હોય, પરંતુ ફોટો જોતાં સ્પષ્ટ જણાય છે તેમ તેઓ કોઇ શ્રમિકના ગંદા-ગોબરા પગ ધોઇ રહ્યા છે. નામદાર પોપ દર વર્ષે ઇસ્ટર પર્વે આ વિધિ કરે છે. જેમનો પડ્યો બોલ ઝીલવા સેંકડો કે હજારો નહીં, દુનિયાભરમાં વસેલાં કરોડો કેથોલિક સદૈવ તત્પર હોય છે તેવા નામદાર પોપની આ ચેષ્ટા કે વર્તન આપણા સહુ માટે પ્રેરણાદાયક તો ખરું જ...
કોઇ પણ વ્યક્તિ ક્યારેય એવો દાવો ન કરી શકે કે એવું ધારી પણ ન શકે કે દુનિયામાં સૌથી વધુ પીડા, દુઃખ, દર્દ કે ઉપાધિના પોટલાં તેના માથે જ ખડકાયા છે. આસપાસ નજર કરશો તો જણાશે કે બીજાં આપણાં કરતાં અનેકગણાં દુઃખ, દર્દ, પીડા ભોગવી રહ્યાં છે. બીજા શબ્દોમાં આનો મતલબ એવો થયો કે અન્ય લોકો કરતાં આપણે કંઇક અંશે વધુ સુખદાયક સ્થિતિમાં છીએ. આ માટે આપણે પરમાત્માનો પાડ માનીએ અને જેમને જરૂર છે તેમના પ્રત્યે વધુ અનુકંપા, હમદર્દી દાખવીએ તો કદાચ જીવન વધુ સાર્થક ગણાય. નામદાર પોપની તસવીરમાં આ જ પ્રતીકાત્મક સંદેશ છૂપાયેલો છેઃ હંમેશા દુખિયારાના આંસુ લૂંછવા પ્રયત્નશીલ રહો.
કાંટાથી કાંટો કઢાય
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ‘આગવી પ્રતિભા’ જ ધરાવે છેને?! અમેરિકા જેવી મહાસત્તાના સર્વોચ્ચ સ્થાને બિરાજતા હોવા છતાં તેમના હાવભાવ કે બોલચાલની લઢણ જ કંઇક એવી વિચિત્ર છે કે તમે ઇચ્છો નહીં તો પણ અકળામણ ન થાય તો પણ અણગમો તો ઉપજે જ.
વિશ્વની સૌથી શક્તિશાળી સરકારના વડા હોવા છતાં - પોતાનો માનમોભો ભૂલીને - છાશવારે એવા વિવાદાસ્પદ નિવેદનો કરતાં રહે છે કે તેમની રાજદ્વારી સમજશક્તિ માટે શંકા ન જાય તો જ નવાઇ. પહેલાં આખી દુનિયાના છાપે ચઢે તેવું નિવેદન કરે... અને પછી તેનાથી ઉલ્ટું જ વર્તન કરે. લોકો તો શું રાજદ્વારી બાબતોના નિષ્ણાતોને માથું ખંજવાળી ખંજવાળીને ટાલ પડી ગઇ છે કે આ માણસ કહે છે શું અને કરે છે શું? જોકે કેટલાક લોકો હોય છે જ એવા, તમે તેમની મથરાવટીનો તાગ જ ન મેળવી શકો. અમેરિકામાં ટ્રમ્પનું વ્યક્તિત્વ કંઇક આવું જ છે તો નોર્થ કોરિયામાં તાનાશાહ કિમ જોંગ ઉન પણ ઓછા ઉતરે તેવા નથી.
બન્ને એકબીજાનું માથું ભાંગે એવા છે - વાણી-વર્તન-ભાષા દરેક વાતે. ટ્રમ્પે કીમ સામે તો દેખાવમાં ગુબ્બારા જેવા કીમે ટ્રમ્પ સામે વિષ-વમન કરવામાં કંઇ બાકી નથી રાખ્યું, પણ હવે બન્ને નેતાઓ વચ્ચે મુલાકાત યોજાય તેવો અકલ્પ્ય માહોલ આકાર લઇ રહ્યો હોવાના અહેવાલ છે. કીમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઇ રહી છે. આ માની શકાય?
કોઇ વાચક મિત્રને ટ્રમ્પ-કીમની તુંતું-મૈંમૈં માટે મારો વિષ-વમન શબ્દપ્રયોગ વધુ આકરો લાગતો હોય તો જૂઓ તેમના નિવેદનના અંશોઃ
• ૨૯ એપ્રિલ ૨૦૧૭ના રોજ ટ્રમ્પે કહ્યું હતુંઃ એક પાગલને આપણે અણુશસ્ત્રો સાથે જતો કરી શકીએ નહીં...
• ઓગસ્ટ ૮ના ટ્રમ્પ ઉવાચઃ દુનિયાએ ક્યારેય જોયા ન હોય તેવા અગનગોળા (ઉત્તર કોરિયા પર) વરસાવશું...
• ૧૯ સપ્ટેમ્બરે યુએનમાં સંબોધન કરતાં ટ્રમ્પ બોલ્યાઃ રોકેટમેન આત્મઘાતી મિશન પર નીકળ્યો છે...
• આના જવાબમાં કીમે ૨૧ સપ્ટેમ્બરે કહ્યુંઃ હું આ માથાફરેલા અમેરિકનને અચૂકપણે તબાહ કરી નાખીશ.
• ૧૦ ઓગસ્ટે કીમે કહ્યુંઃ આવા માણસ સાથે ફળદાયી સંવાદ શક્ય જ નથી.
• કીમે નૂતન વર્ષના પ્રવચનમાં કહ્યુંઃ આખું અમેરિકા અમારા અણુશસ્ત્રોની રેન્જમાં છે, અને ન્યૂક્લિયર બટન હંમેશા મારા ટેબલ પર જ હોય છે.
• જવાબમાં ત્રીજી જાન્યુઆરીએ ટ્રમ્પે કહ્યું હતુંઃ મારી પાસે પણ ન્યૂક્લિયર બટન છે, પણ તે ઘણું મોટું અને વધુ શક્તિશાળી છે, અને મારું બટન તો કામ પણ કરે છે!
વાચક મિત્રો, જોયુંને? આ બન્ને નેતાઓનાં ઝેરીલાં નિવેદનો અને તેના લેખાંજોખાં કરતાં તો એમ જ લાગે છે કે આવા દુનિયામાં નઠારા માણસો જ કદાચ વધુ સિદ્ધિ મેળવવામાં કામિયાબ બનતાં હોય છે!!!
ખેર, આખરે તો કોઇ પણ સમસ્યા કે પ્રશ્નનું સમાધાન મંત્રણા કે વાટાઘાટ થકી જ શક્ય છે. અને બન્ને નેતાઓને આ વાત સમજાઇ છે તે જ અગત્યનું છે. બન્ને નેતાઓ બેઠક યોજે, મંત્રણા કરે તેમાં જ વિશ્વનું ભલું છે. વેરઝેર શમતા હોય તો ટ્રમ્પ-ઉનની મુલાકાતથી રુડું શું? ઉત્તર કોરિયા અને અમેરિકાના સ્ફોટક સંબંધો સરવાળે આખી દુનિયાને ભારે પડે તેમ છે. બે ‘માથાફરેલ આખલા’ની લડાઇમાં આખરે ખો તો વૈશ્વિક શાંતિનો જ નીકળવાનો ખતરો છે.
પાકિસ્તાનમાં પરિવર્તનનો પવન - ભલે આછોપાતળો
પાકિસ્તાનના સત્તાધીશો ભલે ભારતવિરોધી કાવાદાવ કરવામાં કોઇ કસર છોડતાં ન હોય, પરંતુ પાકિસ્તાની નાગરિકો તો અંતે આપણા સહોદર જ કહેવાય ને? સીતેર વર્ષ પૂર્વે આપણે એક જ દેશના વતની હતા.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO - ‘હૂ’)ના આંકડાઓ અનુસાર પાકિસ્તાનમાં ગર્ભાધાન કરતી મહિલાઓની કૂખે સરેરાશ ૭.૮ બાળક જન્મે છે. જોકે આમાંના અડધોઅડધ બાળકો બે વર્ષ કે તેનાથી નાની વયમાં જ અવસાન પામે છે તે વાત અલગ છે. પાકિસ્તાનમાં એક વેળા ધર્માંધતા એટલી હદે કઢંગી બની હતી કે ગર્ભવતી સ્ત્રીઓ કે તેના નવજાત શીશુઓના સ્વાસ્થ્યના જતન-સંવર્ધન માટે આવશ્યક એવું વેક્સીનેશન (રસીકરણ) કરાવવાનું જ લોકો ટાળતા હતા. હવે ધીરે ધીરે લોકો તેનું મહત્ત્વ સ્વીકારતા થયા હોય તેવું લાગે છે.
‘હૂ’નો અહેવાલ જણાવે છે કે એક બાજુ પાકિસ્તાનમાં બાળમરણનું પ્રમાણ ઘટી રહ્યું છે. ત્યારે સાથે સાથે જ રૂઢિચુસ્ત મુસ્લિમ સમાજ હોવા છતાં ગરીબમાં ગરીબ પરિવારમાં પણ ચારથી પાંચ સંતાન બસ એવી મનોવૃત્તિ પ્રસરી રહી છે. જોકે આમ છતાં પણ પાકિસ્તાન સહિત બીજા કેટલાય મુસ્લિમ દેશોમાં ઝડપભેર વસ્તીવધારો થઇ રહ્યો છે તેના માઠા પરિણામ સ્પષ્ટ જોઇ શકાય છે.
પાકિસ્તાનમાં નવાઝ શરીફે વડા પ્રધાન પદેથી વિદાય લીધા પછી શાહીદ અબ્બાસી નામના વડા પ્રધાને શાસનધુરા સંભાળી છે. આમાં પણ જ્યારથી અમેરિકાએ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને ૩ મહિનામાં જ આર્થિક મદદ ઘટાડવાનું એલાન કર્યું છે ત્યારથી પાકિસ્તાની સુરક્ષા દળોએ જાણે આતંકવાદ સામે ઝુંબેશ ચલાવી છે. એક આંકડા પ્રમાણે પાકિસ્તાની સુરક્ષા દળોએ છેલ્લા મહિનામાં ૮૦૦ ખૂંખાર આતંકવાદીઓને ઠાર માર્યા છે.
કંગાલિયતનો સામનો કરી રહેલા પાકિસ્તાનના સત્તાધિશો કોઇ પણ પ્રકારે આર્થિક સહાય હાંસલ કરવા માટે ઝાવાં મારી રહ્યા છે. તે અમેરિકા અને ચીન બન્ને પાસેથી આર્થિક મદદ મેળવવા પ્રયત્નશીલ છે - જેણે માગવા માટે હાથ જ લાંબો કરવાનો હોય તેણે શું વિચારવાનું હોય?
ખેર, અમેરિકાને તો વર્ષોપછી સાન આવી છે તેથી આતંકવાદના અજગરને દૂધ પાઇ રહેલા પાકિસ્તાનની આર્થિક સહાય પર કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ચીનની વાત અલગ છે. તે પાકિસ્તાનને મદદ કરવા તત્પર હોવાના બે મુખ્ય કારણ છે. એક તો તેની પાસે મૂડીરોકાણ માટે અઢળક નાણાં ફાજલ છે, અને બીજું તે જાણે છે કે પાકિસ્તાન ભારતનું કટ્ટર વિરોધી છે. ચીન જાણે છે કે પાકિસ્તાનને પોતાની પાંખમાં લઇને બહુ સરળતાથી ભારતવિરોધી મોરચો માંડી શકાય તેમ છે.
આથી જ તેણે પાકિસ્તાની શાસકોના સહયોગથી તેની જ ધરતી પર મહત્ત્વાકાંક્ષી ઓબીઓઆર (વન બેલ્ટ, વન રોડ) કોરિડોર યોજના હાથ ધરી છે. ચીને દેખાવ તો એવો કર્યો છે કે આ પ્રોજેક્ટ પાકિસ્તાનના વિકાસ માટે ઉપકારક છે, અને તે આમાં ૬૦ બિલિયન ડોલરનું રોકાણ કરવા ધારે છે. જોકે સાચી વાત એ છે કે આ પ્રોજેક્ટથી પાકિસ્તાન કરતાં ચીનને વધુ લાભ છે. પ્રોજેક્ટના ભાગરૂપે ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદરથી શરૂ કરીને બલુચિસ્તાન થઇને છેક પોતાની સરહદ સુધી રસ્તાનું નિર્માણ કરી રહ્યું છે. એટલું જ નહીં, અહીં તે વીજમથકો પણ સ્થાપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચીને જ્યાં આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય હાથ ધર્યું છે તે વિસ્તાર પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરનો એક મહત્ત્વનો હિસ્સો પણ છે. મતલબ કે સમગ્ર વિસ્તાર ભારત સાથે જોડાયેલો છે.
પાકિસ્તાનની પ્રજા અત્યાર સુધી તો ચીનના આર્થિક સમર્થનથી રાજી રાજી હતી, પરંતુ હવે તેમને ચિંતા પેઠી છે. હવે પાકિસ્તાનમાં તે મુદ્દે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ચીન પાકિસ્તાનને જે કંઇ અઢળક આર્થિક સહાય આપી રહ્યું છે તેના બદલામાં ઊંચા દરે વ્યાજ વસૂલ કરી રહ્યું છે. આનાથી તો સરવાળે પાકિસ્તાન દેવાના ડુંગર તળે દટાતું જશે અને ચીન આર્થિક તંદુરસ્તી વધતી જશે. ચીનની આર્થિક સહાયથી સમયાંતરે પાકિસ્તાન પાયમાલ થઇ જશે તેવું માનનારાઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. જોકે પાકિસ્તાન અને ચીનની સાંઠગાંઠ એટલી ઊંડી અને ઘનિષ્ઠ છે કે ભારતે ‘જાગતે રહો’નું જે સૂત્ર અમલી બનાવ્યું છે તેનો અમલ વધુ ચુસ્તતાથી કરવો પડશે.
ઉતાવળા સો બહાવરા
સાઉદી અરેબિયાના પાટવી કુંવર અને સાચા અર્થમાં સર્વ સત્તાધીશ મોહમ્મદ બિન સલમાન ત્રણ દિવસનો બ્રિટનપ્રવાસ પૂરો કરીને વાજતેગાજતે સ્વદેશ પરત ફર્યા. મિત્રો, સાચ્ચે જ બ્રિટિશ મુત્સદ્દીગીરીને કોઇ ન પહોંચે... નામદાર મહારાણીએ ક્રાઉન પ્રિન્સનાં ભરપૂર અછોવાનાં કર્યા. લંચમાં પણ તેડાવ્યા અને શાહી ડીનર પણ યોજ્યું. લાલો લાભ વગર ન લોટે. બ્રિટિશ શાસકો ભલે આ ગુજરાતી કહેવત જાણતા ન હોય, પણ તેમણે અમલ કરી જાણ્યો. નામદાર મહારાણીએ ક્રાઉન પ્રિન્સની સરભરા કરીને પાંચ બિલિયન પાઉન્ડના જેટ વિમાનની ખરીદીનો સોદો લગભગ નક્કી કરી નાંખ્યો છે.
એક સમયે સાઉદી અરેબિયાના અર્થતંત્રનો વહીવટ એક ખાનગી પેઢીની જેમ રાજપરિવારની જરૂરત અને મુનસુફીને કેન્દ્રમાં રાખીને થતો હતો, પરંતુ મોહમ્મદ બિન સલમાન દેશના શાસન સંદર્ભે દૂરંદેશીભર્યો અભિગમ ધરાવે છે. તેમણે દુબઇની જેમ સાઉદી અરેબિયામાં પણ વૈશ્વિક મૂડીરોકાણ આકર્ષવા શ્રેણીબદ્ધ પગલાં લેવાનું શરૂ કર્યું છે. જોકે તેમના પ્રયાસો કેટલા સફળ થાય છે તે જોવું રહ્યું.
ક્રાઉન પ્રિન્સ સલમાનના સ્તુત્ય પ્રયાસો છતાં તેની સફળતા સામે સવાલ ઉઠાવવાનું કારણ છે દેશમાં પ્રવર્તતો કટ્ટરવાદ. દેશમાં આઠ દસકાથી કટ્ટરપંથી વહાબી મુસ્લિમ સમુદાયે પગદંડો જમાવ્યો છે. છેક ૧૯૩૦થી આ દેશમાં ઇસ્લામનો આક્રમક, ચુસ્ત, અસહિષ્ણુ ગણાય તેવો વહાબી પંથ ભારે વર્ચસ્વ ધરાવે છે. ખેર, યુવા શાસક સામા પ્રવાહે તરવા માટે આતુર તો જણાય છે, પરંતુ દેશમાં વૈશ્વિક મૂડીરોકાણ આડે અવરોધક બની રહેલા કટ્ટરવાદી તત્વો સામે તેઓ ક્યાં સુધી ઝીંક ઝીલી શકે છે તે જોવું રહ્યું.
વનુભાઇ જીવરાજની વિદાય
૨૧ ફેબ્રુઆરીના રોજ લેસ્ટરમાં વનુભાઇ જીવરાજ સોમૈયાએ ચિરવિદાય લીધી. ૪૦ વર્ષથી તેમની સાથે મારે નિકટનો સંબંધ. તેમના પત્ની શ્રીમતી મંજુલાબહેન તો મારા રાખીબહેન. વનુભાઇનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૨૯ના રોજ યુગાન્ડાના મસાકામાં થયો હતો. જ્યારે મંજુલાબહેન દક્ષિણ ગુજરાતના વલસાડ નજીક ધરમપુરમાં જન્મેલાં અને - મારી યાદદાસ્તને સમયનો કાટ ન લાગ્યો હોય તો - ૧૯૫૭માં વનુભાઇ સાથે લગ્ન કર્યા બાદ પહેલાં પૂર્વ આફ્રિકામાં, અને પછી બ્રિટનમાં આવી વસ્યાં.
વનુભાઇ મોટા ગજાના પત્રકાર હતા, લેખક હતા. તેમની મોટી કઠણાઇ એ હતી કે બાળપણમાં મેનેન્જીટાઇસની બીમારીનો ભોગ બનતાં શ્રવણશક્તિ ગુમાવી દીધી હતી. વાતચીત કરી શકે, પણ સાંભળી શકે નહીં.
શરૂઆતથી જ તેમને વિવિધ વર્ગના લોકોને મળવામાં, સમજવામાં, જાણવામાં, તેમના વિશે લખવામાં બહુ રસ. યુગાન્ડામાં વસવાટ દરમિયાન ૧૯૭૨માં વનુભાઇએ ભારે મોટું સાહસ ખેડ્યું હતું. તેમણે પ્રિન્ટીંગ બિઝનેસ શરૂ કરવા અદ્યતન મશીનરી વસાવી. અખબાર શરૂ કરવાની તૈયારીમાં જ હતું કે સરમુખત્યાર ઇદી અમીનનું એશિયનોની હકાલપટ્ટીનું ફરમાન આવી પડ્યું.
વનુભાઇ અને મંજુલાબહેને ઘરબાર-માલમિલકત વગેરે બધું મૂકીને દેશ છોડવો પડ્યો. પરિવાર સાથે કેન્ટના રેફ્યુજી કેમ્પમાં આવીને વસ્યાં. આ પછી સ્ટ્રોક ઓન ટ્રેન્ટમાં વસવાટ શરૂ કર્યો અને ‘નવબ્રિટન’ નામથી માસિકનું પ્રકાશન શરૂ કર્યું. આ સામયિકના પ્રારંભથી માંડીને તેના સંચાલનમાં મંજુલાબહેનનો સિંહફાળો હતો. સમયાંતરે તેઓ લેસ્ટરમાં આવીને વસ્યાં. અહીં લેસ્ટર લોહાણા કોમ્યુનિટી તરફથી શરૂ થયેલા પ્રકાશન ‘લોહાણા સંદેશ’માં પણ વનુભાઇ અને મંજુલાબહેનનું પ્રશંસનીય યોગદાન રહ્યું. મારા અનુભવે સીધાસાદા, અત્યંત નિષ્ઠાવાન એવા વનુભાઇની વિદાયથી આપણા સમાજને ન પૂરાય તેવી ખોટ વર્તાશે. તેઓ તેમની પાછળ ત્રણ દીકરા અને એક દીકરીનો બહોળો પરિવાર મૂકતા ગયા છે. આવા દિવ્યાંગે જીવનસાથીના સહયોગથી પરિવારથી માંડીને સામાજિક વિકાસ માટે જે યોગદાન આપ્યું છે તે ચિરસ્મરણીય બની રહેશે તેમાં બેમત નથી. પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને ચીર શાંતિ અર્પે તેવી પ્રાર્થના સહ. ૐ શાંતિ... શાંતિ... શાંતિ... (ક્રમશઃ)

