યુરિનમાં લોહીના અંશો સાવચેતીનો સંકેતઃ બ્લેડર અને કિડની કેન્સર વિરુદ્ધ અભિયાન

Thursday 16th August 2018 02:41 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં ૨૦૦થી વધુ ધર્મસ્થાન તેમના ટોઈલેટ્સમાં પોસ્ટર લગાવીને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના ‘Be Clear on Cancer’ રાષ્ટ્રીય અભિયાનને ટેકો આપી રહ્યા છે. આ ધર્મસ્થાનો તેમના સભ્યોને યુરિન ફ્લશ કરતા પહેલા તેના પર નજર નાખવા અને જો યુરિનમાં એક વખત પણ લોહી જણાય તો તેમના ડોક્ટરને કહેવા પ્રોત્સાહન આપશે. યુરિનમાં લોહી બ્લેડર (મૂત્રાશય) અને કિડનીના કેન્સર્સનું ચાવીરૂપ લક્ષણ છે. ઈંગ્લેન્ડમાં દર વર્ષે બ્લેડર અને કિડનીના આશરે ૧૯,૧૦૦ નવા કેસનું નિદાન થાય છે, જેમાંથી આશરે આઠ હજાર કેસ જીવલેણ સાબિત થાય છે.
ગત બે સપ્તાહમાં મિડલેન્ડ્સ અને માન્ચેસ્ટર વિસ્તારમાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચ સહિત ૨૦૦થી વધુ ધર્મસ્થાનોએ તેમના ટોઈલેટ્સમાં પોસ્ટર્સ દર્શાવીને અભિયાનને ટેકો આપ્યો છે, જેમાં ટોઈલેટ ફ્લશ કરતા પહેલા મૂત્રમાં લોહી છે કે કેમ તે ચકાસી લેવાનું મહત્ત્વ સમજાવાયું છે. યુરિનમાં લોહી હોય તે તમામ પ્રકારના બ્લેડર કેન્સરના બે-તૃતિયાંશ (૬૪ ટકા) અને કિડની કેન્સરના આશરે એક પંચમાશ (૧૮ ટકા) કેસમાં લક્ષણ છે. યુરિનમાં ભલે દર વખતે લોહીના અંશો દેખાતા ન હોય, પરંતુ એક વખત પણ લોહી દેખાય તો તબીબી માર્ગદર્શન મેળવવું જરૂરી છે.
એક સર્વેના તારણ અનુસાર, ઈંગ્લેન્ડમાં ૫૦ કે તેથી વધુ વય (કે જેમને આ કેન્સર થવાનું જોખમ વધુ રહે છે)ના માત્ર ૧૬ ટકા પુખ્તોએ કહ્યું હતું કે તેઓ જ્યારે પણ ટોઈલેટ જાય છે ત્યારે તેમના યુરિનનો રંગ ચકાસે છે. સ્ત્રીઓમાં આવી ચકાસણીનું પ્રમાણ બહુ ઓછું - માત્ર ૧૨ ટકા છે.
તાજા આંકડા અનુસાર દર વર્ષે ઈંગ્લેન્ડમાં ૧૯,૧૦૦ લોકોને બ્લેડર અથવા કિડનીના કેન્સરનું નિદાન થાય છે, જેમાંથી આશરે ૮,૦૦૦ લોકો આ રોગોથી મોતને ભેટે છે. વહેલું નિદાન થાય તે મહત્ત્વપૂર્ણ છે. પ્રથમ તબક્કામાં જ કિડની કેન્સરનું નિદાન કરાયેલા ૮૪ ટકા અને બ્લેડર કેન્સરના નિદાન સાથેના ૭૭ ટકા લોકો ઓછામાં ઓછાં પાંચ વર્ષ જીવી શકે છે. પાછળના તબક્કે (stage 4) આ ટકાવારી અનુક્રમે ૧૦ ટકા અને ૯ ટકાની થઈ જાય છે.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના પ્રોફેસર જુલિઆ વર્ને કહ્યું હતું કે,‘ યુરિનમાં લોહી આવે તે કેન્સરની નિશાની હોઈ શકે તે લોકો જાણે તે મહત્ત્વની બાબત છે.
‘અમને એ વાતનો આનંદ છે કે ૨૦૦થી વધુ ધર્મસ્થાનો અમારા અભિયાનને સમર્થન આપી રહ્યા છે. આ મહત્ત્વની ભાગીદારી છે, જે સમાજના તમામ વર્ગ તેમજ આસ્થાવાન લોકો માટે કેન્દ્રસમાન સ્થળોએ અમારો સંદેશો બરાબર પહોંચે તેની ચોકસાઈમાં અમને મદદ કરી રહી છે.
‘અમારું સંશોધન દર્શાવે છે તેમ લોકો જ્યારે પણ ટોઈલેટ જાય ત્યારે તેમના મૂત્રનો રંગ તપાસતા હોય તેની સંખ્યા ઘણી જ ઓછી હોય છે. લોકોએ તેમના યુરિનમાં લોહી જવાની કોઈ પણ નિશાની જાણી શકાય તે માટે મૂત્ર ફ્લશ કરતા પહેલા તેને જોવાની આદત પાડવી જોઈએ. જો મૂત્રમાં લોહી દેખાય તેવી પરિસ્થિતિમાં પોતાના જીપી પાસે પહોંચી જવામાં જરા પણ ખચકાવું જોઈએ નહિ. આના પરિણામે, વધુ લોકોને પ્રાથમિક તબક્કામાં જ કેન્સર વિશે નિદાન કરી શકાશે, જ્યારે કેન્સરની સારવાર વધુ શક્ય રહે છે. આમ કરવાથી તેમના લાંબા આયુષ્યની તક વધારી શકાય છે.’


comments powered by Disqus