પેરેડાઇઝઃ કેલિફોર્નિયામાં છેલ્લા કેટલાક દિવસથી ભભૂકી રહેલા દાવાનળમાં મૃત્યુ પામેલાઓનો આંકડો સતત વધી રહ્યો છે. સ્થાનિક વહીવટી તંત્ર જંગલમાં ફરી વળેલી આ આગને સદીનો સૌથી વિનાશક દાવાનળ ગણાવતા કહે છે કે ૧૯૩૩માં ફેલાયેલી ગ્રિફીથ આગ કરતાં પણ આ ભયાનક છે. અત્યાર સુધીમાં આગનો ભોગ બનેલાઓનો આંકડો ૪૨ સુધી પહોંચી ગયો છે અને સવા બસોથી વધુ લોકો લાપતા છે.
આગના કારણે આજુબાજુના લોકો પોતાના સંતાનો અને ઘરવખરી સાથે ભાગવા માટે મજબૂર બન્યા છે. નજીકનું એક સમગ્ર શહેર ખાલી થઇ ગયું છે. અગનઝાળની ઝપટે ચઢી ગયેલા આ વિસ્તારના હજારો ઘરો ખાલી થઇ ગયાં છે. સાન ફ્રાન્સિસ્કોથી આશરે ૨૯૦ કિલોમીટર દૂર આવેલા અને આશરે ૨૭,૦૦૦ લોકોની વસતી ધરાવતા આ પેરાડાઇઝ નગરની દરેક વ્યક્તિને ઘર છોડીને સુરક્ષિત સ્થળે પહોંચી જવાનો આદેશ અપાયો છે. આગની લપેટમાં અનેક ઘરો આવી જતાં વિસ્ફોટો થવા લાગ્યા છે.
કટોકટીની જાહેરાત
દેશની ફાયર ફાઇટિંગ એજન્સીનું કહેવું છે કે આગને કારણે નોર્ધર્ન કેલિફોર્નિયામાં ૮૦થી ૯૦ ટકા મકાનને ભારે નુકસાન થયું છે. કેલિફોર્નિયાના કાર્યકારી ગવર્નર ગેવિન ન્યૂસમે ઉત્તર કેલિફોર્નિયામાં ઇમરજન્સીની જાહેરાત કરી છે. તીવ્ર પવનને કારણે આગની વિકરાળતા વધી રહી છે અને તેનાથી વેન્ચુરા કાઉંટીમાં આશરે ૧૫,૦૦૦ એકર વિસ્તારમાં ઝાડ-ઝાંખરા પણ બળી ગયા છે. આગ ઓલવવા માટે વિશાળ પાયા પર હેલિકોપ્ટર અને ફાયર ફાઇટરોનો ઉપયોગ થઇ રહ્યો છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, પેરેડાઈઝ ટાઉનમાંથી વધુ મૃતદેહો મળી આવ્યા છે. સાઉથ કેલિફોર્નિયામાં મલિબુમાં બે લોકોનાં મોત થયા છે. આગને લીધે ૭૦૦૦થી વધુ ઈમારતોને ભારે નુકશાન થયું છે અને હજી ૧૫૦૦ જેટલી ઈમારતો પર અગનજ્વાળાની ઝપટમાં આવી જવાનું જોખમ તોળાઇ રહ્યું છે.
સમગ્ર રાજયનાં અલગ અલગ વિસ્તારોમાં ૨.૫ લાખથી લોકોને આગને લીધે એમનાં ઘરબાર છોડીને સલામત સ્થળે આશરો લેવાની ફરજ પડી છે. બૂટ કન્ટ્રી શેરીફ કોરી હોનેએ પત્રકારો સાથેની વાતચીતમાં આગનો ભોગ બનેલાઓ અને લાપતા બનેલા લોકોની સંખ્યા અંગે પુષ્ટિ કરી હતી. જોકે, મૃતકોનો આંકડો હજુ પણ વધવાની આશંકા પ્રવર્તે છે.
કેવી રીતે માર્યા લોકો?
નજીકનાં જંગલ વિસ્તારથી શરૂ થયેલી આગ પેરેડાઈઝ ટાઉનમાં ફેલાઈ જતાં કેટલાક લોકોનાં મૃત્યુ થયાં હતાં. પેરેડાઈઝનાં મેયર જૂડી જોન્સે પોતાનો પરિવાર કેવી રીતે શહેર છોડીને ભાગી નીકળ્યો છૂટ્યો તે યાદ કરતાં એક ટીવી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, ‘એ ખૂબ જ ભયાવહ હતું. એમાંથી બહાર નીકળતા ઘણો સમય લાગ્યો. કારની બેઉ બાજુ આગ હતી. એની ગરમી કારની અંદર પણ અનુભવાતી હતી.’
સંગીતકાર નેઈલ યંગે તેમની વેબસાઈટ પર લખ્યું કે, હું અગાઉ પણ આગને લીધે કેલિફોર્નિયામાં મારું ઘર ગુમાવી ચૂકયો છું, અને હવે ફરી વાર એવું જ બન્યું છે.
જે લોકોને સ્થળાંતર કરવા માટે અનૂકુળતા નહોતી તેવા વૃદ્ધો અથવા તો જે લોકોએ સ્થળ છોડી દેવાનાં આદેશ છતાં ત્યાં જ રહેવાનું નક્કી કર્યું હતું તેવાં લોકો મોતના મુખમાં હોમાઇ ગયા છે.
પેરેડાઇઝ ખંડેર બન્યું
ખંડેર થઈ ગયેલા પેરેડાઈઝમાં ફોરેન્સિક એક્સપર્ટ્સે કામગીરી શરૂ કરી છે, પણ અધિકારીઓ માને છે કે મૃતદેહોને શોધી
કાઢવામાં હજી અઠવાડિયું લાગશે. શબોની ઓળખવિધિ માટે બે મોબાઈલ શબઘરને કામે લગાડવામાં આવ્યા છે. સત્તાધિકારીઓએ જણાવ્યુ હતું કે, આગને લીધે ૧.૧૧ લાખ એકરનો વિસ્તાર નાશ પામ્યો છે.
મલિબુમાં આગથી ભારે નુકસાન
થાઉઝન્ડ ઓકથી ૪૦ માઈલ સેન્ટ્રલ લોસ એન્જેલસની ઉત્તર-પશ્ચિમે વૂસલીમાં આઠ નવેમ્બરથી આગે દેખા દીધી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ આગ ૮૫ હજાર એકરમાં ફેલાઈ છે અને આશરે ૧૭૭ ઈમારતોને નુકશાન થયું છે. આગ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૭૫ હજાર લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. મલિબુ શહેરની આલીશાન ઈમારતો અને બિચ પરની સંપત્તિ આગને લીધે ખાખ થઈ ગઈ છે.
આ આગ કેમ ભયાવહ છે?
ઐતિહાસિક રીતે કેલિફોર્નિયામાં આગની મોસમ એ ઉનાળામાં શરૂ થતી હોય છે, જે શરદ ઋતુની શરૂઆત સુધી ચાલતી હોય છે પણ નિષ્ણાતો જણાવે છે કે હવે જોખમ આખું વર્ષ તોળાતું રહે છે. પર્યાવર નિષ્ણાતો કહે છે કે ભેજનું નહિવત્ પ્રમાણ, સાન્તાઆના તરફનાં પવનો અને વરસાદ વગરના મહિનાના કારણે સૂકાં થઇ ગયેલા મેદાન આગના ફેલાવા માટે જવાબદાર માનવામાં આવે છે.
રાજયની વધેલી વસ્તી પણ એક મહત્ત્વની બાબત છે. આ આંકડો ૧૯૭૦ કરતાં બે ગણો છે. વસ્તી વધારાને લીધે જોખમી જંગલ વિસ્તારમાં લોકોનો વસવાટ વધ્યો છે. આ સિવાય કલાઈમેટ ચેન્જ પણ અગત્યની બાબત છે. તાજેતરનાં વર્ષોમાં વિક્રમી તાપમાન, વહેલી વસંત અને ઓછો વરસાદ જોવા મળ્યો છે. ગરમ થઈ રહેલાં વાતાવરણની ભૂમિકા અંગે વાત કરતા ગવર્નર બ્રાઉને એજાહેર કર્યું હતું કે, આ કોઈ નવી સામાન્ય વાત નથી, આ સંપૂર્ણ અસામાન્ય છે.

