પ.પૂ. મહંતસ્વામીનું અટલાદરા વિચરણ

Thursday 16th August 2018 02:26 EDT
 
 

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે વિચરણ કરી રહ્યા છે. તા. ૧૨ ઓગસ્ટે ‘એકાંતિક થઈએ,પરમ એકાંતિક સંગે’ આ મધ્યવર્તી વિચાર સાથે BAPS મંદિરમાં પૂ. મહંત સ્વામીના સાનિધ્યમાં ૨૦ દિવસની પ્રવચનમાળાનો પ્રારંભ થયો હતો. પૂ. મહંત સ્વામીએ જણાવ્યું હતું કે એકાંતિક વ્યક્તિને આ લોકમાં કામ, ક્રોધ, લોભ ઈર્ષ્યા, મમત્વ કે અહમ સ્પર્શી શકતા નથી. આશીર્વચનમાં તેમણે સત્સંગીઓને એકાંતિક થવા તેમજ ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને દ્રઢ કરવાની શીખ આપી હતી. બાળકો અને યુવાનો દ્વારા સંવાદ, પરંપરાગત નૃત્ય સહિત વિવિધ કાર્યક્રમો પૂ. મહંત સ્વામીના દિવ્ય સાનિધ્યમાં યોજાયા હતા. તા. ૧૩ ઓગસ્ટની પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિ દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી. પ.પૂ. પ્રમુખ સ્વામી ૨૦૧૬માં આ દિવસે અક્ષરવાસી થયા હતા. તે નિમિત્તે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં પૂ. મહંત સ્વામીએ પૂ. પ્રમુખ સ્વામીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે પૂ. પ્રમુખ સ્વામીએ તેમનું સમગ્ર જીવન માનવ સમુદાયના કલ્યાણમાં વ્યતીત કર્યું હતું. તેમણે સંપ, સદભાવ અને એકતાના ગુણોને જીવનમાં ઉતારવાનો ભગવાન સ્વામીનારાયણનો સંદેશ ફેલાવવા અને ધર્મના પ્રચાર પ્રસાર માટે દેશ-વિદેશમાં ૧,૧૦૦ મંદિરોનું નિર્માણ કરાવ્યું. હાલ ચાતુર્માસ અંતર્ગત હિંડોળા ઉત્સવ ચાલતો હોઈ પૂ. મહંત સ્વામી દરરોજ હરિકૃષ્ણ મહારાજને હિંડોળે ઝૂલાવે છે. હરિભક્તો પણ મોટી સંખ્યામાં હિંડોળાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામી દરરોજ સવારે અને સાંજે હરિભક્તોને દર્શન અને સત્સંગનો લાભ આપી રહ્યા છે. પૂ.મહંત સ્વામી રવિવાર તા.૨ સપ્ટેમ્બર સુધી અટલાદરામાં વિચરણ કરશે.


comments powered by Disqus