તાજેતરમાં જ ભારતની સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી કરવી પડી કે દેશમાં જાણે ચારે તરફ બળાત્કાર થઇ રહ્યાં હોય તેવું લાગે છે. બિહારના મુઝફ્ફરપુરના આશ્રયગૃહમાં ૩૪ છોકરી સાથે દુષ્કર્મના પુરાવા પછી ઉત્તરપ્રદેશના દેવરિયાના નારી સંરક્ષણ ગૃહમાં કન્યાઓના યૌન શોષણનો મામલો બહાર આવતા વ્યથિત સુપ્રીમ કોર્ટને આવી કડક ટીપ્પણી કરવી પડી છે. બેટી બચાવો, બેટી પઢાવોનો નારો તો જાણે ક્રૂર મજાક બની ગયો છે. છોકરીઓ પાસે દેહવ્યાપાર કરાવવાના આરોપ સાથે પોલીસે સંરક્ષણ ગૃહ ઉપર પાડેલા દરોડા દરમિયાન ૪૨માંથી ૨૪ બાળાને છોડાવી હતી પરંતુ, ૧૮ છોકરીઓ ગાયબ હતી. બિહાર અને ઉત્તરપ્રદેશના આશ્રયગૃહોમાં કન્યાઓની જાતીય સતામણીની ઘટનાઓ બહાર આવ્યાંના પગલે સરકારે દેશનાં ૯,૦૦૦થી વધુ આશ્રયગૃહોના સોશિયલ ઓડિટનો આદેશ આપ્યો છે, જેની જવાબદારી ચાઈલ્ડ રાઈટ પ્રોટેક્શન કમિશનને સોંપાઈ છે. આ તો ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવી વાત છે.
બિહાર અને ઉત્તર પ્રદેશ ઉપરાંત હિમાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, કેરળ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને દિલ્હી જેવા રાજ્યો તેમની સોશિયલ કેર સંસ્થાઓનું સોશિયલ ઓડિટ કરાવવાથી બચે છે તેવી માહિતી નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) દ્વારા અપાયા પછી સુપ્રીમ કોર્ટને ટકોર કરવી પડી હતી કે બાળ અધિકાર સંગઠન દ્વારા સોશિયલ ઓડિટનો વિરોધ કરતાં રાજ્યો ‘કંઇક છુપાવી’ રહ્યા હોય તેમ લાગે છે. આ ખરેખર શરમજનક બાબત છે.
એનસીપીઆરના આંકડા મુજબ ભારતમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ વણનોંધાયેલી ૧,૩૦૦ ચાઇલ્ડ કેર સંસ્થાઓ છે. દેશમાં કુલ ૫,૮૫૦ ચાઇલ્ડ કેર સંસ્થામાં થઈ લગભગ ૨.૩૩ લાખ બાળકો સંભાળ હેઠળ છે. નવાઈની વાત તો એ છે કે આ સંસ્થાઓને ચલાવવામાં મદદરુપ NGOને સરકાર ફંડ આપે છે છતાં, તેમના સોશિયલ ઓડિટ જવાબદારી જાણે કોઈની જ ન હોય તેવી પરિસ્થિતિ પ્રવર્તે છે. દુનિયાની કુલ બાળ વસતીના ૧૯ ટકા બાળકો ભારતમાં છે. દેશની ત્રીજા ભાગની એટલે કે ૪૪ કરોડ જનસંખ્યા સગીર વયની છે. એક અભ્યાસ અનુસાર આમાંના ૧૭ કરોડ બાળકો આશ્રય વિહોણાં અને યાતનાભરી પરિસ્થિતિમાં જીવે છે.
ટાટા ઇન્સ્ટીટયૂટ ઓફ સોશિયલ સાયન્સ (TISS)ના વિદ્યાર્થીઓના સમૂહ દ્વારા બિહારના બાળ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત NGOની ઓડિટ દરમિયાન સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બિહારમાં સરકાર એનજીઓની મદદથી ૧૧૦ શેલ્ટર હોમ્સ અટલે આશ્રયગૃહ ચલાવે છે. ટીસના રિપોર્ટમાં છ શોર્ટ ટર્મ સ્ટે હોમ્સ અને ૧૪ શેલ્ટર હોમ્સમાં બાળ યૌન ઉત્પીડનના મામલા દર્શાવાયા છતાં, બિહાર સરકારે તત્કાળ પગલાં લેવામાં આળસ દર્શાવી હતી. ભારે હોબાળા બાદ જ સરકારે પગલાં લીધાં, જે અક્ષમ્ય જ ગણી શકાય. મોટી અને ગંભીર ઘટનાઓ પ્રત્યે આંખ આડા કાન કરવાની આપણને જાણે આદત બની ગઇ છે.
સોશિયલ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટ (SAA) કોઈ પણ સંસ્થા દ્વારા પોતાના ધ્યેય અને તે ધ્યેય સંબંધે તેની કામગીરી કેવી થાય છે તેના ઉત્તરદાયિત્વ સંદર્ભે વિકસાવાયેલું સ્વૈચ્છિક ફ્રેમવર્ક છે. ચેરિટીઝથી માંડી સામાજિક સંસ્થાઓ સુધી તેનું ફલક વિસ્તરેલું હોય છે. સીધી રીતે કહીએ તો, સોશિયલ એકાઉન્ટિંગ સિસ્ટમ સંસ્થાની સામાજિક, આર્થિક અને પર્યાવરણીય અસરોનું વિશ્લેષણ કરી તેના વિશે રિપોર્ટ આપે છે. આવી કોઈ વ્યવસ્થા ભારતમાં કાર્યરત હોય તેમ જણાતું નથી
લાચાર અને નિરાધાર બાળાઓ અને સ્ત્રીઓ સુરક્ષિત જીવન જીવી શકે તે માટે શેલ્ટર હોમમાં રખાય છે પરંતુ, રક્ષક જ ભક્ષક બની જાય ત્યારે સરકાર અને સમાજ જાગવાના બદલે ઊંઘમાં જ ઘોર્યા કરે છે. પરેશાન કરતી બાબત એ છે કે મહિલાઓના રક્ષણ માટે કડક કાયદા, એજન્સીઓ, બાળસુધારણા અભિયાનો, સામાજિક સંસ્થાઓ અને જુદા જુદા કમિશનો ઉપરાંત, પોલીસ અને વિશાળ સરકારી તંત્ર છતાં, કન્યાઓના યૌનશોષણની ઘટના ધ્યાનમાં જ ન આવી? હકીકત એ છે કે સરકાર સમાજ કલ્યાણ અને એનજીઓના નામે કહેવાતી સંસ્થાઓને આર્થિક મદદ તો આપે છે પરંતુ તેમની કામગીરી ઉપર દેખરેખ રાખવી કે તેના સોશિયલ ઓડિટ કરવાનું જરુરી સમજતી નથી.
