કમલા ફાઉન્ડેશનના ભૂપેન્દ્ર મિસ્ત્રીને સમાજસેવા માટે એનઆરઆઇ એવોર્ડ

Thursday 16th August 2018 02:28 EDT
 
 

લંડનઃ વૈશ્વિક પડકારોનો સામનો કરીને સમાજમાં આમૂલ પરિવર્તન માટે યોગદાન આપનારા વિશ્વમાં વસતા ભારતીયોનું ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા દર વર્ષે પ્રતિષ્ઠિત એનઆરઆઈ ઓફ ધ યર એવોર્ડ્સથી સન્માન કરવામાં આવે છે. લઘુમતિનું સશક્તિકરણ અને સમાજના સૌથી નબળા વર્ગને મદદ કરવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવનાર વ્યક્તિવિશેષને આ એવોર્ડ્ઝ અપાય છે. આ વર્ષે ‘એનઆરઆઈ ઓફ ધ યર ફોર ફિલાન્થ્રોપી’ નો એવોર્ડ સમાજસેવા ક્ષેત્રે વર્ષોથી ચેશાયરમાં કાર્યરત કમલા ફાઉન્ડેશનના ભૂપેન્દ્રભાઈ મિસ્ત્રીને એનાયત કરાયો હતો.

ભૂપેન્દ્રભાઈએ ૧૧ વર્ષ અગાઉ તેમના માતાની સ્મૃતિમાં કમલા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેનો ઉદેશ ભારતના ગરીબ લોકોના ઉત્કર્ષ અને કલ્યાણનો છે. સંસ્થા દ્વારા ગ્રામીણ વિસ્તારમાં પાણી પહોંચાડવાના તથા મહિલાઓ, અનાથ બાળકો અને વિધવાઓના ઉત્કર્ષ માટે વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. સંસ્થાની લોકોપયોગી પ્રવૃત્તિઓને લીધે ૩૦,૦૦૦ લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો છે.

ભૂપેન્દ્રભાઈએ સમાજસેવાની તેમની સફરમાં તેમને યોગદાન આપનાર તમામને આ એવોર્ડ સમર્પિત કર્યો હતો. તેમણે સંસ્થા માટે ફાળવેલા સમય અને નાણાં બદલ ડોનરોનો પણ આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું,‘ લોકોના જીવનમાં સાથે મળીને પરિવર્તન લાવવાના અમારા કામથી ઘણાં લોકોને અમારી સાથે જોડાવાની અને ભારતના અતિગરીબ લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની અમારી વીરાસતને જાળવી રાખવાની પ્રેરણા સાંપડી છે.


comments powered by Disqus