પૂ. મહંતસ્વામીની નિશ્રામાં ગોંડલમાં દિવાળીની ભવ્ય ઉજવણી

Wednesday 14th November 2018 05:39 EST
 
 

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ ભાદરા ખાતે વિચરણ કરી રહ્યા છે. અગાઉ તેઓ તા.૯ સુધી ગોંડલ હતા. તેમની નિશ્રામાં ગોંડલમાં દિવાળી પર્વની ભવ્ય ઉજવણી થઈ હતી. તા.૫ નવેમ્બરને ધનતેરસે પૂ. મહંત સ્વામીએ હરિભક્તોને સંદેશો આપ્યો હતો કે દરેકમાં દિવ્ય ભાવ શોધવો એ જ ધન છે, ધનનો ઢગલો છે. સાંધ્યસભાની થીમ હરિભક્તોને ગોંડલના દર્શનીય તેમજ પ્રાસાદિક સ્થળોનો મહિમા સમજાવવાની હતી. તા.૬ને કાળી ચૌદશે પૂ. મહંત સ્વામીએ હનુમંત પૂજા કરી હતી. સાંધ્ય સભામાં બાળદિન ઉજવાયો હતો. બાળકોએ ‘Key to Akshardham’ વિષયને કેન્દ્રસ્થાને રાખીને સંવાદ રજૂ કર્યો હતો. પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે આપણે કોઈપણ કાર્ય કરતા પહેલા વિચારવું જોઈએ. તે કાર્યથી ભગવાન કે ગુરુ રાજી થતા હોય તો જ તે કાર્ય કરવું અન્યથા તે કરવું નહીં. તા.૭ને દિવાળીએપૂ. મહંત સ્વામીએ ગોંડલના દર્શનીય સ્થળોની મુલાકાત લીધી હતી. સાંજે સમગ્ર મંદિર પરિસર દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. પૂ. મહંત સ્વામીએ જણાવ્યું હતું કે અભાવઅવગુણ લેવો એ અંધકાર છે. જ્યારે ગુણગ્રહણ એ જ અજવાળું છે. સાંજે ચોપડાપૂજન બાદ પૂ. મહંત સ્વામીએ સૌ હરિભક્તોને તન,મન અને ધનથી સુખી થાય અને ભગવાન પ્રસન્ન થાય તેવી સેવા કરી શકે તેવું જીવન બને તેવા આશીર્વાદ આપ્યા હતા. પૂ. મહંત સ્વામીએ તા.૮મીએ નૂતન વર્ષની સભામાં હરિભક્તોને આશીર્વાદ પાઠવતા કહ્યું હતું કે દુનિયામાં કોઈને શાંતિ નથી, પણ અંતર જેટલું શુદ્ધ થાય એટલી શાંતિ થાય. બેસતા વર્ષે ગોંડલ મંદિરમાં યોજાયેલા ભવ્ય અન્નકૂટ ઉત્સવમાં ભગવાન સમક્ષ વિવિધ ૮૫૧ વાનગી ધરાવવામાં આવી હતી. ૯મીએ પૂ. મહંત સ્વામી ગોંડલથી પૂ. ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય સ્થાન ભાદરા પહોંચ્યા હતા. તા.૧૦ અને ૧૧મીની સભામાં પૂ. મહંત સ્વામીએ પૂ. ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું નિરુપણ કર્યું હતું.


comments powered by Disqus