લંડનઃ લેબર શેડો કાઉન્સીલર મેક ડનેલે ઝડપથી વિકાસ કરી રહેલા ભારત સાથે મજબૂત આર્થિક સંબંધો ઘડવાની દિશામાં પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ચેથમ હાઉસ ખાતે ઈન્ડિયન પ્રોફેશનલ ફોરમ દ્વારા આયોજિત ‘બ્રેક્ઝિટ પછી યુકે અને ભારત – બિઝનેસ અને ઈનોવેશનનું ચિત્ર’ કાર્યક્રમને તેઓ સંબોધન કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં બ્રેક્ઝિટના સંદર્ભમાં યુકે-ભારતની ભવિષ્યની ભાગીદારીનું ચિત્ર અને દેશમાં ટેક્નોલોજીકલ ઈનોવેશન અને રોકાણની ગતિ વધારવા પર વિશેષ ભાર મૂકાયો હતો.
મેક ડનેલે જણાવ્યું હતું કે લેબર પાર્ટીને લાંબા સમયથી એટલે કે ગઈ શતાબ્દિની શરૂઆતમાં પક્ષની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી ભારત સાથે ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધ છે. છેલ્લા થોડા વર્ષમાં ઈયુ-ભારત વેપાર કરારની વાટાઘાટો પડી ભાંગી ત્યારથી બ્રિટન અને ભારત બન્ને પાસે નવા મુક્ત વેપાર કરાર પર સંમતિ સાધવા માટે મહત્ત્વની તક છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચેના આર્થિક સંબધો મજબૂત બનાવવા માટે બ્રિટને ભારતને શેની જરૂર છે તે પણ જોવું જોઈએ. તેનો અર્થ એવો કે ભારતથી અહીં ભણવા આવતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ ચાલુ રાખવો જોઈએ નહીં. સામાન્ય રીતે કહીએ તો માઈગ્રન્ટસની નિશ્ચિત સંખ્યાનું લક્ષ્ય રાખવાની સરકારની નીતિ સાથે અમે સહેજ પણ સંમત નથી. એક લક્ષ્ય નક્કી કરવું અને પછી આર્થિક અસર માટે ચિંતા કરવી તેમાં કોઈ તર્ક નથી.
તેમના ચાવીરૂપ વક્તવ્ય પછી ચેથમ હાઉસના એશિયા પ્રોગ્રામના હેડ ડો. ચમ્પા પટેલ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફ ફંડીંગ લંડન મેગી રોડરિગ્ઝ – પીઝા, એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસના યુકે સિવિલ સ્પેસ એક્સપોર્ટ્સના વડા જેમી રીડ અને કોલ્ટ ટેક્નોલોજીના ટી એસ નારાયણન દ્વારા પેનલ ડિસ્કશન થયું હતું. બ્રેક્ઝિટને કારણે બ્રિટનના કૌશલ્યની હાલત વિશે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.
જેમી રીડે જણાવ્યું હતું, ‘ અમે વિશ્વસ્તરે પહોંચવા માટે ખૂબ મહેનત કરીએ છીએ. અમે લોકલ સપ્લાય ચેઈન્સ ઉભી કરવા માગીએ છીએ. ભારત પાસે અદભૂત કૌશલ્ય છે. આપણે સ્ટાર્ટ અપ્સ, ટેલિકોમ અને ડેટામાં ભારતીય એન્જિનિયરોને સાંકળવાની જરૂર છે. અંતરિક્ષ ક્ષેત્રમાં વિકાસ માટે ભારત સાથે કેવી રીતે સંકળાવુ તે પણ ચકાસવાનું છે.
બ્રેક્ઝિટ વિશે તેમણે કહ્યું, ‘બ્રેક્ઝિટ માટે અમને ચિંતા છે. તેના લીધે આપણા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને અસર થશે. આપણે પ્રજાના સમર્થન વિના યુકેમાં રોકાણ કરી શકીએ નહીં. ભારત જેવા દેશોને કદાચ લાભ થાય. બીજી બાજુ બ્રેક્ઝિટનો ફાયદો એ છે કે તેનાથી આપણને વૈશ્વિક સ્તરે જોવાની ફરજ પડે છે અને ભવિષ્ય માટે આપણને ભારત સારું લાગે છે.’
મેગી રોડરિગ્ઝ-પીઝાએ જણાવ્યું હતું, ‘આપણે સી સ્ટેજની ટેક કંપનીઓમાં રોકાણ કરીએ છીએ. તે લંડનમાં શું બની રહ્યું છે તેનો ચિતાર દર્શાવે છે. યુકેનું બજાર અને યુરોપિયન બજાર સુદ્ધા નાનું છે. આપણે ભારત તરફ નજર દોડાવવી જોઈએ. આ બજારોનું રુખ બદલવાનું આ કંપનીઓ માટે ખૂબ મુશ્કેલ છે. આપણને એક્સપોર્ટ સપોર્ટિંગ નેટવર્ક્સની વધુ જરૂર છે. બ્રેક્ઝિટ વિશે તેમણે કહ્યું હતું, ‘ આપણે વધુ ઉચ્ચ કૌશલ્ય પ્રાપ્ત શ્રમિકોની જરૂર છે. રેફરન્ડમ પછી યુરોપથી આવતા કુશળ શ્રમિકોમાં ભારે ઘટાડો નોંધાયો છે. લંડનમાં બેઠા બેઠા બેર્ક્ઝિટની બહુ ભારે અસર વર્તાઈ રહી છે.’
કોલ્ટ ટેક્નોલોજીના ટી એસ નારાયણને જણાવ્યું હતું, ‘ ભારત અને બ્રેક્ઝિટ પછીના બ્રિટન વચ્ચે મજબૂત પ્રતીકાત્મક સંબંધો આકાર લઈ શકે. ભારતમાં આઈડિયાની કોઈ કમી નથી પરંતુ, ભારતની ભાવિ શક્તિને સાકાર કરવા માટે ભારતે ૧૨૦ મિલિયન લોકોને કેળવવા પડશે જે એક પડકાર છે. તેમાં પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓ કામ લાગશે નહીં. રોબોટિક્સ અને ટેક્નોલોજી મદદરૂપ થઈ શકે. તેથી ભારત સાથેના પ્રતીકાત્મક રોકાણથી બ્રિટનને મદદ થશે.ભારતમાં ટેક્નોલોજીની પરિપક્વતા નથી. તેમાં યુકે મદદ કરી શકે.’
ભારતના ડેપ્યુટી હાઈ કમિશનરે સમાપન ભાષણમાં જણાવ્યું હતું,‘ ભારત અને યુકે વચ્ચે વેપાર અટકી ગયો છે તે વાત સાચી છે. વિકાસ માટે અમારે બ્રિટનને બદલે અન્ય દેશો તરફ જોવું પડે છે. યુકેના એસએમઈએ પણ ભારત જવામાં મદદ કરવી જોઈએ. આપણે તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. પ્રતીકાત્મક સંબંધોમાં ભાવિ રહેલું છે. ભારતને એડવાન્સ ટેક્નોલોજીની જરૂર છે. તેમાં બ્રિટન મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.
આઈપીએફના ચેરમેન ડો. મોહન કૌલે જણાવ્યું હતું, ‘ બ્રેક્ઝિટે બ્રિટન અને ભારતને વધુ ગાઢ સંબંધ બનાવવા માટે મોટી તક આપી છે. યોગ્ય ટેક્નોલોજીકલ અને ફિનાન્સિયલ ઈકો સિસ્ટમથી યુવા એન્જિનિયરો તરફથી ઈનોવેશન, એનર્જી અને એન્ટરપ્રાઈઝને પ્રોત્સાહન મળશે.

