આસામમાં ગત જુલાઈમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સનો (NRC) અંતિમ ડ્રાફ્ટ જારી કરાયા મુજબ રાજ્યના ૨,૮૯, ૮૩, ૬૭૭ લોકોને કાયદેસર નાગરિક તરીકે માન્ય ગણાયા છે, જ્યારે અમાન્ય ૪૦ લાખ લોકોમાંથી મોટા ભાગનાં લોકો બાંગ્લાદેશી હોવાનું કહેવાય છે. જોકે, આ તમામ લોકો ખરેખર ગેરકાયદે નાગરિક નથી પરંતુ, તેમના પેપરવર્ક અયોગ્ય છે અથવા પોતાની નાગરિકતા પુરવાર કરી શક્યા નથી, તેમનો પણ આમા સમાવેશ કરાયો છે. ભારત સરકારે આ મુદ્દે કડક વલણ અપનાવી કહ્યું છે કે માત્ર ભારતીય નાગરિકોને જ દેશમાં રહેવાનો અધિકાર છે. આ વાત સાચી છે કારણકે આ દેશની સુરક્ષા સાથે સંકળાયેલી બાબત છે અને ગેરકાયદે સ્થળાંતરીઓના કારણે જે તે પ્રદેશના લોકોને રોજગારી સહિતની બાબતોમાં સહન કરવાનું આવે છે. બીજી તરફ, આસામમાં નાગરિક રજીસ્ટરના મામલે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ડ્રાફ્ટના આધારે કોઈના વિરૂદ્ધ કાર્યવાહી ન કરી શકાય અને અને તેનું કોઈ મહત્વ હાલમાં નથી તેવી સ્પષ્ટતા પણ કરી છે. આસામમાં જે લોકોના નામ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનમાં નથી તેઓને પોતાનો દાવો રજૂ કરવાની તક અપાઈ રહી છે. આ દાવા માટે ૨,૫૦૦ NRC સેન્ટરની સ્થાપના પણ કરાઈ છે, જેની કાર્યવાહી ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલુ રખાવાની છે.
આ બધા વચ્ચે જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે તે બાંગલાદેશે તો હાથ ખંખેરી દઈ કહ્યું છે કે આસામમાં કોઈ બાંગલાદેશી ઘૂસણખોર નથી. જ્યારે વાસ્તવિકતા અલગ જ છે. બાંગલાદેશની મુક્તિનું યુદ્ધ ૧૯૭૧માં ચાલ્યું તેના પરિણામે અને તે અગાઉ લાખો પૂર્વ પાકિસ્તાની બંગાળીઓ ભારતમાં આવી ગયા હતા અને ત્યારથી ભારતમાં જ અડ્ડો જમાવી બેઠા છે. તે સમયે પણ તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધના કારણે જે લોકો ભારતમાં આવી ગયા છે તેમણે પાછા જવું જ પડશે. જોકે, આ મુદ્દે કોઈ કાર્યવાહી કરાઈ નહિ તે હવે ભારતને નડી રહ્યું છે. પોતાને બંગાળીઓના મસીહા ગણાવતા મમતા બેનરજીએ તો કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી પશ્ચિમ બંગાળમાં કોઈ પણ સ્થિતિમાં NRC લાગુ નહિ થવા દેવાની ચિમકી આપી છે. આ જ મમતાદીદીએ ૨૦૦૫ના ઓગસ્ટમાં દેશમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગલાદેશીઓનો ભારે વિરોધ કર્યો હતો. આ સમયે તેમની તૃણમૂલ પાર્ટી વિપક્ષમાં હતી અને આજે સત્તા પર છે તેથી વોટબેન્ક સમાન ઘૂસણખોરોની તરફેણમાં છે. તેમણે ભાજપ સામે પણ વોટબેંક આધારિત રાજકારણ ખેલવાનો આક્ષેપ લગાવ્યો છે. વાસ્તવિકતા એ પણ છે કે ભાજપ અને તૃણમૂલ પાર્ટી બંગાળ તેમજ આસામમાં લોકસભા ચૂંટણીમાં પોતાની તાકાત વધારવા ઉત્સુક છે.
NRC ડ્રાફ્ટના પરિણામે નોર્થ ઈસ્ટ પ્રદેશોમાં પણ ઘૂસણખોરીનો સંવેદનશીલ મુદ્દો બહાર આવ્યો છે. ડ્રાફ્ટ આસામમાંથી બંગાળીઓને હાંકી કાઢવાની ભાજપ સરકારની યોજના હોવાં વિશે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીના આક્રમક તેવરથી વિપરીત આસામ સાથે સરહદ ધરાવતા મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને નાગાલેન્ડ રાજ્યોએ NRC ડ્રાફ્ટમાંથી બાકાત ૪૦ લાખ જેટલા લોકો તેમના વિસ્તારોમાં ઘૂસી આવશે તેવી ચિંતા વ્યક્ત કરી છે. આ રાજ્યોએ બહારના લોકો તેમના વિસ્તારોમાં આવે તેના પર નજર રાખવા એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સાથે ઈનર લાઈન પરમિટ (ILP) સિસ્ટમ સ્થાપવાની તેમની લાંબા સમયની માગણીઓ દોહરાવી છે.
