બે ટ્રિલિયન ડોલરની વૈશ્વિક એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને આકાર આપનારા સૌથી પ્રભાવશાળી ૫૦૦ બિઝનેસ લીડર્સના વેરાઇટી મેગેઝિનના લિસ્ટમાં બોલિવૂડની પ્રિયંકા ચોપરાનો પણ સમાવેશ થયો છે. ઇન્ડિયાના લીડિંગ બિઝનેસમેન અંબાણી બ્રધર્સ મુકેશ અને અનિલ તેમજ બોલિવૂડ સુપરસ્ટાર્સ સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા સહિત ડઝનેક ઇન્ડિયન્સનો આ લિસ્ટમાં સમાવેશ થયો છે.
આ લિસ્ટમાં ડિરેક્ટર-પ્રોડ્યૂસર કરણ જોહર, સ્ટાર ઇન્ડિયાના સીઇઓ ઉદય શંકર, એસ્સેલ ગ્રૂપના ચેરમેન સુભાષ ચન્દ્ર, યશ રાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરા, બાલાજી ટેલીફિલ્મ્સના એકતા કપૂર, ઝી એન્ટરટેઇનમેન્ટના સીઇઓ પુનીત ગોએન્કા અને ધ ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા લિમિટેડના સિદ્ધાર્થ કપૂરનો પણ સમાવેશ કરાયો છે.
આ લિસ્ટમાં વોલ્ટ ડિઝની કંપનીના ચેરમેન અને સીઇઓ રોબર્ટ ઇગેર ટોપ પર છે. વોન્દા મીડિયા ગ્રૂપના ચેરમેન જૈનલિન વોંગ, એક્ટર-પ્રોડ્યૂસર બ્રેડલી કૂપર, સોની કોર્પના ચેરમેન કેઝ હિરઈ, રાઇટર જે. કે. રોલિંગ, નેટફ્લિક્સના ચીફ કન્ટેન્ટ ઓફિસર ટેડ સેરેનડોસ, પોપ સ્ટાર બિયોન્સે, રાઇટર-ડિરેક્ટર પેટી જેનકિન્સ, એનાપુરના પિક્ચર્સના મેગલ એલિસન તેમજ યુટ્યૂબના સીઇઓ સુસેન વોજસિસ્કિનો પણ આ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

