સિએટલ (યુએસ)ઃ ઉંમર તો માત્ર એક આંકડો હોય છે. જો તમે કંઈક નવું, કંઈક સાહસિક, કંઈક અનોખું કરવા ઇચ્છતા હો તો ઉંમરનો આંકડો તમને એમ કરતા રોકી શકતો નથી. ઉંમરની સદી ફટકારનારા સિએટલ નિવાસી એસટીયુ વિલિયમસને આ પુરવાર કર્યું છે. તેમણે એકસોમો જન્મદિન હજારો ફૂટ ઊંચેથી સ્કાય ડાઇવ કરીને ઉજવ્યો છે.
તેમનો જન્મદિનની ઉજવણીનો ઉત્સાહ વધારવા ૪૦ મિત્રો તથા પરિવારજનો હાજર રહ્યા હતા. આ તેમની જિંદગીની બીજી ડાઇવ હતી. તેમણે ગયા વર્ષે ૯૯ વર્ષની ઉંમરે પહેલી વાર સ્કાય ડાઇવ કર્યું હતું. તેમણે સ્કાય ડાઇવ કર્યા બાદ કહ્યું હતું, ‘જો હું હજુ એક વર્ષ અને બે મહિના જીવી ગયો તો ઇંગ્લેન્ડના બ્રિસન વિલિયમનો રેકોર્ડ તોડવાનો મને આનંદ થશે.’ ઉલ્લેખનીય છે કે બ્રિસને ૧૦૧ વર્ષ ૩૮ દિવસની ઉંમરે ડાઇવ કર્યું હતું.
ખતરાઓથી ખેલવાનો શોખ
વિલિયમસને કહ્યું હતું, ‘મને રોલર કોસ્ટર રાઇડ અને જોખમવાળા કામ કરવાનો શોખ છે. એવી ઇચ્છા ક્યારેય નહોતી કે વિમાનમાંથી કૂદી જોઉં. પછી વિચાર્યું કે મારે આવું શા માટે ન કરવું જોઇએ? હું એમ નહીં કહું કે મને મજા આવી પરંતુ એમ કહીશ કે આ એક અદભુત અહેસાસ હતો, જે મેં અગાઉ ક્યારેય અનુભવ્યો નહોતો.
વિલિયમસન કહે છે કે સ્કાય ડાઇવ માટે જરૂરી શારીરિક સજ્જતાના પરીક્ષણમાં પાસ થઇ શકું તે માટે હું રોજ ત્રણ વખત જીમ જાઉં છું. ૪૫ મિનિટ એક્સરસાઇઝ કરું છું, જેથી મારી કમર અને હૃદય સ્વસ્થ રહે.

