લંડનમાં આતંકી હુમલા માટે ‘બાળ સેના’ને તાલીમ આપવાના ગુનામાં આતંકી દોષી

Wednesday 14th March 2018 07:33 EDT
 
 

લંડનઃ આઈએસના ૨૫ વર્ષીય આતંકવાદી ઉમર એહમદ હક્કે લંડનમાં ટાવર બ્રીજ અને બીગ બેન સહિતના સ્થળો પર આતંકી હુમલાના આયોજન માટે ૧૧થી ૧૪ વચ્ચેની વયના ૧૧૦ બાળકોને કથિત રીતે ઉદ્દામવાદી બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનું મનાય છે. હકને આતંકી હુમલા માટે ‘બાળ સેના’ ને તાલીમ આપવાનો દોષી ઠેરવાયો હતો. હક્ક તેમજ અન્ય શિક્ષક ૧૯ વર્ષીય અબૂતહાહર મમુમને આતંકી કૃત્યોની તૈયારી બદલ દોષી ઠેરવાયા હતા. મમુમ જુગાર દ્વારા હુમલા માટે નાણાં એકઠા કરતો હતો.

પોલીસને જાણ ન કરવા બદલ દોષી ઠરેલા ૨૭ વર્ષીય મુહમ્મદ આબીદને જેલ થવાની શક્યતા છે. હક સાથે મળીને કાવતરું ઘડવાના ગુનામાં ૨૬ વર્ષીય નદીમ પટેલને દોષમુક્ત ઠેરવાયો હતો. પરંતુ, અગાઉ તેણે પોતાની પાસે ગન હોવાનું કબૂલ્યું હતું. તેને ૧૬ મહિનાની કેદ થઈ હતી જ્યારે અન્યોને સજા સંભળાવવાની બાકી છે.

હક્ક ઈસ્ટ લંડનના બાર્કિંગમાં રીપલ રોડ પરની મસ્જિદમાં ઈવનીંગ ક્લાસમાં ભણાવતો હતો. તેમાં હકે ખાનગીમાં બાળકોને ધડથી માથું અલગ કરતા વીડિયો દર્શાવીને તેમજ આતંકવાદ વિશે વાતોના માધ્યમથી તાલીમ આપી હોવાનું મનાય છે.

ચેરિટી કમિશને લંડન બ્રીજ આતંકી હુમલાનો ૨૭ વર્ષીય રીંગલીડર ખુરમ બટ્ટ જે મસ્જિદોમાં ઈબાદત કરવા જતો હતો તે તમામ મસ્જિદોમાં તપાસનો આદેશ આપ્યો હતો.હકક મસ્જિદના તેમજ તે એડમિનિસ્ટ્રેટર તરીકે ઈસ્ટ લંડનની જે સ્કૂલમાં કામ કરતો હતો ત્યાં ૨૫૦થી વધુ બાળકોના સંપર્કમાં હતો.

મેટ્રોપોલિટન પોલીસના હેડ ઓફ કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડર ડીન હેડને જણાવ્યું હતું કે તેની (ઉમર એહમદ હક) યોજના લંડનમાં સંખ્યાબંધ આતંકી હુમલામાં મદદરૂપ થાય તે માટે ‘બાળ સેના’ ઉભી કરવાનું હતું.


comments powered by Disqus