લંડનઃ હિંદુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા હાઉસ ઓફ કોમન્સમાં ૩૧ ઓક્ટોબરેને બુધવારે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાની લંડન શાખા એવા સ્વામીનારાયણ મંદિર, કિંગ્સબરી કેન્દ્રસ્થાને રહ્યું હતું. સ્વામીનારાયણ મંદિર, કિંગ્સબરીમાં હરિભક્તો અને સંતોએ હાથે બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓનો અન્નકૂટ તૈયાર કરાયો હતો. પ્રસાદરૂપે ઉપસ્થિત સૌને તે મીઠાઈ અને વાનગીઓ અપાઈ હતી. આ પ્રસંગે સાંસદ બોબ બ્લેકમેન, લોર્ડ નવનીત ધોળકિયા, સાંસદ વીરેન્દ્ર શર્મા, સાંસદ નાઈેજેલ ડૂડ્સ, સાંસદ ઈયાન બ્લેકફોર્ડ, લોર્ડ જિતેશ ગઢિયા, લોર્ડ સ્વરાજ પૌલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અન્નકૂટની આ વર્ષની થીમ અલગ જ હતી. કિંગ્સબરી મંદિરના ગ્લોબલ આધ્યાત્મિક વડા આચાર્ય સ્વામીશ્રી મહારાજે પ્રથમ વિશ્વયુદ્ધને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા તેને ધ્યાનમાં રાખીને તેમજ આપણા મૂલ્યો અને આદર્શોને બચાવવા માટે જેમણે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું તેમના માનમાં આ દિવાળી અને નૂતન વર્ષના આ પ્રસંગનો ઉપયોગ કરવા સમુદાયને પ્રેરણા પૂરી પાડી હતી.

